ચમેલીનો પ્રયોગ

ભારતવર્ષમાં આયુર્વેદના અનુભવસિદ્ધ ધુરંધર આચાર્યોની અછત કોઈ કાળે પણ નથી રહી. પોતાની સ્વતંત્ર સ્વાનુભૂતિના આધારે કોઈપણ સાધારણ કે અસાધારણ રોગનું નિદાન કરીને એના ઉપચારોનો આધાર લઈ, આયુર્વેદની પ્રતિષ્ઠાને અખંડ રાખનારા આયુર્વેદાચાર્યો દેશમાં ઠેકઠેકાણે થતા રહ્યા છે. તાજેતરમાં થયેલા એવા એક અસાધારણ વૈદ્યરાજનો પરોક્ષ પરિચય પામવાનો પ્રસંગ મારા જીવનમાં બે વરસ પહેલાં પ્રાપ્ત થયો હતો-ઈ.સ. ૧૯૭૧માં.

ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મેરઠ વિશ્વવિદ્યાલયના નિવૃત પ્રાધ્યાપક શ્રી સૂદને ત્યાં મારો ઉતારો રાખવામાં આવેલો. એ એમની વિદ્વતા તથા ગુણજ્ઞતાને માટે મેરઠમાં અને એની આસપાસના વિસ્તારમાં વિખ્યાત હતા. એમની પાસે લગભગ રોજ સાંજ એક વૈદ્યરાજ આવતા. એમના અસાધારણ અનુભવજ્ઞાનની શ્રી સૂદે મારી આગળ પ્રસંશા કરી એટલે એમણે જણાવ્યું - ‘સૂદસાહેબ મારા પ્રત્યે પ્રેમ રાખે છે. ને ગુણગ્રાહી છે તેથી મારી પ્રસંશા કરે છે, બાકી મારું આયુર્વેદજ્ઞાન બીજાની આગળ શી વિસાતમાં છે ? હું તો હજુ આ માર્ગમાં ક્રમેક્રમે મારી રીતે આગળ વધું છું. મને જે કાંઈ અલ્પ અનુભવ મળ્યો છે તે મારા પરમ પૂજ્ય પિતાશ્રી પાસેથી. એ આયુર્વેદમાં ખૂબ જ નિષ્ણાત હતા. મારું અલ્પ જ્ઞાન તેમને જ આભારી છે.’

‘એમની આયુર્વેદસિદ્ધિનો એકાદ પ્રસંગ કહી બતાવશો ? એમની ચમત્કારિક અસાધારણ શક્તિનો ખ્યાલ આવે એવો કોઈક પ્રસંગ, જેણે એમને લોકોત્તર ખ્યાતિ આપી હોય.’ આ સાંભળી તેઓ સહેજ વિચારમાં પડ્યા-જાણે એમણે જોયેલા ભવ્ય ભૂતકાળને વાગોળવા માંડ્યા.

થોડીવાર પછી એમણે જણાવ્યું : ‘પ્રસંગો તો અનેક છે અને બધા જ અસાધારણ લોકોત્તર ને ચમત્કારિક છે. પરંતુ એમના જીવનનો એક પ્રસંગ ચિરસ્મરણીય થઈ પડ્યો છે. એણે એમને અસાધારણ યશ અપાવેલો અને એ પણ રાજદ્વારમાં.’

‘રાજદ્વારમાં ? એટલે કે રાજાને ત્યાં ?’

‘હા. રાજાને ત્યાં નહિ, પરંતુ મહારાજાને ત્યાં.’

‘તો તો એ પ્રસંગ તમને કશી હરકત ન હોય તો અવશ્ય સંભળાવો.’

અને આયુર્વેદાચાર્યે એ પછી એક સરસ જીવનકથા કહી. એનો વિષય તથા સાર ઘણો રસપ્રદ હતો. નેપાલના મહારાજાને સર્વાંગસુંદર, સુશીલ રાજકન્યા હતી. એ રાજકન્યા બધી રીતે સ્વાભાવિક રીતે જ સુખી હોવા છતાં એના જીવનમાં એક મોટું દુઃખ પેદા થયું. એને અનિદ્રાનો વ્યાધિ લાગુ પડ્યો. એને લીધે એને માટે દિવસ કે રાતે સુવાનું એકદમ અશક્ય થઈ પડ્યું. મહારાજાની ચિંતાનો પાર ના રહ્યો. મહારાણી પણ અતિશય ઉદાસ અને ચિંતાતુર રહેવા લાગી.

મહારાજાએ રાજકન્યાને વ્યાધિમુક્ત કરવાના બનતા બધા જ પ્રયત્નો કરી જોયા. વૈદ્યો, હકીમો, ડોક્ટરો, નિસર્ગોપચારકો સૌની સલાહ લીધી ને મદદ માગી. પરંતુ કોઈ પણ પ્રકારના ઉપચારથી રાજકન્યા અનિદ્રામાંથી મુક્તિ મેળવી ન શકી ત્યારે એમની વેદના વધી ગઈ. રાજકુમારી પોતે પણ પોતાના જીવનથી કંટાળી ગઈ.

મેરઠના આયુર્વેદાચાર્યની ખ્યાતિ એ દિવસોમાં ઘણી વધારે હતી. એ રોગના નિદાનમાં ને ઉપચારમાં નિષ્ણાત મનાતા. એમણે નેપાલની રાજકુમારીના વ્યાધિની વાત સાંભળીને નેપાલ જવાની તૈયારી કરી.

નેપાલના મહારાજાએ એમનો સુયોગ્ય સત્કાર કર્યો. એમણે રાજકુમારીનું નિરીક્ષણ કરીને તેને વ્યાધિમુક્ત કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પની સિદ્ધિ પર એમની કારકીર્દીનો ઘણો મોટો આધાર હતો. એ સંકલ્પ તેમણે નેપાલના મહારાજાને જણાવ્યો. જેટલાં કરાવી શકાય તેટલાં ચમેલીનાં ફુલોને એકઠાં કરવાની સૂચના આપી. એમના આદેશાનુસાર ચમેલીનાં ફુલો એકઠાં થઈ ગયાં એટલે એમણે એ ફુલોને રાજકુમારીના પલંગ પર પથરાવ્યાં અને રાજકુમારીને એના ઉપર સુવડાવીને એના સમસ્ત શરીરને ફુલોથી ઢંકાવી દીધું. રાજકુમારીના બે નાસિકાદ્વારોને જ ઉઘાડાં રાખવામાં આવ્યા. પરિચારકોને તથા પરિચારિકાઓને ખાસ આદેશ આપવામાં આવ્યો કે રાજકુમારી કદાચ પોકારો પાડે તો પણ એને પલંગમાંથી ઊઠવા ન દેવી. કદાચ બળજબરી કરવી પડે તો બળજબરી કરીને પણ પલંગમાં જ સુતેલી રાખવી. એને વ્યાધિમુક્ત કરવાનો બીજો કોઈ ઉપાય નથી.

આયુર્વેદાચાર્યની ધારણા સાચી પડી. પલંગ પર સુતા પછી થોડોક વખત વીત્યો એટલે રાજકુમારી અત્યંત આર્ત અવાજે પોકારો પાડીને પલંગમાંથી ઉઠવાની ને નાસવાની કોશિશ કરવા માંડી. પરંતુ એ કોશિશ નિષ્ફળ કરવામાં આવી. છેવટે બધાના વિસ્મય વચ્ચે એ વર્ષો પછી પહેલી જ વાર ઘસઘસાટ ઊંઘી ગઈ. મહારાજા અને મહારાણીની પ્રસન્નતાનો પાર ન રહ્યો.

બે-ત્રણ દિવસ પછી એ ગાઢ નિદ્રામાંથી પોતાની મેળે જ જાગ્રત થઈ. અને પછી તો એ રોજ ઊંઘવા લાગી. એનો અનિદ્રાવ્યાધિ કાયમને માટે મટી ગયો. આયુર્વેદાચાર્યને મહાન યશ મળ્યો. એમની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ. એમનું મહારાજ તરફથી રાજ્યોચિત સન્માન કરવામાં આવ્યું. એમને માનપત્ર તથા પારિતોષિક પ્રદાન થયું. મહારાજાની જિજ્ઞાસાના જવાબમાં એમણે જણાવ્યું : ‘રાજકુમારીના મસ્તકમાં કીડા થઈ ગયેલા. એ કીડા એને નિરાંતે નિદ્રાધીન નહોતા થવા દેતા. ચમેલીના પુષ્પોની સુગંધથી એ કીડા સળવળી ઉઠીને એના નાકમાંથી બહાર નીકળ્યા ત્યારે એ વેદનાથી વ્યથિત બનીને બૂમો પાડવા લાગી. ક્રમે ક્રમે બધા કીડા બહાર નીકળી ગયા અને પથારી પર પડીને મરી ગયા એટલે રાજકુમારી ઘસઘસાટ ઊંઘી ગઈ. હવે એ રોજ ઊંઘતી રહેશે.’

રાજકુટુંબથી સન્માનિત થયેલા આયુર્વેદાચાર્ય એ પછી પોતાને ઘેર પાછા આવ્યા.

મેરઠમાં મળેલા એ વૈદ્યરાજની અને એમણે સંભળાવેલી એમના અત્યંત અસાધારણ આયુર્વેદાચાર્ય પિતાશ્રીની જીવનકથાની સ્મૃતિ ઘણી રોચક છે. એ સ્મૃતિ મને ખાસ તો એટલા માટે થઈ આવે છે કે પેલી રાજકુમારીની જેમ કેટલાય મનુષ્યો આજે શાંતિથી નથી સુઈ શકતા. એમની પાસે ધન, વૈભવ, ઐશ્વર્ય અને રાજસુખ છે. યૌવન તથા સૌંદર્ય છે અને સત્તા તથા પ્રતિષ્ઠા પણ છે, છતાં એમના અંતરાત્માને શાંતિ નથી. એ જીવનનો અસલ-અખંડ આનંદ નથી અનુભવી શકતા. એમનો એ વ્યાધિ કેવી રીતે ટળી શકે ?  એમના મનમાં પડેલા વાસનાના કીડાઓ એમને બધે સ્થળે, દરેક પરિસ્થિતિમાં, અહર્નિશ બેચેન બનાવે છે. એ કીડાઓને બહાર કાઢવા માટે હરિનામનું સતત સ્નેહપૂર્વકનું સ્મરણ, મનન તથા સંકીર્તન કરવામાં આવે તો એ ચિત્તાકર્ષક કીડાઓને બહાર કાઢી નાખે ને માનવના જીવનને સાચા અર્થમાં સુખી તથા શાંતિ કરી દે. આજના વાસનાગ્રસ્ત, કામુક મનુષ્યોએ એ સંદર્ભમાં આ કથાને વિશિષ્ટ રીતે વિચારવા જેવી છે. એ વિચારણા એમને માટે લાભકારક થઈ પડશે.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.