શબ્દોને સાચા કર્યાં
વડોદરાના કારેલીબાગનો એકાંત વિશાળ વિશ્વવંદ્ય ઉદ્યાનનો પવિત્રતમ પ્રદેશ. બે વરસ પહેલાં ત્યાં પ્રતિવર્ષની પેઠે મારો ઉતારો હતો. તે દરમિયાન એક દિવસ બપોર પછી ત્યાં મને મળવા માટે વિખ્યાત સમાજસેવિકા તથા કવયિત્રી શ્રીમતી પ્રભાવતીબેન પજવાણી આવી પહોંચ્યા. એમણે મને અતિશય કરુણાર્દ્ર સ્વરે જણાવ્યું કે ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિશ્રી પતીલની દશા અત્યંત કફોડી છે. એ કેન્સરથી પીડાય છે, ને હોસ્પિટલમાં છે. એમની આર્થિક સ્થિતિ લેશ પણ સારી નહિ હોવાથી એમની અને એમનાં કુટુંબીજનોની ચિંતાનો પાર નથી.
મને કરુણા થઈ આવી એટલે મેં કહ્યું કે તમે એમને સારુ સાહિત્યકારો પાસેથી ફાળો એકઠો કરો તો સારું. એમને એથી ઘણી મોટી મદદ મળી શકે. મેં પોતે એમને ફૂલ નહિ તો ફૂલની પાંખડી તરીકે સો રૂપિયાની મદદ કરી અને બીજી મદદ મેળવવાની પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ પૂરો પાડ્યો.
પ્રભાવતીબેન એ લઈને પ્રસન્નતાપૂર્વક વિદાય તો થયાં, પરંતુ બીજે દિવસે એક ભાઈ સાથે આવીને કહેવા લાગ્યાં કે તમારી મદદના બદલામાં કવિશ્રી પતીલે તમારો ખૂબ જ આભાર માન્યો છે, ને તમને મળવાની ઈચ્છા પ્રકટ કરી છે. ગમે તેમ કરીને પણ તેમને દર્શન આપવા પધારો એવી એમની ઈચ્છા છે.
એમની સાથેના ભાઈએ-શિક્ષકભાઈએ પણ એને માટે વિશેષ વિનંતિ કરીને જણાવ્યું કે એમની પાસે અત્યારે જ ચાલો. તમને લઈ જવા માટે અમે રીક્ષા લઈને આવી પહોંચ્યા છીએ. એમની દશા ખૂબ જ ગંભીર છે. ડોક્ટરોએ કહી દીધું છે કે એ આજની રાત ભાગ્યે જ કાઢી શકશે. એમને દેહને છોડવાનું દુઃખ નથી, પરંતુ એ પહેલાં એ તમારું દર્શન કરી લેવા માગે છે.
મારા મુખમાંથી એકાએક નીકળી પડ્યું કે મારાથી આજે નહિ આવી શકાય. કાલે બપોરે જમ્યા પછી એકાદ વાગે જ આવી શકાશે.
તે શિક્ષકભાઈ વિચારમાં પડ્યા. એમને મારી વાત જરા પણ ના ગમી. તે ઉદાસ બનીને બોલી ઉઠ્યા : ‘તો પછી તેમને તમારા દર્શનનો લાભ નહિ મળી શકે ?’
‘તેની ચર્ચામાં નહિ ઉતરું. હું તો કાલે જ આવી શકીશ.’
‘પરંતુ આજે આવો તો ?’
‘આજે નહિ આવી શકાય.’
અમારી પાસે વિશ્વવંદ્ય ઉદ્યાનના વ્યવસ્થાપક શ્રી વિષ્ણુભાઈ ઊભેલા. એમણે શિક્ષકભાઈને કહ્યું કે તમે નકામો વિવાદ કરો છો. યોગેશ્વરજી જે કહે છે તેમાં વિશ્વાસ રાખીને કાલે બપોરે એમને લેવા માટે આવી જજો.
‘પરંતુ કાલે ડોક્ટરોના કહેવા પ્રમાણે કવિ પતીલ નહિ હોય તો ?’
વાર્તાલાપ ત્યાં જ અટકી પડ્યો. એને આગળ વધારવાનો કશો અર્થ નહોતો.
બીજે દિવસે એ શિક્ષકભાઈ બપોરે એકાદ વાગે રીક્ષા લઈને આવી પહોંચ્યા. અમે રીક્ષામાં બેસીને ચાલી નીકળ્યાં.
રસ્તામાં એમણે જણાવ્યું કે સવારે સ્કૂલમાંથી છૂટીને હું સીધો કવિશ્રી પતીલની પાસે હોસ્પિટલમાં ખાતરી કરવા જઈ આવ્યો કે એ જીવતા છે કે નહિ. એ જીવે છે એવી ખાતરી થવાથી તમારી પાસે રીક્ષા લઈને આવી પહોંચ્યો.
મેં કેવળ સ્મિત કર્યું. જગદંબાએ મારા શબ્દોને સાચા કર્યા એથી મને આનંદ થયો.
એની કૃપાથી શું ના થઈ શકે ?
હોસ્પિટલમાં કવિ પતીલની દશા ખૂબ જ કરુણ હતી. એ બેહોશ જેવા બનીને સુઈ રહેલા.
એમને મળીને અમે ચાલ્યાં ત્યારે પેલા શિક્ષકભાઈએ પૂછ્યું કે ફરી ક્યારે આવશો ? મેં જણાવ્યું કે હવે નહિ આવી શકાય.
‘એક વાર પણ નહિ ?’
‘ના.’
એ પછી બીજે જે દિવસે કવિશ્રી પતીલનું શરીર શાંત થઈ ગયું. એમને એક વાર પણ મળી શકવા બદલ મને સંતોષ થયો.
- શ્રી યોગેશ્વરજી