બાબા નીમકરોલી - 2

૪. પ્રત્યક્ષ મેળાપ

કાનપુરના કાર્યક્રમને પૂરો કરીને અમારે વૃંદાવન જવાનું થયું ત્યારે ત્યાં હનુમાન ગલીમાં આવેલા હનુમાન મંદિરની પાછળના ભાગમાં બાબા નીમકરોલીના દર્શનનો લાભ સહેલાઈથી મળી શક્યો. એમની પદ્ધતિ થોડીક વિચિત્ર કે વિલક્ષણ હતી. એવી પદ્ધતિ મેં ત્યાં પહેલી જ વાર જોઈ. એ એમના વિશાળ નિવાસસ્થાનની બહારના દરવાજાને અંદરથી તાળુ મારી રાખતા. ત્યાં એક ચોકીદાર રહેતો. એ ચોકીદાર કોઈ મળવા આવે તો એમને પૂછીને એમની અનુમતિથી જ દરવાજો ખોલતો અને એવી રીતે દર્શનાર્થીઓ એમની પાસે પહોંચી શકતા. એવી પદ્ધતિ મેં બીજા કોઈપણ મહાત્માને ત્યાં નહોતી જોઈ.

ચોકીદારે અમારા કહ્યા પ્રમાણે અંદર જઈને સમાચાર આપ્યા એટલે બાબા નીમકરોલીએ અમને અંદર આવવાની અનુમતિ આપી. અંદર ખુલ્લા ચોકવાળી વિશાળ ધર્મશાળા હતી. એમાં એક તરફની ઓસરીમાં એક પાટ પર બાબા નીમકરોલી બેઠેલા. એ મોટી ઉંમરના દેખાતા. એમના મસ્તક તથા મુખ પર વાળ નહોતા. શરીર પર કાળી કંબલ ઓઢેલી. એમનું મુખ ઘઉંવર્ણું દેખાતું. પ્રથમ દૃષ્ટિએ એમાં કે એમની આંખમાં કાંઈ વિશષ્ટ જેવું આકર્ષણ નહોતું લાગતું. એ તદ્દન સીધાસાદા જેવા દેખાતા.

અમે એમને પ્રણામ કરીને એમની પાસે બેસી ગયા.

‘ઘણા વખતથી તમને મળવાની ઇચ્છા હતી. આજે એ ઈચ્છા પૂરી થઈ. શ્રી મનુકુમાર વ્યાસે બે વરસ પહેલાં તમારી વાત કહી બતાવેલી, લખનૌના શ્રી સીતારામ જયસ્વાલે પણ તમારો પરિચય કરાવેલો.’

મારા શબ્દોને સાંભળીને એમણે જણાવ્યું : ‘મનુકુમાર વ્યાસ તો કમિશ્નર છે. શાના કમિશ્નર છે ? પહેલાં ટ્રાન્સપોર્ટના હતા.’

‘એ પહેલાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં હતા ખરા પરંતુ અત્યારે કમિશ્નર છે - વિકાસ કમિશ્નર.’

‘તમારા મામાના એ છોકરા છે. સંત છે. સારા છે. પવિત્ર દિલના છે.’

એમણે એ બધું કેવી રીતે કહ્યું ?  મનુકુમારે એમને મારી ઓળખાણ આપી હોય તો પણ એ વાતને તો બે વરસ જેટલો વખત થઈ ગયો. એ ઓળખાણને એમણે આવી રીતે કેવી રીતે યાદ રાખી ? કે પછી એમની હનુમાનજીની ઉપાસનાના પરિણામે સાંપડેલી સિદ્ધિથી એમને એ બધી માહિતી મળી શકી ? એ માહિતી હતી ખરેખર આશ્ચર્યકારક.

અમારી સાથેના શ્રી રૂપકિશોર કપુરે એમને મારો પરિચય કરાવ્યો એટલે એ બોલ્યા : ‘યોગેશ્વર માતાની સારી રીતે સેવા કરે છે. માતાને સાથે રાખે છે. જગદંબાને માને છે. પ્રવચન સરસ કરે છે. કરો પ્રવચન.’

મેં કહ્યું : ‘અહીં શું પ્રવચન ? આ કાંઈ પ્રવચન કરવાનું સ્થાન નથી અને અત્યારે મને પ્રવચન કરવાની ઈચ્છા પણ નથી થતી.’

એમણે એમનો આગ્રહ ચાલુ રાખ્યો પરંતુ એ આગ્રહને માન્ય રાખવાનો કશો અર્થ ન હતો.

એમણે રૂપકિશોરને ફરીવાર કહ્યું : ‘યોગેશ્વર મહાન સંત છે. ભક્ત છે. ખૂબ જ પવિત્ર છે.’ અને મને તથા એમને જણાવ્યું : ‘કોઈવાર કૈચી આવજો. હું પણ મસૂરી આવીશ.’

થોડીક ક્ષણો સુધી વાતાવરણમાં શાંતિ રહી. અમારી સાથેના બીજા ભાઈઓ ધર્મશાળામાં બીજી તરફ ફરવા લાગ્યા ત્યારે મેં એમને સહજ રીતે જ પૂછી જોયું : ‘મારે પરદેશ જવાનું સારું છે ?’

‘હા.’ એમણે તરત જ ઉત્તર આપ્યો : ‘ત્યાં પણ ઘણાં ભક્તો છે. ત્યાં જવાનું ઘણું સારું છે. ગુજરાતના કોઈક ભક્ત તમને બોલાવશે.’

‘ક્યારે જવાનું થશે ?’

‘આવતા ઉનાળામાં જશો.’

‘માતાજી સાથે કે એકલા ?’

‘માતાજી સાથે. માતાજી શુદ્ધિથી રસોઈ બનાવશે. એમને જરૂર લઈ જજો.’

‘મારે જવાનું થશે ત્યારે એમને જરૂર લઈ જઈશ.’

થોડીવાર પછી મેં એમનો અભિપ્રાય જાણવાની આકાંક્ષાથી એક અન્ય વિષયનો આરંભ કર્યો : ‘પ્રેરણાઓ કેટલીક વાર સાચી ને કેટલીક વાર ખોટી કેમ પડે છે ?’

‘મનની વાસના હોય છે તેથી ખોટી પડે છે.’

એમનો એ અભિપ્રાય મને એટલો બધો સંતોષકારક ના લાગ્યો. એ અભિપ્રાય એ વિષયના એક જ અંગની અભિવ્યક્તિ કરનારો હતો એથી એને સાંભળીને મને વરસો પહેલાં સિહોરના ગૌતમકુંડ પર રહેતા મહાત્મા હનુમાનદાસે આપેલા એવા જ ઉત્તરનું સ્મરણ થયું. બંને સંતોના અભિપ્રાયો એકસરખા લાગ્યા. મેં એ વિશે કશી દલીલ ના કરી. દલીલની આવશ્યકતા ના લાગી.

એટલામાં ત્યાં બે સંતો આવ્યા. બાબા નીમકરોલીએ એમાંના એકને અનુલક્ષીને જણાવ્યું : ‘આ કીર્તન ઘણું સારું કરે છે. કીર્તન કરો.’

એ સંતે કીર્તન કર્યું.

ત્યાંથી વિદાય લેતી વખતે મેં કહ્યું : ‘જીવનમાં બીજી કોઈ જ લાલસા નથી. જગદંબાની અધિકાધિક કૃપા થાય એટલી જ ઈચ્છા છે.’

નીમકરોલી બોલ્યા : ‘કૃપા થઈ છે, થઈ રહી છે, ને થયા કરશે.’

‘હવે અહીં છીએ ત્યાં સુધી અમે રોજ આવીશું.’

‘ના. હવે ચોથે દિવસે આવજો.’

‘રોજ નહિ.’

‘ના.’

‘કેમ ?’

‘કેમ કે હું અહીં નથી. બહારગામ જવાનો છું.’ અને રૂપકિશોર તરફ જોઈને બોલ્યા : ‘ચોથે દિવસે સોમવારે લાવજો. નવ વાગ્યે. લગભગ.’

અમે ચાલી નીકળ્યા.

એ દિવસ તારીખ ૨૩-૧૧-૧૯૭૨ ગુરૂવારનો હતો. જીવનમાં એ યાદગાર બની ગયો.

બાબા નીમકરોલીનો બીજો મેળાપ તારીખ ૨૭-૧૧-૧૯૭૨ સોમવારે સવારે થયો. તે દિવસે વૃંદાવનથી દિલ્હી તરફ જતી વખતે અમે એમની પૂર્વસૂચના પ્રમાણે એમની પાસે જઈ પહોંચ્યા. બાબા નીમકરોલી અમને જણાવ્યા પ્રમાણે બહારગામ નહોતા જઈ શક્યા. શુક્રવારે એક ભાઈ એમને મળેલા અને રવિવારે અમને દિલ્હી લઈ જવા માટે આવેલા કાશીરામ પણ હનુમાનગઢીમાં જઈને એમનું દર્શન કરી આવેલા. કાશીરામને પોતાના અંદરના ઓરડામાં લઈ જઈને એમણે પૂછેલું કે તમને કશી તકલીફ છે ? કાશીરામે જણાવ્યું કે મારી પુત્રીની ચિંતા રહે છે તો એમના મસ્તક પર હાથ મૂકીને એમણે કહ્યું કે એની ચિંતા હવે ના કરતા. એને સારું થઈ રહેશે. કાશીરામને એમના આશીર્વાદથી દેખીતી રીતે જ આનંદ થયેલો.

એ કાશીરામની કારમાં જ હનુમાન ગઢી પહોંચ્યા ત્યારે અંદરનો દરવાજો બંધ હતો. અમે ચોકીદારને દરવાજો ઉઘાડવાની સુચના આપી. એ અંદર જઈને તરત જ પાછો આવીને કહેવા લાગ્યો કે યોગેશ્વરજીને નહિ મળે. પાછા જાય.

એ સાંભળીને રૂપકિશોરને ખૂબ જ ખરાબ લાગ્યું. એમણે કહ્યું, ‘અમે એમના કહેવાથી જ આવ્યા છીએ. એમણે અમને સમય આપ્યો છે. યોગેશ્વજીને આજે અત્યારે એમણે જ બોલાવ્યા છે.’

ચોકીદાર ફરી અંદર જઈને બાબા નીમકરોલીને પૂછીને આવ્યો ને બોલ્યો : ‘યોગેશ્વજીને પાછા જવાનું કહે છે.’

‘કોણ પાછા જવાનું કહે છે ?’

‘બાબા.’

‘બાબા આવા કેવા ? એ તો ઠેકાણા વગરના કહેવાય.’

ચોકીદાર લાચાર લાગ્યો. એની લાચારી સમજી શકાઈ. એને તો કેવળ ચિઠ્ઠીના ચાકર થવાનું હતું. એણે જણાવ્યું : ‘બાબા અંદર પૂજામાં જતા રહ્યા છે. એ ક્યારે બહાર આવે એ વિશે કશું કહેવાય નહિ.’

એ માહિતી એટલી બધી સંતોષકારક ના લાગી.

મારા મનમાં એક વિચાર પેદા થયો. એથી પ્રેરાઈને મેં કહ્યું : ‘બાબાને જઈને કહો કે દિલ્હીના કાશીરામ કપૂર આવ્યા છે.’

એ શબ્દોએ ધારેલું કામ કરી દીધું. થોડા જ વખત પછી પાછા આવીને ચોકીદારે બારણું ઉઘાડીને કહ્યું : ‘દિલ્હીના કપૂર અંદર આવે.’

ઉઘાડા બારણામાંથી અમે બધા અંદર ગયાં ત્યારે ચોકીદારે જણાવ્યું કે એકલા દિલ્હીના કપૂરને જ બોલાવ્યા છે માટે એ જ અંદર જાય તો મેં કહ્યું કે અમે સૌ કપૂરની સાથે જ છીએ. આ મંડળ કપૂરનું જ છે.

સામે જ ઓસરીમાં પાટ પર કામળો ઓઢીને બાબા નીમકરોલી બેઠેલા. ગયે વખતે એમણે વાતવાતમાં માતાજીને કહેલું કે તમે કોઈવાર સુખડી બનાવો છો ! એ શબ્દોને યાદ રાખીને માતાજી એમને માટે પ્રેમથી સુખડી બનાવી લાવેલાં. એનું પડીકું એમણે એમની આગળ ધર્યું એટલે એને જોતાંવેંત જ એ બોલ્યાં કે સુખડી લાવ્યાં છો ?  લાવો.

શુક્રવારે એમણે માતાજીને હાથે બનાવીને રોટલી તથા શાક મોકલાવવા કહેલું ને માતાજીએ એ મોકલી આપેલું.

મને એમણે પૂછ્યું : ‘તમે નંદગામ જઈ આવ્યા ?’

‘ના. નથી જવાયું.’ મેં જણાવ્યું.

‘ગુજરાત ક્યારે જશો ? એકાદ મહિના પછી જાવ છો ?’

‘કોઈવાર જઉં છું.’

‘ક્યાં જાવ છો ?’

‘જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, લીંબડી.’

એમણે અમને પ્રસાદ આપ્યો ને જવાનું કહ્યું. અમારી સાથેનાં બીજાં બધાં થોડેક દૂર ગયા એટલે મેં એમને કહ્યું ‘તમે તો મને આ ઉનાળામાં પરદેશ જવાનું કહ્યું છે.’

‘હા. આ ઉનાળામાં તમે પરદેશ જશો. જઈ આવો.’

‘મારે પણ જવાનું થશે ?’ માતાજીએ પૂછ્યું.

‘હા. તમે પણ જશો. ત્યાં સારું રહેશે.’

મેં કહ્યું : ‘તો પછી આવતા ઉનાળામાં તમે મસૂરી આવશો ત્યારે અમે ત્યાં નહિ હોઈએ.’

‘આવતા ઉનાળામાં મસૂરી નહિ આવું. તે પછીના બીજા ઉનાળામાં આવીશ. તમારે માટે મસૂરી સારું છે. ત્યાં જ રહેજો.’

થોડીવાર પછી એમણે પૂછ્યું : ‘કપુર કેવા માણસ છે ?’

‘ઘણા જ સારા.’

‘શો ધંધો કરે છે ?’

‘સૂકા મેવાનો.’

‘સારું કમાય છે ?’

‘એવું લાગે છે ખરું.’

‘સંતોની સેવા કરે છે ?’

‘કરે છે.’

એમના એ પ્રશ્નો જરાક અસામાન્ય હતા. કાશીરામે એમને પહેલાં જ પૂછેલું કે હું લેવા આવીશ તો મારે ત્યાં દિલ્હી આવશો ? એમણે એનો ઉત્તર હામાં આપેલો.

બહાર આવીને મેં હસતાં હસતાં કાશીરામને કહ્યું : ‘અમને તો બાબાએ મળવાની ના જ પાડી દીધેલી. તમારે લીધે જ અમને આજે એમના દર્શનનો લાભ મળી શક્યો. તમારા નામની શક્તિ ઘણી જ ભારે કહેવાય. તમને પોતાને પણ કદાચ એની ખબર નહિ હોય.’

કાશીરામ બીજું શું કહે ?  એ બોલ્યા : ‘ના મહારાજ ! તમારે લીધે જ અમને એમનું દર્શન થઈ શક્યું.’

અમારી મોટર મથુરાની દિશામાં દોડવા માંડી.

ઈશ્વરની કૃપાથી છેલ્લા દોઢેક મહિનામાં અમને બે મહાન, વિભિન્ન પ્રકૃતિના, વિલક્ષણ, વિરક્ત પુરુષોના દર્શનનો લાભ મળ્યો. એક દેવપ્રયાગમાં ને બીજો વૃંદાવનમાં. બંને પોતાના વિરોધી વ્યક્તિત્વને લીધે અમારા સ્મૃતિપટ પર સદા માટે અંકિત થવા માટે સરજાયેલા હતા.

 ૫. નીમકરોલીનું નામ

બાબા નીમકરોલીના નામકરણ પાછળ કશું રહસ્ય છે ખરું ?  એમનું નામ બાબા નીમકરોલી કેમ પડ્યું ને ક્યારે પડ્યું એ વિશે કશી માહિતી મળી શકે છે ખરી ?  મને એમના પ્રશંસકો કે ભક્તો દ્વારા એના સંબંધી જે કાંઈ જાણવા મળ્યું છે એનો ઉલ્લેખ સંક્ષેપમાં કરી લઉં તો એ અસ્થાને નહિ ગણાય.

વરસો પહેલાં બાબા નીમકરોલી-જ્યારે એમનું નામ નીમકરોલી નહોતું ત્યારે-ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં સફર કરતા હતા. ટ્રેન આગળ વધ્યે જતી’તી ત્યાં અચાનક એમના ડબામાં ટિકિટ ઈન્સ્પેક્ટર આવી પહોંચ્યા. એમણે એમની પાસે ટિકિટ માગી. એમની પાસે ટિકિટ હતી જ નહિ પછી એ ટિકિટ કેવી રીતે આપે ? ટિકિટ ઈન્સ્પેક્ટરે સાધારણ સાધુ સમજીને એમનો સારી પેઠે ઉધડો લીધો અને એટલાથી અટકવાને બદલે એમને આગલા સ્ટેશને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા. સરળ ને સીધા સ્વભાવના બાબા કોઈપણ પ્રકારના બડબડાટ, વિરોધ કે પ્રતિકાર વિના નીચે ઉતરી પડ્યા.

નીચે ઉતરીને બાબા એન્જીનની આગળ જઈને પાટાની વચ્ચે બેસી ગયા. વખત થયો એટલે ગાર્ડે ટ્રેનને ચાલુ કરવાનો સંકેત કર્યો અને એન્જીનવાળાએ પણ એને માટે તૈયારી કરી તો પણ ટ્રેન ના ચાલી શકી. ટ્રેન બાબાને બેસાડ્યા વગર જાણે કે આગળ વધવાનો ઈન્કાર કરવા લાગી. બાબા પાટાની વચ્ચે શાંતિથી, સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક બેસી રહેલા. એમને ત્યાંથી ઊઠવા માટે સમજાવવાના સઘળા પ્રયત્નો નકામા ગયા. આખરે એમને ગાર્ડ માસ્તરે, એન્જીન ડ્રાઈવર તથા ટિકિટ ઈન્સ્પેક્ટરે ટ્રેનમાં બેસવા માટે ઉપરાઉપરી પ્રાર્થના કરી. એમની એ પાર વગરની પ્રાર્થનાને લક્ષમાં લઈને બાબા ટ્રેનમાં બેઠા અને એ પછી જ ટ્રેન ઉપડી શકી. જનતાએ બાબાનો અતિશય આદરપૂર્વક જયજયકાર કર્યો.

જે સ્ટેશને એ અભૂતપૂર્વ આશ્ચર્યકારક ઘટના બની હતી તે સ્ટેશનનું નામ નીમકરોલી હોવાથી બાબાનું નામ પણ તે દિવસથી બાબા નીમકરોલી પડી ગયું. એ સારગર્ભિત નામ ત્યારથી માંડીને આજ સુધી તો ઉત્તર પ્રદેશમાં ઠેરઠેર પ્રચલિત થઈ ગયું છે. એમના નામનું અને કલ્યાણકારક કાર્યનું પ્રચલન ઉત્તર પ્રદેશમાં ઘણું વધારે છે.

 ૬. શરીર ત્યાગ

બાબા નીમકરોલીના કહ્યા પ્રમાણે ઈ.સ. ૧૯૭૩માં પરદેશ જવાનું તો ના થયું. એ સંબંઘી એમની ભવિષ્યવાણી સાચી ના પડી શકી, પરંતુ પ્રત્યેક વરસની પેઠે મસૂરી જવાનું બન્યું. ત્યાંના નિવાસ દરમ્યાન જાણવા મળ્યું કે સપ્ટેમ્બર માસમાં હૃદય બંધ પડવાથી એમના સ્વર્ગવાસ થયો. એ સમાચાર ખૂબ જ આકસ્મિક, કરુણ તથા હૃદયદ્રાવક હતા.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Inspiration is a guest who does not like to visit lazy people.
- Tchaikowsky

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.