પ્રેતયોનિમાં સબડતા સાધુઓ
સૌરાષ્ટ્રનો પ્રવાસ કરતાં એક સાંજે અમે એ સ્થળમાં જઈ પહોંચેલા અને રાત રહેલા. રાતે બારેક વાગ્યા પછી અમારી બાજુમાં સુતેલી બેન રમીલાએ ઉંઘમાંથી જાગીને બૂમો પાડવા માંડી. મેં તથા માતાજીએ એની પાસે પહોંચીને એને શાંત કરવાની કોશિશ કરી તો પણ એ બૂમો પાડતી જ રહી. થોડા વખત પછી એણે કહ્યું -‘મારે આ પલંગ પર નથી સુવું. પંકજની સાથે સુવું છે. અહીં મને બીક લાગે છે-કોઈક ડરાવે છે.’
એને એના નાના ભાઈ પંકજ સાથે સુવાડવાને બદલે માતાજીની સાથે નીચે પથારી કરીને સુવડાવી. તો પણ એની અશાંતિ લાંબા વખત સુધી મટી નહિ. એને જગદંબાનું સ્મરણ કરીને પ્રસાદી આપી ત્યારે એને શાંતિ થઈ.
એ પછી એ દુર્ગતિપ્રાપ્ત આત્માઓએ પોતાની પૂરી સંયુક્ત શક્તિથી મને અશાંત કરવાના આશયથી મારા પર આક્રમણ આરંભ્યું. હું એમના અશુભ આશયનું અનુમાન સહેલાઈથી કરી શક્યો. મેં એમનો પ્રતિકાર પ્રારંભ્યો. એમના પ્રતિકાર સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો. મેં જગદંબાનું શાંત ચિત્તે, સ્વસ્થતાપૂર્વક સ્મરણ કર્યું. ગાયત્રી મંત્રના જપ ચાલુ કર્યા. જગદંબાની પ્રાર્થના કરી ત્યારે રાહત મળી. જગદંબાએ કહ્યું : ‘દસેક મિનિટમાં હું એ અશુભ આત્માઓને ઓરડામાંથી બહાર કાઢું છું.’
મારા બિછાના પર બેસીને હું એની પ્રતિક્ષા કરવા લાગ્યો. અને દસેક મિનિટમાં તો એ આત્માઓ ઓરડાની બહાર નીકળી ગયા. આજુબાજુના વાતાવરણમાં શાંતિ ફરી વળી. મારું શરીર અને મગજ હળવું બન્યું.
એ વખતે રાતનો એક વાગેલો. પેલી દસેક મિનિટ દરમ્યાન મને થયું કે વાતાવરણમાં કોઈક દુર્ગતિ પામેલા અમંગલ આત્માઓએ પ્રવેશ કરેલો; પરંતુ એ આત્માઓ કોણ હશે, અને એમની દુર્ગતિનું કારણ શું હશે ? એનો ઉત્તર પણ મને મળી ગયો. એ આત્માઓ કેમ કરી મારી આગળથી હઠતા નહોતા અને પોતાની સમગ્ર શક્તિથી મને બેચેન બનાવવાનો પ્રયત્ન કરી રહેલા ત્યારે હું એમના ઝાંખા રૂપને જોઈ શક્યો. એ બંને આત્માઓ સાધુપુરુષો હતા એ જાણીને મને વધારે દુઃખ થયું. બંને સાધુઓ ખૂબ જ જાણીતા હતા. થોડા વરસોમાં મૃત્યુ પામેલા, અને એમના અસંખ્ય પ્રસંશકો અનુયાયીઓ અને શિષ્યો હતા. એમની દુર્ગતિ થયેલી દેખીને મારું દિલ દ્રવી ગયું. મેં એમને કહ્યું : ‘બીજાને તો તમે તમારા જીવનકાળ દરમ્યાન ઈશ્વરપ્રાપ્તિ કરવાનો અને શાંતિ તથા મુક્તિ મેળવવાનો ઉપદેશ આપતા-અને એ ઉપદેશને તમે જ ભૂલી ગયા ? તમારી પોતાની જાતને એ ઉપદેશ ના લાગુ પાડ્યો ?’
એમણે નકારમાં માથું ધૂણાવ્યું એટલે મેં પૂછ્યું : ‘તમે તો સમજદાર સાધુઓ છો. તમને હવે શેનો મોહ અને શેની મમતા કે વાસના છે ?’
‘અમે બાંધેલા સ્થાનોની અને મંદિરોની વાસના છોડી શકતા નથી.’
‘શું એની મમતા સારી કહેવાય ?’
‘સારી કહેવાય કે ના કહેવાય, પણ અમને એવી મમતા છે જ. અમે એમને જોઈને આનંદ અનુભવીએ છીએ ને એમને સાચવીએ છીએ પણ ખરા.’
‘તમે સ્થાનોને બનાવવા ને સાચવવા માટે સાધુ બનેલા ? જીવનનું ધ્યેય તો પરમાત્માની પ્રાપ્તિ છે. તમારે પરમાત્માની પ્રીતિ ને મમતા રાખવાની અને વધારવાની હતી. તમે એ ધ્યેયમાંથી ચલાયમાન બન્યા અને આવા વાસના દેહને પામ્યા એ ખરેખર દુઃખદ છે. હવે તમે ક્યારે છૂટશો ? એ યોનિમાંથી છૂટવું જ જોઈએ. તમે કહેતા હો તો તમારી મુક્તિનો પ્રયાસ કરીએ. તમે કેવી રીતે છૂટી શકો તે જણાવો.’ મેં એમને કહ્યું.
‘પરંતુ અમારે આ યોનિમાંથી છૂટવું જ નથી તેનું શું ?’
‘નથી છૂટવું ?’
‘ના. નથી જ છૂટવું.’
‘કારણ ?’
‘આમાં અમને અતિશય આનંદ લાગે છે. અમને કશી તકલીફ નથી. આ યોનિ અમને ગમે છે.’ દુર્ગતિ પામેલા સાધુએ કારણ દર્શાવ્યું.
‘તો પણ આ અશુભ યોનિ છે. તમારે તેમાંથી છૂટવું જોઈએ. આ તો તમારાં જ્ઞાનવિજ્ઞાન, વૈરાગ્ય અને ભગવદ્ ભજન બધા પર પાણી ફરી વળ્યું ! તમારા ભક્તોમાં તમે ‘મુક્તાત્મા પુરુષો’ તરીકે જાણીતા છો. તમારી યોગ્યતાને જરાક તો વિચારી જુઓ. આ યોનિમાં પડીને અને એની આસક્તિ રાખીને તમે તમારું ઘોર અકલ્યાણ કરી રહ્યા છો. તમે બતાવો તો તમારે છૂટવા માટેનું કોઈક સત્કર્મ કરીએ.’ મેં ફરીથી આગ્રહ કર્યો.
‘મહેરબાની કરીને અમને આ જ યોનિમાં રહેવા દો. આમાં સુખ છે.’
‘એનું કારણ તમારું અજ્ઞાન અને તમારી આસક્તિ છે. કૂતરાને હાડકાને ચાટવામાં સુખ લાગે છે-પરંતુ એ સુખ સાચું નથી હોતું. તમારા સ્થાનનો લાભ લઈને કેટલાય લોકો શાંતિ મેળવશે ને આધ્યાત્મિક માર્ગે આગળ વધશે; પરંતુ તમે પાછળ રહી ગયા. તમારા જ સ્થાનોમાં આસક્તિ કરી બેઠા. આસક્તિ તો કેવળ ઈશ્વરની કરવાની હતી. તમે હવે ક્યારે છૂટશો ?’
‘એનો ઉત્તર અત્યારે નહિ આપી શકાય. અત્યારે તો અમારે છૂટવું જ નથી. છૂટવું હશે તો, અને ત્યારે, તમને જણાવીશું.’
હું એમની વાત સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. વધારે આશ્ચર્યચકિત તો એટલા માટે બન્યો કે એ બંને સાધુઓ હતા.
આખરે એ મારા ઓરડામાંથી વિદાય થયા.
*
બીજે દિવસે રમીલાબેને જણાવ્યું : ‘એ પલંગ પર સુવા માટે ગઈ ત્યારથી મને થયું કે હું એના પર ના સુઉં તો સારું. મને ઉંઘ આવી ત્યારે કોઈ સાધુ મોં ફાડી જાણે ખાઈ જવા આવતો હોય એવી રીતે મારા તરફ આવવા લાગ્યો. એની સાથે કોઈ સ્ત્રી જેવી વ્યક્તિ પણ હતી. એમને જોઈ મને ભય લાગેલો.’
સાચું છે. સાધુપુરુષો વસ્ત્રો છોડે, નામ બદલે, કુટુંબ ત્યાગ કરે, પરંતુ મનને નિર્મળ અને ઈશ્વરપરાયણ કરીને વાસનામાંથી મુક્તિ ન મેળવે તો સાધુજીવન સફળ નથી બની શકતું. સાધુજીવન જીવનારે તો પળે પળે ને પદે પદે ખૂબ ખૂબ જાગ્રત રહેવું પડે છે. કોઈ પણ પ્રકારની લૌકિક લાલસા કે વાસનાના શિકાર ના થાય, કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આસક્તિ ન રખાય અને પોતાના જીવનના આદર્શને પણ ના ભૂલાય-તેનું નિરંતર ધ્યાન રાખવું પડે છે. ભૌતિક સંપત્તિ અને સમૃદ્ધિના પરિગ્રહની પાછળ પડવાને બદલે પરમાત્માની શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને પરમાત્માની પાછળ પડવાની સાધનાને જ એમણે મહત્વ આપવું જોઈએ. તો જ એ પોતાનું કલ્યાણ કરી શકે.
કમનસીબે અત્યારે સાધુપુરુષો પણ પરિગ્રહ, ભવનનિર્માણ અને લોકેષણા પાછળ વધારે પડ્યા છે. એમના કેટલાય સાધુઓ પોતાના વાસ્તવિક જીવનધ્યેયને ભૂલી જઈ જીવતાં જ વાસનાવશ થઈને દુર્ગતિ પામ્યા છે. સાધુ જીવન પવિત્ર આદર્શ પરમાત્મામય જીવન છે. એને એવું રાખવા માટે જીવન દરમ્યાન અને જીવન પછીની-બંને દુર્ગતિમાંથી છૂટવા માટે કટિબદ્ધ બનવું જોઈએ.
બીજે દિવસે અમારી મોટરના ડ્રાઈવરે પણ જણાવ્યું : ‘આપણે જે સ્થળમાં રાત રહ્યા તે સ્થળનું વાતાવરણ અમંગલ છે.’
મેં પૂછ્યું : ‘કેમ ?’
એણે કહ્યું : ‘હું આ સ્થળમાં બેત્રણ વાર આવી ગયો છે. પણ મારી છાપ એવી જ છે. રાતે બેત્રણ વાગ્યા સુધી મને ખૂબ ઢીલાશ રહી-માંદગી જેવું થઈ ગયું, અશાંતિ લાગી, અને જરા પણ ઊંઘ ન આવી. ધર્મસ્થાન હોવા છતાં અહીંનું વાતાવરણ એટલું બધું સારું નથી લાગતું.’
એ દુર્ગતિપ્રાપ્ત સાધુપુરષો વાસનાશરીરમાંથી છૂટીને પોતાના શેષ જીવનનું શ્રેય સાધી, શાંતિ મેળવે તો એમને ને બીજાં અનેકને લાભ પહોંચશે. ઈશ્વર એમને સદબુદ્ધિ આપે !
- શ્રી યોગેશ્વરજી