મોહરહિત ઉપાસક

બહારથી સાધારણ ને નાના જેવા દેખાતા માણસોમાં કોઈવાર ઘણી મોટી અને અસાધારણ શક્તિ સમાયેલી હોય છે. એ શક્તિનું દર્શન કરીને આશ્ચર્યચકિત બની જઈએ છીએ, અને મંત્રમુગ્ધ થઈ વિચારીએ છીએ પણ ખરા, કે જગતમાં હજુ શક્તિસંપન્ન માનવરત્નોનું અસ્તિત્વ છે ખરું.

એથી ઉલટું, કેટલીક વાર બહારથી અસાધારણ, આકર્ષક અથવા મોટા દેખાતા માનવીઓ, યોગ્યતા અથવા શક્તિની નજરે પામર અને અલ્પ દેખાય છે, અને ગુણવત્તાથી પણ રહિત લાગે છે.

ચમેલી અને મોગરાંના પુષ્પો હોય છે તો ખૂબ નાનાં પણ એમની સુવાસ કેટલી જાણીતી છે ?  જ્યારે બીજાં ઘણાં પુષ્પો બહારથી મોટાં અને સુશોભિત દેખાતાં હોવા છતાં પરિમલ વગરનાં હોય છે.

અહીં મારે બહારથી સાધારણ, પરંતુ અંદરથી અસાધારણ એવા એક પ્રતાપી પુરુષની વાત કહેવાની છે.

વાત તાજેતરની અને સાચી બનેલી છે. એ પુરુષમાં ઉપાસનાની અલૌકિક શક્તિ છે. આવી ઉપાસનાની શક્તિઓ વિશે સાંભળવામાં તો ઘણુંઘણું આવે છે, પણ એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે ત્યારે અંતર ગદગદ્ થઈને અનેરી પ્રતીતિ કરે છે, કે ઉપાસકો અને ઉપાસના જગતમાં હજુ જીવે છે ખરાં.

ગયા મે મહીનામાં મેં મારા ગીતાજીના નિબંધોની હસ્તપ્રતનું પેડ એક ભાઈ-શ્રી હરિભાઈ મારફત, જાણીતા પ્રકાશક વોરા કંપનીને છાપવા માટે આપેલું. લગભગ છ-સાત મહિના પછી તે પુસ્તક છાપવાની વાત નીકળી ત્યારે વોરા કંપની દ્વારા હરિભાઈને જણાવવામાં આવ્યું : ‘હસ્તપ્રત નથી મળતી. તેની તપાસ કરવાં છતાં તેનો પત્તો નથી લાગતો. સંભવ છે કે, એ હસ્તપ્રત તમે પાછી લઈ ગયા હો.’

હરિભાઈ તે હસ્તપ્રત પાછી નહોતા લઈ ગયા, એટલે તેની વધુ તપાસ કરવાની ભલામણ કરી. તો પણ એ તપાસનું કશું ધાર્યું પરિણામ આવ્યું નહીં. આમ થતાં એમને સ્વાભાવિક રીતે જ નિરાશા થઈ. એમણે મને બધી હકીકત લખી જણાવી એટલે તેના જવાબમાં મેં લખ્યું : ‘ગીતાજીની હસ્તપ્રત વોરા કંપનીમાં જ પડેલી છે, અને મળશે પણ ખરી. માટે નિરાશ થયા વગર શોધ ચાલુ રાખજો.’

એવી જ સૂચના મેં, હસ્તપ્રતમાં રસ લેતા શ્રી હરગોવિંદભાઈ ભટ્ટને આપી. એમને ખબર પડી કે જે ઠેકાણે એ નોકરી કરતા હતા એ મકાનના ચોકીદારમાં એવી કોઈ વિલક્ષણ શક્તિ હતી, કે જેની મદદથી એ બીજાને ઉપયોગી બનતા અને તેના બદલામાં કશું જ લેતા નહીં. એમણે તે ચોકીદારનો સંપર્ક સાધ્યો તો ચોકીદારે પોતાની લાક્ષણિક રીતે આકાશ તરફ દૃષ્ટિપાત કરીને તરત જણાવ્યું : ‘એ પુસ્તક ત્યાં-વોરા કંપનીમાં જ પડેલું છે, ત્યાંથી મળશે. તપાસ કરો. હું એને અહીંથી જોઈ શકું છું.’

પરંતુ વોરા કંપનીમાં ખૂબ ચીવટપૂર્વકની તપાસ કરવા છતાં ગીતાજીની એ હસ્તપ્રત મળી નહીં. એ જ અરસામાં મારે મુંબાઈ જવાનું થયું. હરગોવિંદભાઈ તરફથી ચોકીદારને ફરીથી પુછવામાં આવ્યું તો એમણે ઉત્તર આપ્યો : ‘હસ્તપ્રતનું એ પેડ ત્યાં જ-વોરા કંપનીમાં જ પડેલું છે. હું એને બરાબર જોઈ શકું છું. એને પૂંઠું આસમાની રંગનું તથા કદ થોડુંક જાડું ને મોટું છે. તમે નિરાશ થયા વગર, વધુ ચીવટપૂર્વક તપાસ કરશો તો એ પેડ જરૂર મળશે.’

અને થોડીવારે ચોકીદારે કહ્યું : ‘પછી મારે શ્રી યોગેશ્વરજીનાં દર્શને આવવું છે. એમનો મહિમા અપાર છે. એ ઘણા મહાપુરુષ છે. એમણે ઈશ્વરને પોતાના હૃદયમાં ધારણ કરી રાખ્યા છે. એમનું સ્મરણ કરતાં જ મારા શરીરમાં ઝણઝણાટી પેદા થાય છે, ને મને પ્રેરણા મળે છે. એ રોજ સવારે ગ્રંથ લખે છે તે હવે અઢાર મહિના સુધી લખશે. તે પછી લખવાનું છોડી દેશે. એમના સંજોગો બદલાઈ જશે. અને પછી તો એમનાં દર્શન પણ દુર્લભ થશે.’

ચીવટપૂર્વક તપાસ કરવા છતાંય એ પુસ્તકની હસ્તપ્રત ન જ મળી એટલે એમને-ચોકીદારને-ત્રીજી વાર પૂછવામાં આવ્યું. એમની ઉત્તર આપવાની રીત ખૂબ વિલક્ષણ હતી. એ આકાશ તરફ જોઈને, લેશ પણ વિલંબ કર્યા વગર તરત જવાબ આપતા. પહેલાં એમણે તે હસ્તપ્રત વોરા કંપનીના ડાબા હાથ તરફ પડી છે એવું કહેલું તેને બદલે હવે જમણા હાથ તરફ પડી હોવાનું જણાવ્યું.

હરગોવિંદભાઈ હરિભાઈને લઈ વોરા કંપનીમાં તપાસ કરવા ગયા ત્યારે વોરા કંપનીના એક કર્મચારીએ માહિતી આપી : ‘અમારે ત્યાં અમુક હસ્તપ્રતો ઉપરના ભાગમાં રાખવામાં આવે છે. એ ભાગમાં બરાબર તપાસ કરવાથી દસેક મિનિટમાં એ હસ્તપ્રતનું પેડ હાથ લાગ્યું ત્યારે બધાને આશ્ચર્ય અને આનંદનો અદભુત અનુભવ થયો.’

*

બે દિવસ પછી એ ચોકીદાર મને મળવા આવ્યા ત્યારે મેં એમની અસાધારણ ઈશ્વરદત્ત શક્તિને માટે એમને અંતઃકરણપૂર્વક અભિનંદન આપ્યાં. એ વૃદ્ધ ધર્માવલંબી હતા. એમની સરળતા તથા નમ્રતા અજોડ હતી. પોતાની આવી, અદભુત ગણી શકાય તેવી, શક્તિનું એમને જરા પણ અભિમાન નહોતું. એમને મળીને મને ખૂબ આનંદ થયો. એ ધારત તો પોતાની શક્તિનું પ્રદર્શન કરી, ધન અને કીર્તિ પ્રાપ્ત કરી શકત; પરંતુ એ તરફ એમનું લક્ષ જ નહોતું. એમને પોતાના ચાલુ વ્યવસાયમાં અને શુદ્ધ, સાદા, પ્રભુપરાયણ જીવનમાં સંતોષ હતો.

મોહમયી ગણાતી મુંબઈનગરીમાં આવા મોહરહિત જીવનની પ્રીતિવાળા લોકોત્તર શક્તિસંપન્ન સત્પુરુષ કે ઉપાસક રહેતા હોય એની કલ્પના પણ કોઈને નહિ આવતી હોય ! ધન્ય છે, એ ઉપાસકને !

ગીતાજીના નિબંધોનું એ પુસ્તક છાપવા માટે આપી દીધું છે. એની સાથે એ ઉપાસકની સ્મૃતિ પણ સંકળાયેલી રહેશે.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.