અપરિચિત સેવાભાવી સદગૃહસ્થ
કેટલાક માણસો હોય છે જ એવા કે એમને પૂરતો સમય હોય, એમની પાસે શક્તિ હોય અને પર્યાપ્ત સાધનસામગ્રી હોય તો પણ એના સદુપયોગ દ્વારા બીજાને મદદરૂપ ના થઈ શકે. બીજાને મદદરૂપ થવાની ઈચ્છાનો ઉદય જ એમની અંદર ના થાય. એ બીજાનું બગાડી શકે ખરા કિન્તુ સુધારી ના શકે. બીજી જાતના માણસો પોતાના સમય, સાધન અને સામર્થ્યની સીમામાં રહીને, તો કોઈકવાર એની ઉપરવટ જઈને પણ, બીજાને મદદ કરતા હોય છે. બીજાનું સુધારી ના શકે તો બગાડવાની પ્રવૃત્તિ તો કરતા જ નથી. એની કલ્પના પણ નથી કરી શકતા. એવા માણસો આ સંસારમાં થોડા હશે. તો પણ એમના સમાગમમાં આવવાનું સૌભાગ્ય સાંપડે છે ત્યારે અંતર આનંદાનુભવ કરે છે ને ભાવવિભોર બને છે. એ છૂટા પડે છે અને વરસો વીતે છે તો પણ એમની સંસ્મૃતિ નથી સુકાતી. એ માનવરત્નો હોય છે અને સાચું કહીએ તો એમની સંસ્મૃતિ સુકાવા દેવાની નથી હોતી. એને સદાને સારુ સાચવવામાં જીવનનું શ્રેય સમાયેલું હોય છે. એવા એક માનવરત્નની સ્મૃતિ અસ્થાને નહિ લેખાય, કલ્યાણકારક કે પ્રેરક ઠરશે.
તારીખ ૯-૧૦-૭૬. એ દિવસે બપોરે એકાદ વાગે અમે સિમલાથી પાછા ફરતાં ને દહેરાદૂન નગરની દિશા તરફ આગળ વધતાં ભૂતપૂર્વ નહાન સ્ટેટની રાજધાની નહાન પહોંચ્યા. ટેક્ષીને એક સ્થળે રોકીને એમાં માતાજીને તથા દહેરાદૂનના લલિતાપ્રસાદના ધર્મપત્નીને બેસાડીને, મેં લલિતાપ્રસાદ સાથે જે શક્ય હોય તે ભોજનસામગ્રીની તપાસ માટે નગરના બજારમાં પ્રવેશ કર્યો. બજાર સાંકડું અને લાંબુ હતું. એના એક સુપ્રસિદ્ધ શાકાહારી શુદ્ધ ભોજનાલયની માહિતી મેળવીને અમે ત્યાં પહોંચ્યા તો સમાચાર સાંપડ્યા કે ભોજનાલયના માલિક ભોજનાલયને બંધ કરીને આજે જ નહાનની બહાર ક્યાંક લગ્નપ્રસંગે ગયા છે. પ્રારંભમાં જ અમને પ્રતિકૂળતાની પ્રાપ્તિ થઈ તો પણ અમે આશા અને ઉત્સાહ સાથે આગળ વધ્યા. અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો.
લગભગ અડધા કલાક સુધી આગળ વધ્યા એટલે માર્ગમાં એક સદગૃહસ્થ મળ્યા. અમને અપરિચિત સમજીને અમારી પાસે આવીને બોલ્યા, ‘ક્યાંથી આવો છો ?’
‘સિમલાથી.’
‘ક્યાં રહો છો ? સિમલામાં ?’
‘ના.’ લલિતાપ્રસાદ બોલ્યા : ‘દહેરાદૂનમાં.’
‘ત્યારે તો સિમલા ફરવા ગયા હશો.’
‘હા.’
‘શેની શોધ કરો છો ?’
‘કોઈ સારા ભોજનાલયની.’
એ વિચારમાં પડ્યા. એમની પ્રસન્ન મુખમુદ્રા સહેજ ગંભીર બની ગઈ.
‘એક ભોજનાલય અહીં બાજુમાં જ છે. ચાલો બતાવું.’
‘એ તો અમે શોધી લઈશું.’
‘પરંતુ હું બતાવું તો મને સંતોષ થાય.’
ભોજનાલય સમીપમાં જ હતું, પરંતુ અત્યંત અસ્વચ્છ હોવાથી એનો લાભ લેવા જેવો નહોતો, એટલે અમે એના દર્શનથી જ સંતોષ માનીને પાછા વળ્યા. એમણે કહ્યું : ‘મારે બહાર જમવાના અવસરો ઘણા ઓછા આવતા હોવાથી મને ભોજનાલયોની માહિતી ઓછી છે. કોઈ વાર બહાર જવાનું થાય છે ત્યારે હું કેળાં જેવાં ફળથી ચલાવી લઉં છું.’
મેં કહ્યું : ‘સારું શુદ્ધ ભોજનાલય ના હોય તો પુરીશાક મળશે તો પણ ચાલશે.’
એ સદગૃહસ્થ અમને એક મીઠાઈવાળાની દુકાને લઈ ગયા. એ દુકાન સારી દેખાઈ. ત્યાં જે સવારની બનાવેલી થોડીક પુરીઓ બાકી હતી એ અમારે માટે પૂરતી હતી. આવશ્યક ભોજનસામગ્રીને લઈને અમે ટેક્ષી પાસે પહોંચવાનો નિર્ણય કર્યો. પેલા સદગૃહસ્થ અમને એટલાથી મદદ કરીને સંતોષ વાળવાને બદલે ઘેર જઈને એમની સુપુત્રીને બોલાવી લાવ્યા, અને એની મદદથી ભોજનસામગ્રીને લઈને અમારી અનિચ્છા છતાં અમારી સાથે આવ્યા.
ટેક્ષી પાસે પહોંચીને બાજુની પોલીસ ચોકીની લોન પરના વૃક્ષની છાયામાં બેસીને ભોજન કરી શકાય તે માટે એ પોલીસની અનુમતિ મેળવી લાવ્યા. એ પછી એમણે અમારે માટે પાણીનો અને દૂધનો પ્રબંધ કર્યો, અને અને જમી લીધું તે પછી એમની સુપુત્રીની મદદથી પાછું પાણી લઈ આવ્યા. અમે અતિશય આગ્રહ કર્યો તો પણ એ અમારી સાથે જમવા માટે ના બેઠા.
અમે પૂછ્યું : ‘તમે અહીં શું કરો છો ?’
‘સરકારી નોકરી.’
‘તમે અમારે માટે ઘણો સમય કાઢ્યો.’
‘જે સમય સેવામાં વપરાય છે તે સુધરે છે. મારો સમય પણ સુધર્યો છે. મારી પુત્રીમાં પણ અત્યારથી સેવાના સંસ્કારો પડે તો સારુંને ?’
‘તમારી ભાવના ઘણી સારી છે.’
‘ઈશ્વરની કૃપા છે.’
‘હવે ક્યાં જશો ?’
‘આજે મારે રજા છે એટલે મારી પુત્રીની ઈચ્છાથી સિનેમા જોવા જવું છે. સંતોષીમાનું ચિત્ર આવ્યું છે. હવે સમય થવા આવ્યો છે.’
એ સદગૃહસ્થ વિદાય થયા. અમે પણ ટેક્ષીમાં આગળ વધ્યા. એ સદગૃહસ્થની સંસ્મૃતિ જીવનમાં સદાને સારુ જડાઈ ગઈ. એમને જોઈને અમને થયું કે માનવતા પરિપૂર્ણપણે મરી નથી. એનું દર્શન દુર્લભ જેવું હોય તો પણ એનો સર્વનાશ નથી થયો. એ હજુ જીવે છે.
- શ્રી યોગેશ્વરજી