બટુક મહારાજ
‘મહાપુરુષો હોય છે જ એવા ઉદાર દિલના, વિશાળ મનના તેમજ ગુણગ્રાહી. એ બીજાના રજ જેટલા સાધારણ ગુણને પણ મહત્વ આપે છે ને પર્વત બરાબર કરીને પેખે છે એવું નથી કહ્યું ? યોગેશ્વરજી એવા જ લોકોત્તર ગુણદર્શી મહાપુરુષ છે એટલે મારા સંબંધી પોતાના પત્રમાં સારું જ લખેને ? તમે મને એમનો પત્ર વંચાવવા આવ્યા છો પણ એમાં જે લખ્યું છે તે આટલે દૂર બેસીને હું જ વાંચી દઉં. તે વાચન બરાબર છે કે નહિ તે તમે જોઈ લો.’
બટુક મહારાજના એ શબ્દોને સાંભળીને ડોક્ટરને આશ્ચર્ય થયું. એમને મેં સુરતથી પત્ર લખેલો તેમાં બટુક મહારાજ વિશે થોડુંક લખેલું. એ પત્ર લઈને એ બટુક મહારાજ પાસે ગયા તો બટુક મહારાજે ઉપર મુજબ ઉદગાર કાઢ્યા એથી એમને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું; પરંતુ એથી પણ અધિક અસાધારણ આશ્ચર્ય તો એમને ત્યારે થયું જ્યારે બટુક મહારાજ દૂર બેસીને પત્રને હાથમાં લીધા સિવાય જ એમાં લખેલા એમના સંબંધી મારા વાક્યોને બોલવા લાગ્યા.
‘બરાબર છે ?’ વાક્યોને વાંચી બતાવ્યા પછી એમણે પૂછ્યું.
‘હા. બરાબર છે.’ ડોક્ટરે જણાવ્યું.
‘મારી કશી ભૂલ તો નથી થતી ?’
‘ના.’
ડોક્ટરે પત્રને ખિસ્સામાં મૂકી દીધો.
બટુક મહારાજની વિશિષ્ટ શક્તિઓમાંની એકનો એવી રીતે એમને પરિચય થયો, અને એથી એ આભા બની ગયા.
પાછળથી મળવાનો સુયોગ સાંપડતા એમણે મને એ પ્રસંગ કહી સંભળાવ્યો.
‘એમની શક્તિ સાચેસાચ આશ્ચર્યકારક છે.’ મેં મારી પ્રતિક્રિયાને પ્રકટ કરતાં કહ્યું : ‘આવા કઠોર કલિકાળમાં, ઘોર સંક્રમણ કાળમાં પણ આવા લોકોત્તર પુરુષો વાસ કરે એ માનવજાતિનું મોટું ભાગ્ય છે. એમના સંબંધી સાંભળીને આપણને આનંદ થાય છે. કોઈવાર એમને મળવાનું થશે ત્યારે વધારે આનંદ થશે.’
એવા વિશિષ્ટ શક્તિસંપન્ન સત્પુરુષોને મળવાનું કોઈને માટે પણ આનંદકારક જ થાય. એમનો સમાગમ સુખદ ઠરે એમાં સંદેહ નહિ.
બટુક મહારાજ કોણ હતા ને કેવા હતા ? ડોક્ટર દ્વારા જ મને એમની થોડીઘણી માહિતી મળી શકેલી. મુંબઈમાં એ એમના કોઈ ભક્તને ત્યાં અવારનવાર આવતા. એમણે એમના એ ભક્તને પોતાને મળવાના રહસ્ય વિશે જે કાંઈ કહેલું તે ખાસ યાદ રાખવા જેવું, અનોખું અને આશ્ચર્યકારક હતું. એમણે કહેલું કે મને મળવાની મરજી થાય ત્યારે તમારે મને યાદ કરીને ઘરમાં ઘીનો દીવો કરવો. જો હું મુંબઈમાં હોઈશ તો તે દિવસે તમારી પાસે આવી પહોંચીશ. પરંતુ જો ના આવું તો સમજી લેજો કે હું મુંબઈમાં નથી.
એ ભક્તે એવી રીતે પ્રયોગો કરેલા પણ ખરા. દીવો કરીને એ એમની પ્રતીક્ષા કરતા. અને એ દિવસે આવ્યા પછી એ તરત જ જણાવતા કે તમે આજે દીવો કરેલો ને ? એટલે જ હું આવી પહોંચ્યો છું. ભક્તને એમના શબ્દો સાંભળીને ખૂબ જ નવાઈ લાગતી. જે દિવસે દીવો કરવા છતાં પણ એ ના આવતા તે દિવસે એ સ્વાભાવિક રીતે જ સમજી જતા કે એ મહાપુરુષ મંબઈની બહાર છે. એ ભક્તે જ ડોક્ટરને બટુક મહારાજનો પરિચય કરાવેલો. એ પછી ડોક્ટર એક દિવસ બટુક મહારાજને મળવા ગયા. એમણે એમને કહ્યું કે યોગેશ્વરજીને મળવા ચાલો તો એ તરત જ બોલ્યા કે એ યોગેશ્વરજીને મારે મળવું છે તો ખરું પરંતુ અત્યારે નહિ આવી શકું. અત્યારે તો એ મુંબઈ છોડવાની તૈયારી કરી રહ્યા છે. કોઈ વાર ભવિષ્યમાં વાત. એ એક ઉચ્ચ કક્ષાના મહાપુરુષ છે, વરસોથી હિમાલયમાં રહે છે ને સાથે એમનાં માતાજીને પણ રાખે છે. જગદંબાની એમની ઉપર કૃપા છે. એ સ્ત્રી માત્રને જગદંબાના સ્વરૂપ જેવી માને છે અને એવી જ રીતે જુએ છે. મારે ને સૌને માટે વંદનીય છે. હજુ તો એમની ખ્યાતિ ઘણી વધારે થશે અને લોકો એમને માન આપશે.
મારા વિશે એમણે એવી તો બીજી કેટલીય વાતો કહી બતાવી. એ સાંભળીને ડોક્ટરને અતિશય આશ્ચર્ય થયું. એ વાતો એમની વિશિષ્ટ અસાધારણ આરાધના શક્તિની પરિચાયક હતી. એ દિવસે મારે ખરેખર મુંબાઈથી નીકળવાનું હતું. ડોક્ટરે સ્ટેશન પર મળીને મને બટુક મહારાજ વિશે બધી માહિતી આપી ત્યારે મને એમને માટે પ્રેમ અને આદરભાવ પેદા થયો. ભારતના એ પ્રકારના અસામાન્ય શક્તિસંપન્ન સત્પુરુષોમાં બટુક મહારાજનું સ્થાન ખૂબ જ ઉલ્લેખનીય અને આગળ પડતું લાગ્યું. સુરત જઈને મેં ડોક્ટરને એમની અસાધારણતા ને અભિનંદનનો પત્ર પણ લખી નાખ્યો.
બટુક મહારાજના પ્રત્યક્ષ સમાગમનો સુયોગ હજુ સુધી નથી સાંપડી શક્યો. એવો સમાગમ જ્યારે પણ સાંપડશે ત્યારે સુખદ ઠરશે અથવા આનંદ આપશે એમાં શંકા નથી. એ જ્યાં હોય ત્યાં એમને મારા પ્રેમપૂર્વક પ્રણામ છે. એ ગુજરાતનું ગૌરવ છે.
- શ્રી યોગેશ્વરજી