વનેશ્વરમાં થયેલો અનુભવ

‘આટલે આવ્યા છો તો વનેશ્વરનું સ્થળ જરૂર જોઈ આવો.’

‘ત્યાં શું છે ?’

‘મહાદેવનું મંદિર છે. પુનાથી મહાબળેશ્વર જતાં અઢારેક માઈલ પર મુખ્ય માર્ગથી થોડેક દૂર એકાંત વનમાં વસેલું એ મંદિર છે. નાનું-છતાં ખૂબ જ શાંત અને સુંદર છે. એના અવલોકનથી અનોખો આનંદ મળશે.’

‘એમ ?’

‘હા. હું તમને ખોટું શા માટે કહું ? ખોટું કહેવાથી મને શો લાભ થાય ? ત્યાંનું વાતાવરણ ખુબ જ દૈવી, રસમય અને આનંદદાયક હોવાથી તમને ગમશે. મંદિરો અને શિવમંદિરો તો કેટલાંય છે-પરંતુ એ એક અલૌકિક મંદિર છે. મને ત્યાં એક અજબ જેવો અનુભવ થયો છે.’

‘અજબ જેવો અનુભવ ?’

‘હા. અતિશય અદભુત અનુભવ. જીવનમાં મને એવો અદભુત અનુભવ એ પહેલાં કદાપિ નહોતો થયો. એ પછી પણ નથી થયો - એ અનેરા અનુભવથી મારી દૃષ્ટિ બદલાઈ ગઈ છે, વૃત્તિ વિશદ થઈ છે અને શ્રદ્ધાભક્તિ વધીને વધારે બળવાન બની છે. એ અનુભવને હું આટલા દિવસો પછી આજે પણ નથી ભૂલી શક્યો. પહેલાં હું એવા અનુભવોને નહોતો માનતો ને ટાઢા પહોરના ગપ્પાં, મગજની નબળાઈ તથા ભ્રમ અને પાખંડમાં ખપાવતો; પરંતુ એ અનુભવે મારું માનસ પલટાવી નાખ્યું અને મને નવી સમજણ પૂરી પાડી.’

‘એ અનુભવ ખરેખર અનેરો કહેવાય.’

‘હા. એ અનેરો જ હતો. તમને સૌને એ કહી બતાવું.’

એ શબ્દો પુનામાં મળેલાં, મારા ઈ.સ. ૧૯૭૩ના જાન્યુઆરીમાં થયેલા પ્રવચનોમાં નિયમિત રીતે, પ્રેમપૂર્વક આવતા એક ભાઈના હતા. એ મારી સાથે એવી શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને વાર્તાલાપ કરી રહેલા.

થોડાક સમય પછી એ આગળ કહેવા લાગ્યા : ‘એ અનુભવ આજે પણ એવો જ યાદ છે. એ વખતે હું વનેશ્વર મહાદેવનાં દર્શન માટે ગયેલો. એ સ્થળ મને ખુબ જ ગમી ગયું એટલે પુજાવિધિથી પરવારીને મેં ત્યાં મંદિરમાં રાત રહેવાનો વિચાર કર્યો.’

મારો વિચાર મેં પૂજારીને જણાવ્યો. એમણે એને નાપસંદ કરતાં કહ્યું ‘મંદિરમાં રાતે કોઈ નથી રહી શકતું. ભૂતકાળમાં જે જે માણસો રાતે રહેલા તે સવારે જીવતા બહાર નહિ નીકળી શકેલા-પરંતુ મૃત દશામાં જ મળેલા. આ સ્થળ એવું અસાધારણ અથવા ભયંકર મનાય છે.’

‘પુજારીની વાત મને વિચિત્ર લાગી. એવી વાત પહેલાં મેં સાંભળેલી ખરી; પણ મને એનો ભય નહોતો લાગતો. ગમે તેમ થાય તો પણ મેં એ સ્થળમાં, મંદિરની અંદર, રાત્રિ દરમ્યાન રહેવાનો નિશ્ચય કર્યો. મંદિર તદ્દન એકાંતમાં હતું અને રાતે તો છેક જ શાંત લાગે તેવું હતું-તો પણ શું ? પુજારીએ મને સમજાવવાના બનતા બધા જ પ્રયત્નો કરી જોયા, અને આખરે બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા ત્યારે મને મંદિરના બહારના દરવાજાની કુંચી આપીને ખૂબ જ સાવધાનીપૂર્વક સુવાની સુચના આપીને સ્પષ્ટ કહ્યું - ‘સવારે તમે નહિ બચી શકો. તમારું જીવન શાંત થવાની તૈયારીમાં છે.’

‘ઈશ્વરની ઈચ્છાથી જે કાંઈપણ આવી મળે એને આનંદપુર્વક અપનાવવાની તૈયારી સાથે હું મંદિરમાં એકલો પડ્યો. મંદિરના બારણાને બંધ કરીને ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યો. મને જાતજાતના ને ભાતભાતના વિચારો આવવા માંડ્યા. ઊંઘવાનો પ્રયત્ન કરવા છતાં પણ ઊંઘવાનું કાર્ય એ એકાંત સ્થાનમાં એટલું બધું સહેલું તો નહોતું જ. કાળચક્ર પોતાનું કામ કરતું રહ્યું અને એ સ્થળમાં મધ્યરાત્રીનો સમય પૂરો થયો. મને થયું કે આ મંદિરમાં રાતે રહેનારા માનવો જીવતાં કેમ નહિ રહેતા હોય ? એવું વિલક્ષણ અહીં શું બનતું હશે ?’

‘થોડા જ વખતમાં મંદિરના બારણા પર ટકોરા પડ્યા. બારણું ખખડ્યું-કોઈએ ખખડાવ્યું. મેં એને સાંભળ્યું-ન સાંભળ્યું કર્યું-પરંતુ ખખડાવનારે ખખડાવવાનું ચાલુ જ રાખ્યું. ધીમે પગલે ચાલીને મેં એને ઉઘાડ્યું તો ત્યાં એક અવનવું દૃશ્ય દેખાયું. મહારાષ્ટ્રના કોઈક ગામનાં સ્ત્રી-પુરુષ, એમના શિર પર સામાનની નાનીસરખી પોટલી હતી. મને થયું કે આ વિચિત્ર જેવાં દેખાતાં સ્ત્રીપુરુષ કોણ હશે અને અત્યારે અચાનક ક્યાંથી ને કયા પ્રયોજનથી પ્રેરાઈને આવ્યા હશે ? ત્યાં તો પુરુષે શાંત સ્વરે કહ્યું : ‘અમારે ભગવાનનાં દર્શન કરવા છે. રસ્તામાં આવતાં-આવતાં થોડુંક મોડું થઈ ગયું. અમને દર્શન કરાવશો તો તમારો ઉપકાર માનીશું.’

‘હું એમના તરફ જોઈ રહ્યો. એમનો દેખાવ છેક જ સાધારણ હતો. એમના ના પાડવાનું અથવા એમની અવજ્ઞા કરવાનું મને ઉચિત ના લાગ્યું. હું એમને મંદિરમાં લઈ ગયો. એમણે ખૂબ પ્રેમથી ભક્તિભાવપૂર્વક ભગવાનનું દર્શન કર્યું. એમના મુખ પર ઊંડો સંતોષ ફરી વળ્યો. એ સંતોષ પ્રકટ કરતાં એમણે મારો આભાર માન્યો, ને મને અંતઃકરણપૂર્વકનાં અનેકાનેક અભિનંદન આપ્યાં. મને પોતાને પણ એમના ઉદગારોથી સંતોષ થયો.’

‘એમણે મને ભગવાન શંકરનો પ્રસાદ આપવા કહ્યું. હું મંદિરમાં પ્રસાદ હોય તો જોવા ને લેવા ગયો. જે મળ્યો તે પ્રસાદ લઈને થોડા જ વખતમાં બહાર આવ્યો ને જોયું તો પેલાં સ્ત્રી-પુરુષ દેખાયાં જ નહિ. મારા આશ્ચર્યનો પાર ના રહ્યો. મને થયું કે એ બંને ક્યાં ગયા ? મંદિરમાં તેમજ બહાર બધે જ જોયું-પણ એમનો પત્તો ના લાગ્યો. એટલી અલ્પવારમાં એ અદૃશ્ય થઈ ગયાં.’

‘મંદિરનાં બારણાંને બંધ કરીને હું વિચારતો ને બધું યાદ કરતો બેસી રહ્યો. એ અનુભવે મારા અંતર પર ઊંડી અમીટ છાપ પાડી. એવા અનુભવો વિશે મેં વાંચ્યું કે સાંભળ્યું તો હતું જ, પરંતુ મને એમનામાં શ્રદ્ધા નહોતી થતી. એ મને ઉપજાવી કાઢેલા, ટાઢા પહોરનાં ગપ્પાં જેવા લાગતા. પરંતુ એ અનુભવે મારા મનને બદલી નાખ્યું. મને એનું રહસ્ય ના સમજાવા છતાં એટલું સમજાયું કે દુનિયામાં એવું કેટલુંય બને છે-જેનો તાગ માનવની સામાન્ય બુદ્ધિ નથી કાઢી શકતી, તો પણ એ તદ્દન વાસ્તવિક હોય છે. મારી શ્રદ્ધા વધી પડી.’

‘બીજે દિવસે સવારે મંદિરમાં પધારેલા પૂજારી મને જોઈને ખૂબ જ નવાઈ પામ્યા. હું જીવતો હોઈશ એવી એમને કલ્પના જ ન હતી. એ મને આશ્ચર્યચકિત નેત્રે જોવા માંડ્યા. પરંતુ હું જીવંત હતો એ એક હકીકત હતી. એમની જિજ્ઞાસાના જવાબરૂપે મેં એમને મારો સ્વાનુભવ કહી સંભળાવ્યો તો એ ખૂબ જ પ્રસન્ન થયા, વિસ્મય પામ્યા, અને બોલ્યા, ’ત્યારે તમે એમને જોયાં ?’ ’

‘હા. જોયાં.’

‘તો તો તમારા પર એમની કૃપા થઈ. તેથી જ તમે જીવતા રહી શક્યા. તમે સાચેસાચ ભાગ્યશાળી છો.’

‘મારી આંખમાં આંસુ આવી ગયાં. ગળું રૂંધાઈ ગયું, ત્યારથી હું એવા અદભુત અનુભવોમાં માનતો થયો. આજે પણ માનું છું. એ સ્થળ ખરેખર ખૂબ જ ચમત્કારિક છે. તમે ત્યાં જરૂર જજો. એ સ્ત્રીપુરુષ કોણ હશે તે તો કેવી રીતે કહી શકાય, પરંતુ હતાં છેક જ વિલક્ષણ એમાં સંદેહ નથી.’

મેં એમને જણાવ્યું : ‘એ ભગવાન શંકર અને પાર્વતી વિના બીજું કોણ હોઈ શકે ? એમ પણ કહેવાય છે કે એવી રીતે એ અલૌકિક એકાંત સ્થળમાં ભૂતકાળમાં વસતા સિદ્ધિ મેળવી ચુકેલા કોઈક પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય યોગીપુરુષ પોતાની વિશિષ્ટ શક્તિથી એવા અદભુત રૂપે પ્રકટ થયા હોય.’ ગમે તેમ પણ એ આખોય અનુભવ અત્યંત અસાધારણ હતો. એથી કોઈને પણ આનંદ મળે એ સ્વાભાવિક હતું.

એ ભાઈએ એવી રીતે એમના અનુભવકથનને પૂરું કર્યું. એ કથન સૌને માટે રોચક થઈ પડ્યું.

બીજે દિવસે સંજોગો સાનુકૂળ થવાથી અમે વનેશ્વરનાં દર્શને ગયાં. સ્થળ સાચેસાચ સુંદર અને એકાંત હતું. મહાદેવના નાના સરખા મંદિરની આગળ જ સરસ કુંડ જોવા મળ્યો. એમાં એક બાજુથી પાણીનો પ્રવાહ મળતો દેખાયો. વૃક્ષો, પુષ્પો તથા વનરાજીથી વીંટળાયેલા એ શાંત ચિત્તાકર્ષક મંદિરના પાછળના ભાગમાં એક નાનકડી છતાં સુંદર સરિતા હતી. એનો પ્રવાહ બહુ પાતળો પડી ગયેલો. એની આજુબાજુ વિશાળ વન હતું. એ સ્થળ એકાંતવાસ અથવા સાધનાની દૃષ્ટિએ ખૂબ જ અનુકૂળ હતું. એ સ્થાનમાં કેટલોક સમય પસાર કરીને અમે સંતોષ પામ્યા અને પૂના પાછા ફર્યાં.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.