મહાન સંતોના સમાધિસ્થાનો
સ્વનામધન્ય સિદ્ધિશિરોમણિ મહાન સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજે એમની ઈચ્છાનુસાર જીવંત સમાધિ લીધે તો કેટલાંય વરસો થઈ ગયાં, પરંતુ એમની અલૌકિક આત્મિક શક્તિને અખંડ રાખીને એ આજે પણ કાર્ય કરી રહ્યા છે. એનો અનુભવ આજે આટલાં બધાં વરસો પછી પણ થયા વિના નથી રહેતો. જેના અંતરમાં એમને માટે આદરભાવ, અનુરાગ અને અસાધારણ શ્રદ્ધાભક્તિ હોય એ આજે પણ એનો એક અથવા બીજી રીતે ઓછાવત્તા પ્રમાણમાં અનુભવ કરી શકે છે. એ આહલાદક, અસાધારણ અનિર્વચનીય આત્મિક શક્તિથી આકર્ષાઈને આજે પણ અસંખ્ય દર્શનાર્થીઓ આલંદી ગામમાં આવેલા એમના સુપ્રસિદ્ધ સમાધિ મંદિરના દર્શને જાય છે અને ત્યાંના વિશુદ્ધ વાતાવરણમાંથી પોતપોતાની રીતે પ્રકાશ, પ્રેરણા તથા શાંતિ મેળવે છે.
એમના પ્રત્યેના અસાધારણ અનુરાગ અને આદરભાવથી પ્રેરાઈને મેં એમના એ સુંદર, પ્રેરક, શક્તિસંચારક શાંત સમાધિ મંદિરની મુલાકાત આજ સુધી ઘણીવાર લીધી છે અને લગભગ દરેક વખતે જુદાજુદા અનુભવોને પ્રાપ્ત કર્યાનો આનંદ મેળવ્યો છે. એ અનુભવો મારી પેઠે અધ્યાત્મમાર્ગના પ્રવાસીઓને ને સાધકોને પ્રેરણા પાશે અથવા આનંદ આપશે એવું માનીને એમાંના એકને અહીં રજુ કરું છું.
*
એ વરસે આલંદી જતી વખતે મારા મનમાં વિચાર અથવા ભાવ પેદા થયો કે સંસારમાં કોઈને ત્યાં જવાનું થાય તો તે સામાન્ય રીતે આપણું સ્વાગત કરે છે તો પછી સિદ્ધોના શિરમુકુટ જેવા જ્ઞાનેશ્વર મહારાજ સુંદર અલૌકિક સ્થળમાં આપણો સત્કાર ના કરે ? મહાપુરુષો પોતાની આત્મનિષ્ઠામાં લીન હોઈને સત્કાર અથવા અસત્કારના ભાવ કે વિચારથી પર હોય છે તો પણ ઈચ્છાનુસાર એનો આધાર લઈ શકે છે. એમાં કશું ખોટું નથી. મારી સાથેના ભાઈઓને પણ મેં કહ્યું : ‘મારા ભાવ કે વિચારને જાણી લઈને જ્ઞાનેશ્વર મહારાજ એનો સમ્યક સંતોષકારક પ્રત્યુત્તર પૂરો પાડશે તો તેના પરથી એમની આત્મશક્તિ આજેય પણ અબાધિત રીતે કાર્ય કરી રહી છે તેની તમને પ્રતીતિ થશે.’
એ વિચાર કે ભાવ સાથે મેં સમાધિ મંદિરમાં પ્રવેશ કર્યો. અંદર જઈને જ્ઞાનેશ્વર મહારાજને મનોમન પ્રણામ કર્યા. સમાધિ મંદિરનું મૂળ સ્થાન ઘણું નાનું છતાં પણ આકર્ષક, પ્રેરક, શાંતિદાયક અને શક્તિસંચારક હતું. ત્યાં થોડાક વખત સુધી હું ભાવભક્તિથી ભરાઈને ઉભો રહ્યો. ત્યાં જ એક અકલ્પ્ય, અદભુત ઘટના બની. મંદિરના પૂજારીએ જ્ઞાનેશ્વર મહારાજની સમાધિ ઉપરથી એક સુંદર સુવાસિત ફુલમાળાને લઈ મને તે પહેરાવતાં જણાવ્યું - ‘હું તમારું સ્વાગત કરું છું.’ મેં આશ્ચર્ય અને આનંદની સાથે કહ્યું : ‘તમે મને ઓળખતા જ નથી તો મારું સ્વાગત કરવાની ઈચ્છા કેવી રીતે થઈ આવી ?’ તો તેમણે સ્મિતપૂર્વક સ્પષ્ટીકરણ કર્યું : ‘જ્ઞાનેશ્વર મહારાજની ઈચ્છાથી. હું તમને નથી ઓળખતો એ સાચું છે પરંતુ જ્ઞાનેશ્વર મહારાજ ઓળખે છે એ એટલું જ સાચું છે અને એમની પ્રેરણાથી જ હું તમારું આ પ્રમાણે સ્વાગત કરી રહ્યો છું.’
મારી સાથેના પુરુષો પુજારીના એ ઉદગારો સાંભળીને આશ્ચર્ય પામ્યા. એમની શ્રદ્ધાભક્તિ વધારે બળવાન બની પણ વાત કાંઈ આટલેથી જ અટકી નહીં. પુજારીએ મને જણાવ્યું : ‘મારે ઘેર લઈ જઈને મારે તમારો સત્કાર કરવો છે.’
મેં એ માટે અનિચ્છા બતાવી પરંતુ તેમણે માન્યું નહિ. એમનું ઘર સમાધિ મંદિરની પાસે જ હતું. ત્યાં લઈ જઈને એમણે અમને સૌને બેસાડ્યા ને અમારો ચા તથા દૂધથી ખૂબ જ સ્નેહપૂર્વક સત્કાર કર્યો. જ્ઞાનેશ્વર મહારાજની વિશિષ્ટ અસાધારણ શક્તિનો વિચાર કરીને અમે એમને માટે વિશેષ અનુરાગ અને આદરભાવનો અનુભવ કરવા લાગ્યા. જ્ઞાનેશ્વર મહારાજ પોતાની અમોઘ-અલૌકિક શક્તિથી આજે પણ પોતાની રીતે સૂક્ષ્મ જગતમાં સક્રિય કાર્ય કરી કે કરાવી રહ્યા છે એની અમને ફરી પાછી પ્રતીતિ થઈ ને વિશ્વાસ થયો કે જીવનમુક્ત, પૂર્ણ, સિદ્ધ મહાપુરુષોનાં સમાધિસ્થાનો જડ સ્મૃતિચિન્હો નથી, પરંતુ જીવંત ચેતનાધામો છે. આજે પણ એ માનવના અંતરાત્માને અનુપ્રાણિત કરવાની શક્તિ ધરાવે છે. માનવની પોતાની અંદર જો થોડુંક સત્વ કે પ્રેરણાતત્વ હોય તો એમની અલૌકિક શક્તિનો સ્વાનુભવ એ સહેલાઈથી કરી શકશે. એનું પોતાનું અંતર જો જડ હશે તો કશું કહેવાનું નથી. એ જ્યાં પણ જશે ત્યાંથી ખાલી હૈયે ને ખાલી હાથે, અવનવી અશ્રદ્ધા તથા ભ્રાંતિ સાથે પાછો ફરશે.
એ ચિરસ્મરણીય પવિત્ર પ્રેરક પ્રસંગના અનુભવ પછી તો કેટલીય વાર અમે આલંદી જઈ આવ્યા. પ્રત્યેક વખતે એક અથવા બીજી જાતનો અનુભવ પણ થતો રહ્યો. બે વરસ પહેલાં મારા મુંબઈના પ્રવચનો પૂરા થવાની તૈયારી હતી ત્યારે કેટલાંય ભક્તિશાળી ભાઈ-બેનોએ આલંદી જવાની ઈચ્છા બતાવી. મેં જ્ઞાનેશ્વર મહારાજને તે માટે પ્રાર્થના કરીને પૂછ્યું તો તેમણે જણાવ્યું : ‘આ વરસે આલંદી ન આવતા.’
એમની એવી સૂચનાને લીધે એમાં મંગલ માનીને મેં આલંદી જવાનો વિચાર સ્થગિત કર્યો ને સૌને જણાવી દીધું : ‘તમારે જવું હોય તો જઈ શકો છો, બાકી મારાથી તો આ વખતે નહિ આવી શકાય.’
યજમાનની ઈચ્છા અથવા અનુકૂળતા ના હોય તો મહેમાન એમને ત્યાં સ્વેચ્છાથી જાય તે સારું ના કહેવાય. જ્ઞાનેશ્વર મહારાજની એ સુચનાનું રહસ્ય એ પછી થોડા જ સમયમાં સમજવા મળ્યું. માતાજીએ ડોક્ટરને આંખ બતાવી તો ડોક્ટરે એમને મોતીયો પાકી ગયો હોવાથી વહેલી તકે દવાખાનામાં દાખલ થઈ જવા કહ્યું. એને લીધે એમને દવાખાનામાં દાખલ કરવા પડ્યાં, જેથી એ વરસે આલંદી જવાની શક્યતા જ ના દેખાઈ.
ગયે વરસે અમે આલંદી ગયાં ને ત્યાંના વિશુદ્ધ વાતાવરણમાં એક રાત રહ્યાં પણ ખરાં. આ વરસે પુનામાં મારા પ્રવચનો ચાલતાં’તાં તે દરમ્યાન તારીખ ૬ જાન્યુઆરી ૧૯૭૩ને દિવસે અમે એક વાર ફરીથી આલંદી ગયાં ત્યારે પણ કોણ જાણે કેમ પણ સમાધિ મંદિરમાં પુજારીએ કરેલા વરસો પહેલાંના સ્વાગતના પ્રસંગનું મને વારંવાર સ્મરણ થવા માંડ્યું. મને થયું પણ ખરું કે પછી એવું સ્વાગત નથી થયું. જ્ઞાનેશ્વર મહારાજે પોતાની અલૌકિક આત્મશક્તિથી મારા એ મનોભાવને જાણી લીધો હોય તેમ, મેં સમાધિ મંદિરમાં પ્રવેશ કર્યો કે તરત જ પુજારીએ મને સમાધિ પરથી લઈને માળા પહેરાવી ને અતિશય પ્રેમપૂર્વક કહ્યું : ‘હું તમને મારે ઘેર લઈ જઈને સત્કારવા માંગું છું. મારી આનાકાની છતાં એમનો આગ્રહ ચાલુ જ રહ્યો. ઘેર લઈ જઈને એમણે અમારો ચા તથા દૂધથી સત્કાર કર્યો અને અમે આલંદીથી વિદાય લીધી ત્યાં સુધી એ અમારી સાથે રહ્યા. જ્ઞાનેશ્વર મહારાજે એવી રીતે બતાવી આપ્યું કે એમની આત્મશક્તિ અખંડ રીતે કાર્ય કરી રહી છે. એ શક્તિનો અનુભવ કરવા સૌ કોઈ સ્વતંત્ર છે.
- શ્રી યોગેશ્વરજી