ગરીબની રોટી
મહાપુરુષોના જીવન પ્રસંગો પ્રેરક, પથપ્રદર્શક, પરમ શ્રેયસ્કર હોય છે. એમનો જીવનવ્યવહાર અસામાન્ય, જાગૃતિપૂર્વકનો અને રહસ્યમય હોય છે. એમનો જેટલો પણ વિચાર કરીએ એટલો ઉપયોગી થઈ પડે છે. ભારતના જ નહિ કિન્તુ સમસ્ત સંસારના સત્પુરુષ ગુરુ નાનકદેવનો એક અનેરો જીવનપ્રસંગ છે.
ભારતના પ્રવાસ દરમ્યાન ગુરુ નાનકદેવ જનતાને સ્થળે સ્થળે સદુપદેશ સંભળાવતા એક નગરમાં જઈ પહોંચ્યા. એમણે એક સામાન્ય માણસના મહેમાન બનવાનું પસંદ કર્યું. એ માણસનું મન નિર્મળ અને પરમાત્મપરાયણ હોવાથી એમણે એના પર વિશેષ અનુગ્રહ વરસાવ્યો. એની પ્રસન્નતાનો પાર ન રહ્યો.
નગરના પ્રજાજનો નાનકદેવનાં દર્શન અને સત્સંગ માટે આવવા લાગ્યા.
એક દિવસ એક નામાંકિત ધનાઢ્ય પુરુષે આવીને એમને ભોજનનું અને પોતાને ત્યાં રહેવાનું આમંત્રણ આપ્યું. નાનકદેવે એ આમંત્રણનો અસ્વીકાર કરીને કહ્યું કે મને ગરીબોનું ભોજન વધારે પસંદ છે.
પેલા શ્રીમંતને એમના ઉદગારો બહુ સારા ના લાગ્યા એટલે એના મનોભાવોને જાણી લઈને એમણે એને બીજે દિવસે ભોજન લાવવાનું કહ્યું.
એ શ્રીમંતે બીજે દિવસે ભોજન આણ્યું એટલે ગુરુ નાનકદેવે એના થાળના માલપૂડાને હાથમાં લઈને દાબી જોયા તો ત્યાં એકઠા થયેલા સૌ સત્સંગીઓના દેખતાં એમાંથી લોહી ટપકવા લાગ્યું. થોડા વખત પછીથી એમણે પેલા ગરીબની લાવવામાં આવેલી થાળીની રોટલીને દબાવી તો એમાંથી દૂધ ટપકવા માંડ્યું.
સત્સંગીઓ એ જોઈને આભા બની ગયા. ગુરુ નાનકદેવે જણાવ્યું કે આ ગરીબ માણસની રોટી પ્રામાણિકતા, પવિત્રતા ને પરસેવાની છે અને શ્રીમંત પુરુષના પકવાનમાં લોહી છે, એની પાછળનો પૈસો અપવિત્ર છે, એટલે જ મારાથી એનો સ્વીકાર કરાય તેમ નથી. મને ગરીબનો લૂખો રોટલો વધારે પસંદ પડે છે ને મીઠો લાગે છે.
શ્રીમંતના મનનું સમાધાન થયું. એ પોતાના જીવનને જાણતો હતો.
સત્સંગીઓને એ પાવન પ્રસંગમાંથી નવો પ્રકાશ મળ્યો.
આજના આપણા સેવકો, સદુપદેશકો, સંતો અને મહંતો એ પ્રસંગમાંથી જીવનોપયોગી પવિત્રતાનો પદાર્થપાઠ શીખશે ખરા ? એ ગુરુ નાનકદેવ જેટલા વિવેકી ને જાગ્રત બને અને અનાવશ્યક આમોદ-પ્રમોદને તિલાંજલિ આપતાં શીખે તો એમને અને સમાજને અસાધારણ લાભ થાય. એમણે અને સૌ કોઈએ શીલ, સદાચાર, સંયમ, સાદાઈ, સાત્વિકતા અને શુદ્ધિને સન્માનતાં શીખવું જોઈએ. એથી વિરોધી તત્વો સાથે સદા સર્વત્ર અસહકાર કરવો જોઈએ. એમને એક અથવા બીજી રીતે ઉત્તેજવાં ના જોઈએ.
- શ્રી યોગેશ્વરજી