દુર્ગાસપ્તશતિનો પાઠ
કેટલાક અનુભવ પ્રસંગો જીવનમાં એવા અનોખા અથવા અદભુત બને છે, જે સામાન્ય તો શું, પરંતુ અસામાન્ય માનવબુદ્ધિથીય સમજી નથી શકાતા. એ જીવનમાં રોજબરોજના પ્રસંગો કરતાં તદ્દન વિલક્ષણ હોય છે. એ પ્રસંગો પરમાત્મા પ્રત્યેની પરમ શ્રદ્ધાભક્તિને અનિવાર્ય રીતે અને પુષ્કળ પ્રમાણમાં વધારે છે. એમનું ક્ષેત્ર માનવીય શક્તિના સીમાક્ષેત્રની બહારનું હોય છે. પરમાત્માની પરમકૃપાથી જ એમની પ્રાપ્તિ થતી હોય છે ને પરમાત્માની કૃપાથી જ એમને સમજવાનું સરળ બને છે. એવો જ એક અદભુત અનુભવ પ્રસંગ અહીં વર્ણવું છું.
એ પ્રસંગ તા. ૨૨-૧૦-૧૯૭૪ની રાતનો છે. એ વખતે નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહેલા. ઠેરઠેર દુર્ગાસપ્તશતી અને રામાયણનો પાઠ થઈ રહેલો. ક્યાંક ભાગવત સપ્તાહનું પણ આયોજન થયેલું. અમે દિલ્હી જેમને ત્યાં ઉતરેલા તે કાશીરામભાઈને ત્યાં પણ દેવીની નિયમિત રીતે પૂજા થતી. નવરાત્રીના દિવસો હોવાથી મને વિચાર તો થયો કે કોઈક સારા સુપાત્ર પંડિત પાસે દુર્ગાસપ્તશતીનો વિધિપૂર્વક પાઠ કરાવું. પરંતુ પાછું થયું કે એવા પંડિત અહીં ક્યાં મળે ? અને મળે તો પણ બીજાને ત્યાં પાઠ કરાવવાની અનુકૂળતા હોય અથવા ન પણ હોય, એટલે વિચારને મેં માંડી વાળ્યો.
તો પણ જગદંબાની કૃપાનો કોઈ વિશેષ અનુભવ થાય એવી આકાંક્ષા તો હતી જ. અને એ ઈચ્છા બહુ અનોખી રીતે પૂરી થઈ. કેવી રીતે તે જોઈએ.
તારીખ બાવીસમી ઓક્ટોબરે સાતમ હતી. તે દિવસે રાતે અગિયાર વાગ્યા પછી મારી આંખ ઉઘડી એટલે હું જગદંબાનું સ્મરણ અને જગદંબાની પ્રાર્થના કરતાં બેઠો. એ જ વખતે મારી જમણી તરફની બારીની બહારની ઓસરીમાંથી એક બાજુથી મને દુર્ગાસપ્તશતીનો સુંદર પાઠ સંભળાયો. પાઠ કરનાર કોઈ પંડિત હોય એવું લાગ્યું. એમનાં ઉચ્ચારણો ખૂબ જ શુદ્ધ અને રસમય હતાં. તેમનો પાઠ પ્રમાણમાં ધીમો છતાં શુદ્ધ અને સહેલાઈથી સમજી શકાય તેવો હતો. મને એ સાંભળીને અતિશય આનંદ થયો. આશ્ચર્ય પણ થયું-અત્યારે આવી રીતે કોણ પાઠ કરતું હશે ? કદાચ કાશીરામે કોઈ પંડિતને પાઠ કરવા બેસાડ્યા હોય. એમણે જ બેસાડ્યા હશે; કારણ એમની અનુમતિ વગર અહીં આવી રીતે કોણ પાઠ કરી શકે ? એમણે પંડિતને પાઠ કરવા રોક્યા હશે. પાઠ પૂરો કરી તે રાતે અહીં આરામ કરશે.
પાઠ ચાલ્યો પણ બરાબર રાતના એક વાગ્યા સુધી. ત્યાં સુધી મેં એને શાંતિથી, સુખપૂર્વક સાંભળ્યા કર્યો. એથી અવર્ણનીય આનંદ અનુભવ્યો.
બીજે દિવસે મેં કાશીરામ અને એમની પત્નીને પૂછ્યું : ‘રાતે તમે કોઈ પંડિતને પાઠ કરવા બેસાડેલા ?’
‘ના. અમે તો કોઈ પંડિતને નહોતા બેસાડ્યા. કેમ ?’
‘તમારે ત્યાં રાતે પાઠ થતો’તો.’
‘પાઠ થતો’તો ?’
‘હા. મેં એ સાંભળ્યો.’
મેં એમને વિગતવાર વાત કહી એથી એમણે આશ્ચર્યચકિત થઈને જણાવ્યું : ‘એ પાઠ કરનાર જગદંબા વિના બીજું કોણ હોય ? એમણે આ ઘરમાં એવી રીતે એમની ઉપસ્થિતિ બતાવી.’ એ ગળગળાં બની ગયાં.
માતાજીને પણ એ વાત નવી લાગી. એ મારી બાજુમાં-એક જ ખંડમાં સુતેલા તો પણ પાઠ નહોતાં સાંભળી શક્યાં. જગદંબાની વાણી તો એ જેને સંભળાવવા માગે તે જ સાંભળી શકે ને ?
એ વાણી ખરેખર અદભુત હતી.
હું એથી આકર્ષાઈને એ પંડિતને જોવા એમની પાસે પહોંચ્યો હોત તો શું થાત તે કોણ કહી શકે ? એની તો કેવળ કલ્પના કરવી રહી.
- શ્રી યોગેશ્વરજી