સાહિત્યકૃતિના સંરક્ષક
વાત હજુ ગયા વરસની છે. ઈ.સ. ૧૯૭૩ની.
વડોદરાના કારેલીબાગમાં આવેલા વિશ્વવંદ્ય ઉદ્યાનમાં મારો ઉતારો હતો ત્યાં એક દિવસ મધ્યાહ્ન પછી એ લબ્ધ પ્રતિષ્ઠિત પ્રોફેસર સાહેબ મને મળવા આવ્યા. થોડીક ઉપલક વાતચીત કર્યા પછી પોતાની પાસેથી ચારપાંચ પાનાનો એક હસ્તિલિખિત લેખ કાઢીને મારી આગળ મૂકીને, એમણે મને પૂછ્યું કે આ લેખ તમારો લખેલો છે ?
એના અક્ષરોને ઓળખતાં મને વાર ના લાગી. એ હસ્તાક્ષરો મારા જ હતા. લેખના પ્રથમ પૃષ્ઠના પ્રારંભમાં જ મોટા અક્ષરે લખેલું : તિરૂપતિ બાલાજીની યાત્રા - લેખક શ્રી યોગેશ્વર. એ લેખનું મને વિસ્મરણ થઈ ગયેલું તો પણ એના અવલોકનથી એ મારો જ લખેલો છે એની પ્રતીતિ થઈ.
‘આ લેખના લેખક શ્રી યોગેશ્વર તમે જ છો ?’ પ્રોફેસર સાહેબે મને પુનઃ પૂછ્યું.
‘હા, હું જ છું.’ મેં ઉત્તર આપ્યો. ‘આ લેખ મારો જ છે.’
‘તો પછી મને નિરાંત થઈ. આટલા બધા વખતે એક સારું કરવાયોગ્ય કામ કરવાનો મને સંતોષાનુભવ થયો’ એ બોલી ઉઠ્યા.
એમના મુખમંડળ પર પ્રસન્નતા ફરી વળી.
‘પરંતુ આ લેખ તમને કેવી રીતે મળ્યો ?’ મેં પૂછ્યું.
‘મને એ કોઈએ આપ્યો નથી. માર્ગમાંથી મળ્યો.’
‘માર્ગમાંથી મળ્યો છે ?’
‘હા.’
‘કેવી રીતે અને ક્યારે ?’
‘એનો ઇતિહાસ થોડોક લાંબો છતાં પણ રોચક હોવાથી કહી સંભળાવું. વાત એમ છે કે એક વાર-આજથી બારેક વરસ પહેલાં-સાંજે હું નડિયાદના સંતરામ મંદિરની પાછળના માર્ગ પરથી પસાર થતો’તો ત્યારે મારી નજર માર્ગમાં એક તરફ પડેલા આ લેખ પર પડી. મેં એને લઈ લીધો, વાંચ્યો, અને ખૂબ જ ગમવાથી ભવિષ્યમાં કોઈવાર એના લેખક મહોદયનો મેળાપ થશે તો એમને આપીશ એવી અપેક્ષાએ મારા કબાટમાં સાચવીને મૂકી દીધો. તમારો પરિચય મને પરોક્ષ રીતે ગયા વરસે થયો અને આ વરસે પ્રત્યક્ષ રીતે. મને થયું કે આના લેખક યોગેશ્વર તમે જ હશો. આજે રાતે આટલે વરસે એને તપાસ કરીને શોધી કાઢીને તમારી પાસે લઈ આવ્યો. અને તમને-એના મૂળ લેખકને સુપરત કર્યો ત્યારે મને સંતોષ થયો. સંતોષ જ નહિ પરંતુ આનંદ.’
‘પરંતુ તમે એને ક્યાંક છપાવ્યો હોત તો ?’
‘એના લેખકની અનુમતિ વિના મારાથી એવું દુસ્સાહસ ના થઈ શકે. એ દુસ્સાહસ જ કહેવાય.’
‘અત્યારે એવું કેટલુંય ચાલે છે.’
‘ચાલે છે પણ તે બરાબર નથી લાગતું.’
‘તેને ફાડી નાખવાની ઈચ્છા થયેલી ખરી ?’
‘ના. એવી ઈચ્છા શા માટે થાય ? સાહિત્યની નાની કે મોટી કૃતિ કેટલી બધી ભવ્યતાપૂર્વક તૈયાર થાય છે, કેટલી કિમતી હોય છે, તે જાણું છું. એટલે એને ફાડવાની કલ્પના પણ નથી કરી શકતો. સાહિત્યકૃતિને ફાડવી એ એક અક્ષમ્ય અપરાધ છે.’
‘અક્ષમ્ય અપરાધ ?’
‘હા. મને તો એવું જ લાગે છે. હવે તમે તેને છપાવજો.’
‘તમને હું ધન્યવાદ આપું છું. અંતરના અનેકાનેક ધન્યવાદ.’
‘એમાં ધન્યવાદની કશી આવશ્યકતા નથી. મેં કશું ધન્યવાદ યોગ્ય નથી કર્યું. કેવળ મારું કર્તવ્ય જ બજાવ્યું છે.’
એ એકદમ નિર્વિકાર રહ્યા.
મને એમને માટે માન પેદા થાય એ સ્વાભાવિક હતું. મને થયું કે આપણી-આજુબાજુના જગતમાં આવાં-આ પરગજુ પ્રોફેસર સાહેબ જેવાં નમ્ર, નિખાલસ, નિસ્વાર્થ માનવરત્નો કેટલાં હશે ? હશે તો પણ એમના અવલોકનનો અવસર કોઈક જ વાર મળતો હોય છે-કોઈક ધન્ય ક્ષણે.
એમની ગુણગ્રાહકતા અને નિષ્ઠા ખરેખર અવિસ્મરણીય હતી. એથી પ્રેરાઈને જ એમણે મારી એ કૃતિને બાર બાર વરસ સુધી લેશ પણ નિરાશ થયા સિવાય સાચવી રાખેલી. એમની સાધના ફળવાથી એમને આનંદ થાય એ સ્વાભાવિક હતું. મહાપુરુષો કોઈ એકાંત અરણ્યમાં અથવા પર્વત પ્રદેશમાં જ રહે છે એવું થોડું છે ? એ આપણી આજુબાજુ વસતા કે વિચરતા હોય છે તો પણ કેટલીક વાર ઓળખી નથી શકાતા. એમની માહિતી કોઈક જ વાર મળતી હોય છે. એ પ્રોફેસર સાહેબ, એ મહાપુરુષ કોણ હતા તે જાણો છો ? ડોક્ટર ધર્મેન્દ્ર માસ્તર, મધુરમ્. નડિયાદના પ્રસિદ્ધ પ્રોફેસર, વિવેચક, વિચારક અને સાક્ષર.
- શ્રી યોગેશ્વરજી