બાબા નીમકરોલી - 1
૧. વ્યાસ અંદર આવે
ગુજરાત રાજ્યના વર્તમાન વિકાસ કમિશ્નર શ્રી મનુકુમાર વ્યાસ આજથી લગભગ ત્રણેક વરસ પહેલાં નૈનીતાલ ગયેલા ને ત્યાંના શાંત સૌંદર્યસંપન્ન વાતાવરણમાં મે મહિના દરમ્યાન થોડોક વખત રહેલા. એમને આધ્યાત્મિકતા પ્રત્યે અનુરાગ હોવાથી કોઈક સંતપુરુષના સમાગમની ઈચ્છા થઈ. પરંતુ સંતપુરુષનો સમાગમ-લાભ સહેલાઈથી કેવી રીતે મળી શકે ? પરમાત્માની પરમકૃપા હોય તો જ તેની પ્રાપ્તિ થાય. નૈનીતાલના નિવાસ દરમ્યાન એક ધન્ય ચિરસ્મરણીય દિવસે એમને માહિતી મળી કે થોડેક માઈલ દૂર એક એકાંત પર્વતીય પ્રદેશમાં કોઈ અસાધારણ અવસ્થાએ પહોંચેલા મહાત્માપુરુષ વાસ કરે છે અને એ એકાંતપ્રેમી વિરક્ત ત્યાગી મહાપુરુષના દર્શન, સમાગમ તથા સત્સંગ માટે ભાવિક જનતા મોટી સંખ્યામાં પ્રતિદિન એકઠી થાય છે. એ માહિતી મેળવીને એમને સ્વાભાવિક રીતે જ આનંદ થયો અને એ એક બીજા ધન્ય દૈવી દિવસે એમના દર્શન માટે ચાલી નીકળ્યા.
પર્વતમાળાઓમાં પ્રવાસ કરતાં એ આખરે કૈચી નામના નાનકડા સ્થળમાં આવી પહોંચ્યા. ત્યાં એક સુંદર ચિત્તાકર્ષક હનુમાન મંદિર હતું. પેલા મહાત્માપુરુષ એમાં એક તરફ નિવાસ કરતા. વરસનો અમુક ભાગ એ ત્યાં ગાળતા અને શેષ સમય દરમ્યાન ઉત્તર પ્રદેશનાં જુદાં જુદાં સ્થળોનો સ્વેચ્છાપૂર્વક પ્રવાસ કરતા. ઉત્તર પ્રદેશમાં એમની પ્રખ્યાતિ પુષ્કળ હતી. એમના દર્શન માટે બહાર દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયેલા. પરંતુ એમને એમના દર્શનનું સુખદ સૌભાગ્ય ક્યારે સાંપડશે તે કોઈપણ ચોક્કસપણે કહી શકે તેમ નહોતું. મહાત્માપુરુષ ખૂબ જ નિઃસ્પૃહ, નિર્મળ અને આત્મારામ હોય એવું અનુમાન સહેલાઈથી કરી શકાતું.
મનુકુમાર પણ એમના દર્શનની પાવન પળની પ્રતીક્ષામાં સૌની સાથે બેસી ગયા. એમની આતુરતા ઉત્તરોત્તર વધવા માંડી તો પણ એમણે બને તેટલી ધીરજ રાખી. ધીરજ રાખ્યા વિના બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો ? મહાત્માપુરુષ પોતે ક્યારે બહાર આવશે અથવા દર્શનાર્થીઓને કૃપા કરીને કયી ધન્ય ક્ષણે અંદર બોલાવશે તે વિશે કશું જ નિશ્ચિતરૂપે નહોતું કહી શકાય તેમ.
તો પછી અહીંથી એમના દર્શન કે સમાગમ સિવાય જ વિદાય થવું ? એવી સલાહ તો કેવી રીતે આપી શકાય ? દર્શનની ઈચ્છાથી પ્રેરાઈને આટલે બધે દૂર આવીને દર્શન વિના જ પાછા ફરવાના વિચારને તો શી રીતે માની શકાય ? તો પછી ?
એ પ્રશ્નનો પ્રત્યુત્તર થોડાક સમય પછી આપોઆપ આવી ગયો. મહાત્માપુરુષના આદેશાનુસાર કોઈએ બહાર આવીને જણાવ્યું કે જે વ્યાસ હોય એ અંદર આવે.
મનુકુમાર વ્યાસને એ સાંભળીને આશ્ચર્ય તો થયું પરંતુ શબ્દો સ્પષ્ટ હતા. બીજી વાર પણ એ જ શબ્દો બોલી બતાવવામાં આવ્યા. દર્શનાર્થીઓમાં મનુકુમાર સિવાય બીજા કોઈ વ્યાસ નહોતા એથી એ અંદર ગયા. અંદર શાંતિપૂર્વક વિરાજેલા વયોવૃદ્ધ મહાત્માના દર્શનનું એમને સદભાગ્ય સાંપડ્યું. એમણે એમને પ્રણામ કર્યાં.
વાતાવરણમાં સ્વલ્પ સમય સુધી શાંતિ પ્રસરી રહી એટલે મહાત્માએ જણાવ્યું કે વડોદરામાં તમારા પિતાજી ગરીબોની સેવાનું જે કાર્ય કરી રહ્યા છે તે ઘણું સારું કરી રહ્યા છે.
એ સાંભળીને મનુકુમારને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું. એમના પિતાજી વડોદરામાં અન્ન-વસ્ત્ર દ્વારા ગરીબોની સેવા કરી રહેલા એ સાચું હતું, પરંતુ એની ખબર આ મહાપુરુષને આટલે બધે દૂર રહે કેવી રીતે પડી ? પોતાની અટક વ્યાસ છે એની માહિતી પણ એમને ક્યાં નહોતી મળી ? એમની અસાધારણ શક્તિનો એથી વિશેષ પુરાવો બીજો કયો હોઈ શકે ?
એમણે બીજું કશુંક પૂછવું હોય તો પૂછવા માટે કહ્યું પણ મનુકુમારે કશું ના પૂછ્યું.
એ સમાગમની છાપ એમના મન પર ઘણી ભારે પડી. એ એમના પર ચિરસ્થાયી અસર કરી ગઈ.
અમદાવાદમાં એકાદ વરસ પછી એ મને મળ્યા ત્યારે એ બધી હકીકત એમણે કહી બતાવી. એ મહાત્માનું નામ પણ એમણે કહી બતાવ્યું : બાબા નીમકરોલી.
ત્યારથી જ મને એમના પ્રત્યે પ્રેમ અને સદભાવ પેદા થયો ને લાગ્યું કે ભારતની ભૂમિમાં હજુ આવા અલૌકિક શક્તિવાળા મહાત્મા પુરુષો શ્વાસ લે છે ખરા. એમનું દર્શન અને એમની સાથેનું સંભાષણ સાચેસાચ સુખદ થઈ પડે. પરંતુ એવા સ્વનામધન્ય સત્પુરુષોના સુખદ સમાગમનો દેવદુર્લભ લાભ ઈશ્વરના અસાધારણ અનુગ્રહ વિના થોડો જ મળી શકે છે ? એવો અનુગ્રહ કરવો કે ના કરવો અને કરવો તો ક્યારે કરવો તે તેજ જાણે છે.
૨. પ્રેમ અને આદરભાવ
એ પ્રસંગ પછી ઈ.સ. ૧૯૭૨માં જુન-જુલાઈ મહિના દરમ્યાન લખનૌ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શ્રી સીતારામ જયસ્વાલ મસૂરીમાં મળ્યા ત્યારે એમણે બાબા નીમકરોલી વિષે ખૂબ જ પ્રેમ તથા પૂજ્યભાવપૂર્વક વાતો કરી. એ વાતો પરથી એમના સંબંધી થોડુંક વધારે જાણવાનું મળ્યું અને એમને માટે પ્રેમ તથા આદરભાવ પેદા થયો. એ વખતે બાબા નીમકરોલી નૈનીતાલ પાસે કૈચી નામના સ્થળમાં આવેલા એ જ હનુમાન મંદિરમાં નિવાસ કરતા. એમની પાસે રહેતા એમના પ્રેમી ભક્ત કાલીબાબુએ એમની પાસે આવવાનું આમંત્રણ પણ આપ્યું. એ ત્યાં રહ્યા પણ ઠેઠ સપ્ટેમ્બરના અંત સુધી. તો પણ ત્યાં જવાનું ના બની શક્યું. કારણ બીજું કયું હોય ? એમને મળવાનો, એમના સમાગમનો સમય હજુ નહિ પાક્યો હોય એ જ. એમના સમાગમનો સુયોગ્ય સાનુકૂળ સમય પાકે છે ત્યારે જ એમને મળવાનું બની શકે છે અને એમનો લાભ પણ ત્યારે જ ઉઠાવી શકાય છે એમાં શંકા નથી.
ભારતમાં પાછલા કેટલાય કાળથી સ્વનામધન્ય મહા મહિમાપ્રાપ્ત મહાપુરુષોનો પવિત્રતમ પ્રાદુર્ભાવ થતો જાય છે. એમની પરંપરા વ્યક્તિગત તથા સમષ્ટિગત રીતે સુખશાંતિપ્રદાયક તથા કલ્યાણકારક બની છે. એણે રાષ્ટ્રને આધ્યાત્મિક ધનથી ધનવાન બનાવવામાં ઘણો મહત્વનો મૂલ્યવાન ભાગ ભજવ્યો છે. એ ઉપરાંત અસંખ્ય સાધકોને આત્મોન્નતિને માર્ગે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડીને પરમશ્રેયના ભાગી બનાવ્યા છે. મહાત્મા નીમકરોલી બાબાનું સ્થાન એ પરંપરામાં આગળ પડતું છે. એ પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા કે કીર્તિથી સદા દૂર રહે છે અને પરમાત્મનિષ્ઠામાં લીન બનીને શ્વાસ લે છે તથા વિચરણ કરે છે. એમના જેવા મંગલમય મહાત્માપુરુષો પ્રસિદ્ધિની દુનિયાથી દૂર હોય તો પણ જ્યાં પણ રહે છે ત્યાં રહીને બીજાને પ્રેરક ઠરે છે ને પ્રકાશ પૂરો પાડે છે એમાં સંશય નથી. એમને લીધે ભારતની ગૌરવશાલિની ભૂમિ વધારે ગૌરવ ધારણ કરે છે.
૩. બિલ્લી હજ ગઈ
દહેરાદૂનની ડી.એ.વી. કોલેજના એક પ્રસિદ્ધ પ્રાધ્યાપકને એક દિવસ મેં બાબા નીમકરોલી વિશે પૂછ્યું તો એમણે મોં બગાડીને જણાવ્યું કે હમણાં હું નૈનિતાલ ગયેલો ત્યારે બાબા નીમકરોલી ત્યાં જ હતા. એમની માન્યતા એ બાજુ ઘણી છે. પરંતુ મને તો એમને મળવા જવાનું મન ના થયું. મને જેમણે એમના દર્શનની ભલામણ કરી એમને મેં કહી દીધું કે એ તો કાંઈ મહાત્મા છે ? સો ઉંદર મારીને બિલ્લી હજ ગઈ.
મેં એમને એનો ભાવાર્થ પૂછ્યો તો એમણે કહ્યું કે એ તો પહેલાં ડાકુ હતા.
ડાકુ હતા ?
હા.
તો ડાકુ કદી મહાત્મા કે ધર્માત્મા ના બની શકે ? કદાચ પહેલાં એ ડાકુ હશે તો પણ અત્યારે તો ડાકુ નથીને ? રત્નાકરને દેવર્ષિ નારદનો સમાગમ સાંપડ્યો તો રત્નાકરનો મહર્ષિ વાલ્મીકિના રૂપમાં પુનરાવતાર ના થયો ? બાબા નીમકરોલી વર્તમાન કાળમાં શું છે તે વધારે મહત્વનું છે. એની સાથે આપણે વધારે કામ છે. બીજી આડીઅવળી ચર્ચાવિચારણાથી શું વળવાનું છે ? એથી કોઈ ઉપયોગી હેતુ નહિ સરી શકે.
પેલા પ્રાધ્યાપક ભાઈ એ પછી કશું ના બોલ્યા. પરંતુ એમના ઉદગારો એમના જેવા પુરુષોની મનોવૃત્તિનો પડઘો પાડે છે. એ મનોવૃત્તિ ખૂબ જ પૂર્વગ્રહયુક્ત હતી એમાં શંકા નથી. એવી પૂર્વગ્રહયુક્ત મનોવૃત્તિવાળા કૂપમંડૂકની પેઠે એમના જ ભાવોના ને વિચારોના સીમિત કે સંકુચિત કુવામાં જ ફરતા રહે છે ને ગુણગ્રાહી વૃત્તિને કેળવીને પરમાત્માના પરમ કૃપાપાત્ર મહાત્માપુરુષોનો લાભ નથી લઈ શકતા. એમની પૂર્વગ્રહયુક્ત બુદ્ધિ અને કૂપમંડૂક વૃત્તિ એમને પોતાની પકડમાંથી છૂટવા ને બહાર નીકળવા નથી દેતી. એને લીધે એ મહાપુરુષોના દેવદુર્લભ જીવનપ્રેરક પરમશક્તિસંચારક સત્સંગલાભથી સદાને માટે ને પોતાની મેળે જ વંચિત રહે છે. એથી અધિક દુર્ભાગ્ય બીજું કયું હોઈ શકે ?
કોઈક પુરુષ પોતાના પૂર્વજીવનમાં કુકર્મી હોય તો પણ સત્કર્મપરાયણ થઈ જ ના શકે એવું કોણ કહી શકે ? અને એ સત્કર્મપરાયણ થાય તો પણ સન્માનનીય ના બને એવું થોડું છે ? જીવનનો વિકાસમાર્ગ તો ગમે ત્યારે ને ગમે તેને માટે ખુલ્લો છે. એ માર્ગે આગળ વધીને જીવનનો વ્યક્તિગત વિકાસ કોઈ પણ કરી શકે છે. બાબા નીમકરોલીએ પણ વિકાસના એ સર્વસામાન્ય નિયમ પ્રમાણે સાધનાનાં કેટલાંક શિખરોને સર કરીને સંસિદ્ધિ મેળવી હોય તો એમાં ના માનવા જેવું અને એનો અકારણ વિરોધ કરવા જેવું કશું જ નથી. એવો વિરોધ કોઈપણ રીતે કલ્યાણકારક ના થઈ શકે. એને આદરણીય, અભિનંદનીય અથવા અનુકરણીય ના કહી શકાય. એક પ્રાધ્યાપક જેવા જવાબદાર પુરુષને માટે એવી વિરોધી મનોવૃત્તિનું સેવન કરવાનું જરા પણ યોગ્ય નથી.
- શ્રી યોગેશ્વરજી