મહામૃત્યુંજય મંત્રની શક્તિ
ટપાલમાં એક અનોખા, કરુણભાવે લખાયેલો કાગળ હતો. એનો સારાંશ આ પ્રમાણે હતો :
'બાર વરસથી પણ વધારે વખત પછી આ પત્ર લખી રહ્યો છું. તમારી સ્મૃતિ તો અવારનવાર આવ્યા જ કરે છે. કાળ એનો લોપ કરી શક્યો નથી. તો પણ પત્ર દ્વારા પુરાણા સંબંધને તાજો કરવા આજે તૈયાર થયો છું એની પાછળ એક ખાસ પ્રયોજન છે. છેલ્લા કેટલાક વખતથી, લગભગ દોઢ-બે વરસથી મારું મન એકદમ અશાંત રહે છે. મને જીવનમાં જરા પણ રસ નથી પડતો. ક્યાંય ગમતું નથી. ઊંઘ પણ નથી આવતી. અવારનવાર આપઘાત કરવાનું મન થયા કરે છે. જગતમાં મારું કોઈ નથી એવું લાગ્યા કરે છે.'
‘એવું કેમ થાય છે તે સમજાતું નથી. શરીર સારું છે. એમાં કોઈ વ્યાધિ નથી. ધન, વૈભવ, ઐશ્વર્ય બધું છે. સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી પેઠે પ્રાપ્ત કરી છે. સ્ત્રી, સંતાન, સંબંધીજનોનું સુખ પણ સાંપડ્યું છે. બીજી કોઈ પ્રકારની તકલીફ નથી. તો પણ માનસિક અશાંતિ શા માટે રહે છે તે નથી સમજાતું. મને કોઈ જાતનું ચેન જ પડતું નથી. મનને ઘણીવાર સમજાવવાની કોશિશ કરું છું પરંતુ તે નકામી જાય છે.’
‘આવે વખતે તમારું સ્મરણ થાય એ સ્વાભાવિક છે. મને આશા છે કે આટલો બધો વખત દૂર રહ્યો તે માટે તમે મને ક્ષમા કરશો; મારી ભૂલચૂકને-મારા અપરાધને લક્ષમાં નહીં લો; ને મને સંપૂર્ણ શાંતિ મળે એવો ઉપાય બતાવશો. મારી માગણી તમને સ્વાર્થી લાગે તો પણ એવી માગણી કર્યા સિવાય છૂટકો નથી. મને બનતી વહેલી તકે આ ભયંકર દુઃખમાંથી ઉગારી લો એવી પ્રાર્થના છે.’
કાગળ વાંચીને મને વિચિત્ર લાગણી થઈ આવી. એની પાછળ હતાશા તથા વેદના હતી. એ જીવનથી કંટાળ્યા હતા એ દેખીતું હતું. મારો અને એમનો વરસોથી પરિચય હતો. એમના સંબંધમાં છેલ્લા સમયથી ઓટ આવેલી. છેક આટલા વખતે એમણે પીડાથી પ્રેરાઈને પત્ર લખેલો. મદદની માગણી કરેલી. એમની ભાવના અને એથી પ્રેરાઈને પ્રારંભાયેલી પ્રવૃત્તિ સકામ હોવા છતાં, તિરસ્કરણીય નહોતી. દુઃખી અથવા અશાંત માનવ બીજું કરે પણ શું ? એ સૌથી પહેલાં, યેનકેન પ્રકારેણ દુઃખ અથવા અશાંતિમાંથી મુક્તિ મેળવવાનો મનોરથ સેવે એ સ્વાભાવિક છે. એને અનુકંપા અથવા સહાનુભૂતિથી જોવાની આવશ્યકતા છે. તરસ્યો માણસ સરિતા પાસેથી પાણીની જ ઈચ્છા રાખે; એના કુદરતી સૌંદર્ય તરફ એમનું એટલું ધ્યાન ન હોય, એ સહેજે સમજી શકાય એવું છે. સકામ તથા નિષ્કામ બંને પ્રકારની પ્રવૃત્તિ એકમેકની પૂરક છે ને માનવીની રુચિ, પ્રકૃતિ તથા વિકાસની ભૂમિકા પર અવલંબે છે, અને પોતપોતાની રીતે મહત્વની છે. શરૂઆતમાં સકામ અને પછી નિષ્કામ પ્રવૃતિનો પ્રારંભ થતો હોય છે. અને સકામ શબ્દની સૂગ નકામી છે. સકામ પ્રવૃત્તિ પણ કોઈને સન્માર્ગગામી બનાવતી હોય અથવા આત્મવિકાસમાં મદદરૂપ બનતી હોય તો તેમાં કશું ખોટું નથી.
મને ઈશ્વરની કૃપાથી જે સુઝ્યો તે ઉપાય મેં એમને બતાવ્યો. મેં એમને જે લખ્યું એનો સારાંશ સંક્ષેપમાં આ પ્રમાણે હતો.
‘તમારી અશાંતિ સંપૂર્ણપણે શમી જશે, જીવનમાં નવો રસ પ્રકટશે, ને જીવન જીવવા જેવું લાગશે. એની ચિંતા ન કરશો. આજથી બરાબર દોઢ મહિને તમારું મન પહેલાંની પેઠે સ્વસ્થ, શાંત બની જશે. આપઘાતનો વિચાર શાંત થશે. પરંતુ એને માટે એક કામ કરવું પડશે. મહામૃત્યુંજય મંત્રમાં અસાધારણ અમોઘ શક્તિ છે. એ ખૂબ કલ્યાણકારક છે. એના શ્રદ્ધાપૂર્વકના જપથી શાંતિ સાંપડે છે, વ્યાધિ ટળે છે ને દીર્ઘાયુ થવાય છે. તમારે એના રોજ એક હજાર જપ કરવાના છે, એક હજાર જપ કોઈ કારણે ન થાય તો જેટલા પણ કરી શકાય તેટલા જપ કરજો. તમારાથી નિયમિત રીતે ન જ કરાય તો કોઈ સાત્વિક પંડિત પાસે કરાવજો. તમારા ઈષ્ટમંત્રના જપ પણ કરતા રહેજો. એથી આજથી દોઢ મહિને સ્વસ્થ થઈ જશો ને શાંતિ પામશો.’
એમને માટે બીજો કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો. મારા પત્રથી એમને સંતોષ થયો. એમણે મહામૃત્યુંજય જપનો આરંભ કરાવ્યો. ઈષ્ટમંત્રને પણ બને તેટલા વધારે પ્રમાણમાં જપવા માંડ્યો. દોઢ મહિના પછી એમણે મને જણાવ્યું : ‘તમે કહ્યા પ્રમાણે બરાબર દોઢ મહિને મને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થઈ ને શાંતિ મળી છે. તમારી અને ઈશ્વરની કૃપાથી વિપત્તિનાં, વિપરીતતાનાં વાદળાં વિખરાઈ ગયાં. એને માટે તમારો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે.’
મેં એમને જણાવ્યું : ‘ઉપકાર ઈશ્વરનો માનો. એમણે જ તમને બચાવી લીધા. એમનું સ્મરણ હવે નિયમિત રીતે કરતા રહેજો. મહામૃત્યુંજય મંત્ર પણ ચાલુ રાખજો. એ તમારે માટે કલ્યાણકારક થશે.’
એમણે એમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા મને થોડીક મદદ મોકલી. એ મદદને મેં એમના તરફથી ગરીબ વિદ્યાર્થીઓ માટેની ફીના ફંડમાં આપી દીધી.
મહામૃત્યુંજય મંત્રની અમોઘ શક્તિનો લાભ સૌ કોઈ ઉઠાવી શકે છે. એ મંત્ર સાર્વજનિક તથા સર્વકાલીન છે. શારીરિક, માનસિક અને સાંસારિક સંકટમાંથી છૂટવા માટે એનો આધાર લઈ શકાય છે એ તો ખરું જ, પરંતુ આત્મકલ્યાણની અભિલાષાને પુરી કરવા, આત્મદર્શન કરવા અથવા આત્મશાંતિ મેળવવા, અને ભગવાનનાં દૈવી દર્શન દ્વારા જીવનને કૃતાર્થ કરવા માટે પણ એને જપી શકાય છે. એ મંત્રજપ સર્વકાળે, સર્વસ્થળે ને સર્વપ્રકારે કલ્યાણકારક છે.
- શ્રી યોગેશ્વરજી