લાકડીનો ચમત્કાર

મુંબઈની પાસેનું સુંદર સ્થળ વજ્રેશ્વરી અને એની પાસેનું એથીય સુંદર શાંત, એકાંત, ઐતિહાસિક સ્થળ ગણેશપુરી. એને ઐતિહાસિક એટલા માટે કહું છું કે એની પાછળ એક સરસ ઈતિહાસ સંકળાયેલો છે. એ ઇતિહાસ અતિશય આકર્ષક અને અમર છે. એ સુંદર સ્થળમાં રહીને વરસો સુધી સાધના કરનારા ને છેવટે સિદ્ધાવસ્થાએ પહોંચનારા સ્વામી નિત્યાનંદે એને અસાધારણ તીર્થ જેવું બનાવી દીધેલું. એ મહાપુરુષને લીધે એનો મહિમા વધી ગયેલો. એને અદભુત આકર્ષણ પ્રાપ્ત થયેલું, અને એ એક શાંતિદાયક પ્રેરક તીર્થસ્થાન જેવું બનેલું. એના આરાધ્યદેવ સ્વામી નિત્યાનંદનાં દર્શન અથવા સુખદ સત્સંગ માટે લોકો ત્યાં મોટી સંખ્યામાં ઉમટતા.

એ મહાત્મા પુરુષના એક શિષ્ય, ભક્ત ને પ્રસંશક પરમહંસ સ્વામી આત્માનંદ એમની જેમ જ મૂળ દક્ષિણ ભારતના નિવાસી હતા, પરંતુ મુંબઈમાં વસી ગયેલા. એ મુંબઈમાં કોલેજના વિદ્યાર્થી તરીકેનું જીવન ગાળતા અને એમની અનુકુળતા પ્રમાણે વચ્ચે વચ્ચે જન્માંતરના કોઈક અજ્ઞાત સંસ્કારોને વશ થઈને સ્વામીજીની મુલાકાત પણ લેતા. સ્વામીજીની સુખદ સંનિધિમાં એમને અભૂતપૂર્વ આત્મવિકાસની પ્રેરણાની પ્રાપ્તિ થતી. એમને એમના પ્રત્યે સહજ અને અસાધારણ આકર્ષણનો અનુભવ થયા કરતો.

એમના એ વખતના જીવનમાં એક અવિસ્મરણીય ઘટના બની. એ ઘટનાનું વર્ણન એ આજે પણ ખૂબ જ ભાવવિભોર બનીને કરી બતાવે છે.

સાદી ને સીધી વૈદિક ભાષામાં કહીએ તો એમને લગ્ન કરવાની ઈચ્છા થઈ આવી. એ ઈચ્છા કાંઈ અપરાધરૂપ ન હતી. એમના જેવા નવલોહિયા ઉછરતા યુવાનને સારું સ્વાભાવિક હતી. તો પણ એમણે પોતાના ગુરૂ સ્વામી નિત્યાનંદની પાસે પહોંચીને લગ્નનો પ્રસંગ સુખરૂપ પૂરો થાય તથા લગ્નજીવન સફળતાપૂર્વક પસાર થઈ જાય તેને માટે એમના આશીર્વાદ મેળવવાની ઈચ્છા કરી.

એ ઈચ્છાથી અથવા શુભેચ્છાથી પ્રેરાઈને એ એમની પાસે ગણેશપુરી પહોંચી ગયા.

ગણેશપુરીમાં સ્વનામધન્ય સ્વામી નિત્યાનંદ શાંતિપૂર્વક વિરાજેલા. ત્યાં પહોંચીને એમણે એમને પ્રખર પ્રેમ તથા પૂજ્યભાવથી પ્રેરાઈને પ્રણામ કર્યા. નિત્યાનંદજી પ્રથમ તો શાંત રહ્યા, પરંતુ બીજી જ ક્ષણે ઊભા થયા ને બાજુમાં પડેલી લાકડી લઈને એમના પર પ્રહાર કરવા માટે આગળ વધ્યા.

એમનું એવું રૌદ્ર રૂપ જોઈને એ તો એકદમ ગભરાઈ જ ગયા, આશીર્વાદ માગવાની વાત તો બાજુએ રહી એ સંબંધી એ એક અક્ષર પણ ના બોલી શક્યા. લગ્નના વિચારને વ્યક્ત પણ ના કરી શક્યા. એને બદલે સ્વામીજીના શક્ય પ્રહારથી બચવા માટે નાસવા માંડ્યા. એમને સમજાયું નહિ કે સ્વામીજી આવી રીતે આટલો બધો ક્રોધ શા માટે કરી રહ્યા છે. હજુ પોતે તો એમને કશું કહ્યું નથી. કે પછી પોતાના મનોભાવોને જાણી લીધી અને એમને પસંદ ના પડવાથી એ આવો અદભુત અભિનય કરી રહ્યા છે ? ગમે તેમ પણ એ અભિનય હતો ખૂબ જ વિચિત્ર ને રહસ્યમય. એના ગર્ભિત રહસ્યસંદેશને પ્રકટ કરતાં સ્વામીજીએ લાકડી ઉગામવાની તૈયારી કરતી વખતે જ કહ્યું : ‘લગ્ન કરવાની ઈચ્છા કરે છે ? લગ્ન કરવું હોય તો આવી જા. મારો પ્રસાદ ખા. લગ્ન તારે માટે કલ્યાણકારક નથી. તો પણ એને માટે આશીર્વાદ લેવા આવ્યો છે ? ભજન કર.’

આખરે એમણે લાકડી મૂકી દીધી.

એમનું રૌદ્ર સ્વરૂપ શાંત થયું.

એના સંદર્ભને સમજી ચૂકેલા આત્માનંદે (એ વખતે એ આત્માનંદ નહોતા બન્યા, પરંતુ વિદ્યાર્થી હતા) લગ્નનો વિચાર અમંગલ માનીને માંડી વાળ્યો.

એ પછી તો એ અવારનવાર નિત્યાનંદજીના દર્શનનો દેવદુર્લભ લાભ લેતા રહ્યા. નિત્યાનંદજીની સમાધિ સમયે એ એમની સામે જ બેઠેલા.

સ્વામીજીએ એમને પૂછ્યું : ‘શું આપું ? શું જોઈએ છે ? જે જોઈએ તે માગી લે.’

એમણે બીજું કશું જ ના માગ્યું. એમને પૂજ્યભાવે પ્રણામ કરીને ફકત એટલું જ જણાવ્યું : ‘મારે તો તમારી કૃપા, તમારો આશીર્વાદ જોઈએ. એ જ આપો.’

નિત્યાનંદે એમને આત્મિક આશીર્વાદ આપ્યો.

પરમહંસ સ્વામી આત્માનંદ એવા બધા પ્રેરક પ્રસંગોને આજે પણ નથી ભૂલ્યા. એ ભૂલવાની વસ્તુ થોડી જ છે ?  એમનો ઉલ્લેખ કરીને એ આજે પણ ગદગદ્ બની જાય છે. હવે તો એ વિરક્તિવાળું પરિવ્રાજકનું જીવન જીવે છે ને છેલ્લાં અઠ્ઠાવીસ વરસથી મૌનવ્રત રાખે છે. એમણે એમના જીવનનું સાર્થક્ય કર્યું છે. એ કહે છે કે એ વખતે એમણે જે કાંઈ માંગ્યું હોત તે બધું જ સ્વામીજીએ અર્પણ કર્યું હોત, કિન્તુ એમણે એમની કૃપા માગી, શુભાશિષની ઈચ્છા બતાવી, અને એનો એમને લેશ પણ વસવસો નથી. એમના અસાધારણ અનુગ્રહનો અને અમોઘ આશીર્વાદનો અનુભવ એ જીવનમાં અહર્નિશ કરી રહ્યા છે અને એને લીધે આત્મવિકાસના સોપાનોને એક પછી એક સર કરતા શાંતિ અનુભવે છે.

લાકડીના પેલા ચમત્કારને એ આજે પણ નથી ભૂલ્યા, ને ભવિષ્યમાં ભૂલે એવો લવલેશ સંભવ નથી.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.