સ્વામી શિવાનંદજી
શિવાનંદ આશ્રમ, હૃષિકેશ. હૃષિકેશની પુરાણપ્રસિદ્ધ ભૂમિમાં સ્વર્ગાશ્રમના શાંત અને સુંદર વાતાવરણમાં, ગંગાના પવિત્ર તટ પર આવેલો એ આશ્રમ આજે સુનો છે. અથવા તો કહો કે ખિન્ન કે વિષાદમગ્ન છે, કેમ કે એ આશ્રમના અધિષ્ઠાતા દેવતા સ્વામી શિવાનંદજીનો દેહવિલય થયો છે. તારીખ ૧૪ જુલાઈની રાતે એમનું શરીર છૂટી ગયું છે. સ્વામીજીના દેશ તેમજ વિદેશમાં વસતા અસંખ્ય અનુયાયીઓ, ભક્તો, પ્રેમીજનો અને પ્રસંશકોને માટે એ સમાચાર ભારે મર્મઘાતક કે દુઃખદ ગણાય. એમના દેહવિલયથી હજારોએ પોતાના પ્રેરક અને પથપ્રદર્શક ખોયા છે તેમજ હજારોએ પોતાના શાંતિદાતા સદગુરુની છત્રછાયા ગુમાવી છે.
ભારતમાં છેલ્લાં સો વર્ષોમાં જે આધ્યાત્મિક અથવા તો સાંસ્કૃતિક નવનિર્માણ શરૂ થયું, તેમાં જે અસાધારણ પ્રતિભાસંપન્ન મહાપુરુષોનો આવિર્ભાવ થયો, તેમાંના સ્વામી શિવાનંદ એક હતા. ભારતીય સાધના કે સંસ્કૃતિના એ એક જ્વલંત જ્યોતિર્ધર હતા. વરસો સુધી એમણે એકાંતમાં રહીને સાધના કરી, અને એ પછી આશ્રમ, માસિક તેમજ પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ દ્વારા લોકોની સેવાના યજ્ઞમાં ફાળો આપ્યો. ભારતમાં ને ભારતની બહાર એક વર્ગ એવો હતો કે જે અંગ્રેજી ભાષામાં જ વાંચવા-વિચારવા ટેવાયેલો હતો. એ વર્ગને તર્કબદ્ધ શૈલીમાં ભારતનાં પ્રાચીન જ્ઞાન ને યોગસાધનાની આધુનિક આવૃતિ પૂરી પાડી, અને એ વર્ગને ધર્મ ને તત્વજ્ઞાનમાં રસ લેતો કર્યો. એમની એ સેવા કાંઈ ઓછી નથી. તે ઉપરાંત હિમાલયના વિલુપ્ત થતા જતા મહિમાને તાજો કરીને, વરસો સુધી એ એનું મુખ્ય આકર્ષણકેન્દ્ર બની રહ્યા. સુદૃઢ શરીર, શાંત, પ્રસન્ન ને પ્રકાશમય મુખમુદ્રા, ઉત્કટ સેવાભાવ, નમ્રતા ને અગાધ અનુકંપા, તથા ઉત્તમોત્તમ દાર્શનિક મેધાથી સંપન્ન એ મહાપુરુષ દેશ તેમજ દુનિયાની એક મૂલ્યવાન મૂડીરૂપ હતા એમાં સંશય નહિ; અને એમના સહવાસમાં અવારનવાર આવનારને એમની વિલક્ષણતા કે વિશેષતાનો પરિચય થતો.
ઈ.સ.૧૯૪૧ના આરંભમાં હૃષિકેશમાં મેં એમનું દર્શન કર્યું, તેમજ એમના આશ્રમમાં થોડા દિવસ નિવાસ કર્યો, ત્યારથી જ મને એમના અસાધારણ વ્યક્તિત્વની ઝાંખી કરવાનો યોગ પ્રાપ્ત થયો હતો. એ પછી બે વર્ષ પછી મેં બીજીવાર એમના આશ્રમની મુલાકાત લીધી ત્યારે વિશ્વનાથ મંદિર તથા ધ્યાનના હોલનું નિર્માણ થતું હતું. મને જોઈને સ્વામીજી દૂરથી મારી પાસે આવ્યા; અને મને એમણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. એથી મને અત્યંત આશ્ચર્ય થયું. પરંતુ એમાં આશ્ચર્ય જેવું કાંઈ જ ન હતું. સ્વામીજી કહેવા માગતા હતા કે જે વિશ્વનાથનું મંદિર પોતે બંધાવે છે તે વિશ્વનાથ સૌની અંદર રહેલા છે એમ માનીને પોતે પ્રણામ કરી રહ્યા છે. વરસો વીતી ગયાં છે. પરંતુ એ પ્રસંગમાં નીતરતી સ્વામીજીની નમ્રતાને હું આજે પણ નથી ભૂલી શક્યો. એવી નમ્રતા ને સમજ કોઈ વિરલ આત્મદર્શક પુરુષમાં જ હોઈ શકે.
ફરીવાર હું એમની પાસે નેપાળના રાજકુમાર સાથે ગયો હતો. ત્યારે મને એમના સ્વભાવનું એક બીજું જ પાસું જોવા મળ્યું. થોડીક યોગ તથા તત્વજ્ઞાનની વાતો કર્યા પછી સ્વામીજીએ રાજકુમારને કહ્યું : ‘વાતો તો પૂરી થઈ. અને બાકી હશે તો થશે. પરંતુ તમે આશ્રમને શું આપવા ધારો છો ? આશ્રમ તમારા જેવાના સહયોગથી જ ચાલે છે.’
રાજકુમારે કહ્યું કે ‘હજી હમણાં તો મદદ આપી છે.’ તો સ્વામીજી બોલ્યા : ‘તે તો ભૂતકાળ થયો. પરંતુ હવે વર્તમાનકાળનું શું ? દરેક વખતે કાંઈ ને કાંઈ મદદ આપવી જ જોઈએ. તમે નથી જોતા કે આશ્રમમાં કેટલી બધી લોકોપયોગી પ્રવૃત્તિઓ થઈ રહી છે ? તે પ્રવૃત્તિઓમાં તમે મદદરૂપ ના થાવ તો તમારું ધન શું કામનું છે ? મારે માટે તો મારે કશું લેવાનું નથી !’
છેવટે રાજકુમારને મદદ આપવા તૈયાર થવું પડ્યું.
*
આ પૃથ્વી પર એવા લોકોત્તર આત્માઓ કોઈ ધન્ય તથા વિરલ કાળે ને વિરલ સ્થળે પ્રકટ થાય છે. એમના દેહવિલયનો શોક કરવાનો ના હોય. એ તો મૃત્યુંજય છે. જીવન દ્વારા માનવતાનાં જે મૂલ્યો અને ઉચ્ચ જીવનના આદર્શોનો એ ઉપદેશ આપતા ગયા છે તે મૂલ્યો અને ઉચ્ચ જીવનના આદર્શોને જીવનમાં સાકાર કરવાનો પ્રયાસ કરીએ એ જ બરાબર છે. એવી રીતે આપણે એમના પ્રેમના ઋણમાંથી મુક્ત થઈ શકીએ. બાકી મૃત્યુ તો અવશ્યંભાવિ છે. આ પંચમહાભૂતનું શરીર જેણે ધારણ કર્યું તેણે છોડવાનું જ છે. એ તો સૃષ્ટિનો એક સ્વાભાવિક ક્રમ છે. એ શરીરધારણને સાર્થક કરનારાં સત્કર્મો કરીએ એ જ ઉચિત છે.
આશ્રમમાં દેશપરદેશના શ્રેયાર્થી છે. સદાવ્રત છે, પ્રેસ છે, પુસ્તકાલય છે, યુનિવર્સિટી છે, દવાખાનું અને આંખની સારવારનું કેન્દ્ર છે, પરંતુ શિવાનંદજી નથી. ભારતના આધ્યાત્મિક આકાશનો એ તેજસ્વી તારો ખરી પડ્યો છે. ભારત એથી દીન બન્યું છે. આપણે એમને મૂક અંજલિ આપીને પ્રણામ કરીએ ! ઈશ્વરને પ્રાર્થીએ કે લોકસેવાના વ્રતધારી એવા સંતો દેશમાં વધારે ન વધારે પ્રમાણમાં પેદા થાય !
- શ્રી યોગેશ્વરજી