રામકલીનો મેળાપ

‘તમારું નામ ?’

‘મારું નામ રામકલી.’

‘રામકલી ?’

‘હા.’

‘રામકલી નામ તો ઘણું સારું છે. તમારું મૂળ ગામ ?’

‘પ્રયાગ પિયર, રાજાપુર સાસરું.’

‘રાજાપુર સાસરું ?’

‘હા.’

‘રાજાપુર તો રામાયણના રચયિતા સંતશિરોમણિ તુલસીદાસનું જન્મસ્થાન.’

‘મારું લગ્નજીવન રાજાપુરની એ જ પવિત્ર ભૂમિમાં થયેલું. એને મારું સદભાગ્ય સમજું છું.’

‘પિયરમાં બીજું કોઈ નથી ?’

‘ઘણા છે પરંતુ શા કામના ? ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી.’

‘સાચેસાચ એવું છે ?’

‘હા. મારા મનમાં એ વસ્તુ દૃઢ થઈ ગઈ છે. એટલે તો પિયર સાસરાનો ત્યાગ કરીને હું અહીં રહું છું. ભગવાન કૃષ્ણની ભૂમિ-લીલાભૂમિ વૃંદાવનમાં.’

‘કોઈ તકલીફ તો નથી ?’

‘ના. ભગવાનની ભૂમિમાં શી તકલીફ હોય ? અહીં તો બધી રીતે આનંદ આનંદ જ છે. ભગવાનની કૃપા છે.’

આ વાર્તાલાપ કોની સાથેનો છે તેની કલ્પના કરી શકાય છે ? વૃંદાવનની રમણરેતીના રમણીય પવિત્ર પ્રદેશમાં આવેલા બાંકે બિહારી ભવનમાં એક નાનીસરખી ઓરડીમાં છેલ્લાં કેટલાંક વરસોથી વાસ કરતી પ્રૌઢાવસ્થાએ પહોંચેલી કૃષ્ણપ્રેમી સાધ્વી સ્ત્રી રામકલી સાથેનો. એ વાર્તાલાપ અથવા એમાં પ્રકટ થયેલા એ પવિત્ર સાધ્વીના ઉદગારો એના અંતરની ઉદાત્તતાને, એની સરળતાને, નિષ્કપટતાને, નિખાલસતાને તથા વૈરાગ્યવૃત્તિને સૂચિત કરે છે. એ ઉદગારો સહેલાઈથી અને સુસ્પષ્ટ રીતે કહી જાય છે કે રામકલી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી પરંતુ સર્વોત્તમ સંસ્કારસંપન્ન સન્નારી હતી. પૂર્વના કોઈક અસાધારણ અમીટ સંસ્કારવારસાથી પ્રેરાઈને સાંસારિક જીવનનો પરિત્યાગ કરીને કૃષ્ણ કૃપામૃતના અલૌકિક આસ્વાદ માટે એણે આ પ્રેમભક્તિપૂર્ણ પુરાણપ્રસિદ્ધ ભૂમિમાં પ્રવેશ કરેલો. ‘પૂરવ જનમની હું વ્રજગોપી’ એ મીરાંબાઈની ઉક્તિ અનુસાર વ્રજની કોઈ કૃષ્ણલીલાની રાગિણી, કૃષ્ણપ્રેમી ગોપી એના રૂપમાં પુનઃ પ્રકટી હોય એવો ભાસ થતો. એ ભૌતિક જગતના બીજા વિભાગોને માટે નહિ પરંતુ વૃંદાવનના ભક્તિરસ ભરપુર પ્રદેશને માટે જ જન્મી હોય એવું લાગી આવતું.

એ પવિત્ર ભક્તિભાવવાળી સાધ્વીનો બાહ્ય વેશ છેક જ સાધારણ હતો. એમાં કોઈ નોંધપાત્ર ઉલ્લેખનીય વિશેષતા નહોતી દેખાતી. એના શ્યામ, કોઈ પણ પ્રકારના આકર્ષણરહિત અંગ પર મેલા જેવો સફેદ સાલ્લો રહેતો. કપાળે તિલક તથા કંઠમાં તુલસીમાળા એનાં એકમાત્ર આભૂષણ હતાં. એનું અંગ મધ્યમ કદનું હતું. વાત કરતી વખતે એનામાં સ્ત્રીસહજ સંકોચ દેખાતો. એના અંગમાં કોઈ પ્રકારનું બાહ્ય આકર્ષણ ના હોવા છતાં પણ એના વદન પર ઊંડી અપાર્થિવ શાંતિ, પ્રસન્નતા, નિસ્પૃહતા અને એની આંખમાં ચમક દેખાતી. એની વાણીમાંથી વિશ્વાસ ટપકતો. એ સઘળા પરથી સમજાતું કે એનો આત્મા ઘણો ઉદાત્ત અથવા ઉત્તમ છે. અમારો એની સાથેનો સમાગમ પણ એકદમ આકસ્મિક રીતે થયો. તારીખ ૨૩ નવેમ્બર, ૧૯૭૨ને દિવસે અમે કાનપુરનો કાર્યક્રમ પૂરો કરીને વૃંદાવન ગયા ત્યારે શેઠ બિશનચંદના આગ્રહને માન આપીને બાંકે બિહારી ભવનમાં એમના અતિથિ બનેલા. એવી રીતે તે ભવનમાં એક તરફ રહેતી રામકલીનો મેળાપ અમારે માટે શક્ય બન્યો. પ્રથમ દૃષ્ટિએ તો રામકલીમાં કાંઈ વિશેષતા જેવું ના દેખાયું. અમે એના તરફ ખાસ ધ્યાન ના આપ્યું. પરંતુ બીજે દિવસે સવારે અમારી સાથેના એક ભાઈ આસનના અભાવે ઊભા રહેલા ત્યારે એણે એમને માટે ખુરશી લાવી આપી. એના એવી વિનમ્ર વ્યવહારને જોઈને અમને એને માટે માન પેદા થયું. એથી પ્રેરાઈને મેં એ સાધારણ જેવી દેખાતી સાધ્વી સાથે વાર્તાલાપ કરવાનો આરંભ કર્યો. આ લેખના આરંભમાં એ જ વાર્તાલાપને રજુ કરવામાં આવ્યો છે.

*

રામકલીના મુખમાંથી સહેજ પણ ગોઠવ્યા વિના છેક જ સ્વાભાવિક રીતે જે શબ્દો નીકળતા તે શબ્દો એ જન્મજાત સાધ્વીની નિખાલસતાને, નિર્મળતાને, શ્રદ્ધાને અને અંતરની ઉદાત્તતાને પ્રકટ કરનારા હતા. એને વાતવાતમાં સહજ રીતે પૂછવામાં આવ્યું કે અહીં રહીને ભજનસાધન અથવા આત્મોન્નતિની સાધના તો થાય છે ને ? તો એણે શિશુસહજ ભાષામાં માર્મિક રીતે ઉત્તર આપ્યો કે જીવથી ભજન શું બની શકે ? અહીં ભજનનો એટલો મહિમા નથી. અહીં તો ભૂમિની રજ છે, અને રજનો જ મહિમા છે. રજ મળી ગઈ એટલે થયું. જેને રજ મળી ગઈ તેનું બધી રીતે કલ્યાણ થયું.

આ ભૂમિમાં કોઈ સારા, મોટા સંત વસે છે ?

એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં રામકલીએ જણાવ્યું કે મોટા-નાના સંતની શી ખબર પડે ? સંત તો સૌ સરખા હોય છે. મોટા-નાના નથી હોતા. મારું મન એવા ભેદભાવમાં નથી પડતું.

કેટલો સરસ, સારગર્ભિત પ્રત્યુત્તર ? એવો સારવાહી પ્રત્યુત્તર એના વિના બીજું કોણ આપી શકે ? નાના કે મોટા સંતપુરુષોના વ્યર્થ વિવાદમાં પડવાનું એને જરા પણ પસંદ નહોતું પડતું. એની એ પદ્ધતિ અવનવી હોવા છતાં ખરેખર આવકારદાયક હતી. એમાં કશું જોખમકારક અથવા હાનિકારક ન હતું.

બીજે દિવસે રામકલી પાસેથી કેટલીક બીજી મહત્વની વાતો જાણવા મળી. એમનો ઉલ્લેખ રસપ્રદ હોવાથી કરી લઈએ.

રામકલીને વર્તમાન શાંત સુંદર સ્થાનમાં રહેવાનું કેવી રીતે થયું તે વિશે ભાવપૂર્ણ ભાષામાં જણાવ્યું : ‘ભગવાનની કૃપાથી જ સર્વ કાંઈ થતું હોય છે. એમની કૃપાથી જ હું અહીં આવી શકી છું. અહીં આવતાં પહેલાં મેં થોડોક વખત હરિદ્વાર તથા હૃષિકેશમાં ગાળેલો. અહીં આવીને પણ વરસો સુધી શ્યામાબાઈના આશ્રમમાં રહેતી અને આ મકાનમાં રહેતા એક સંતપુરુષની સેવા કરવા આવતી. એ સંત ખૂબ જ ભજનાનંદી હતા. એમનું સ્વાસ્થ્ય બગડ્યું અને એમના શરીરત્યાગનો સમય સંનિકટ આવ્યો ત્યારે એમણે આ મકાનના માલિકને બોલાવીને મારી વાત કરતાં કહ્યું કે તમે રામકલીને અહીં જીવનભર રહેવા દેવાની તૈયારી બતાવતા હો તો ઠીક. મને એથી આનંદ થશે, નહિ તો હું એની બીજે વ્યવસ્થા કરી દઉં. મારે આવતીકાલે શરીર છોડવાનું છે. મકાનના માલિકે મને આજીવન રહેવા દેવાની બાંયધરી આપી એથી એમને શાંતિ થઈ. છેલ્લા દિવસોમાં એ મારા પર ખાસ પ્રસન્ન હતા. બીજે દિવસે પોતાની પૂર્વ સુચનાનુસાર એમણે શરીરનો પરિત્યાગ કર્યો. મકાનના માલિકે એ પછી એમના જ ઓરડામાં મારી રહેવાની વ્યવસ્થા કરી દીધી. મારે જે સીધુંસામાન જોઈએ છે તે બાંકે બિહારના મંદિરના મુનિમ પાસેથી લઈ આવું છું. મકાનમાલિક એમને એમની અનુકૂળતા પ્રમાણે જે થાય છે તે રકમ ચુકવી દે છે.’

‘તમને કોઈ વાર બીજી આર્થિક મદદ મળી રહે છે ?’

‘મળી રહે છે.’ એણે જણાવ્યું, ‘કોઈવાર કોઈ મુલાકાતીઓ કે ભક્તો આવે છે તો મને મદદ કરે છે ખરા. એવી મદદને એકઠી કરીને હું લાંબે વખતે સાધુસંતોને કે ગરીબોને ખીચડી વગેરે ખવડાવી દઉં છું.’

‘ખવડાવી દો છો ?’

‘હા. ખવડાવી દઉં છું. મારે પૈસાને શું કરવા છે ? પૈસાનો બીજો શો ઉપયોગ છે ? મારા જીવનને તો ભગવાન સારી રીતે ચલાવી રહ્યા છે. પછી હું પૈસાને શા માટે એકઠા કરું ?’

એ ઉદગારો રામકલીના અંતરની ઉદાત્તતાને પ્રકટ કરી રહેલા. એમને સાંભળીને મને થયું કે એનો અંતરાત્મા ઘણો ઊંચો છે.

એને પૂછવામાં આવ્યું કે ભજન કરો છો, તો એણે એની લાક્ષણિક રીતે જણાવ્યું, ‘અહીં તો સૂવાનું પણ ભજન છે.’

‘સૂવાનું પણ ભજન ?’

‘હા. વ્રજની પરમપવિત્ર ભગવાનસેવિત ભૂમિમાં નાનીમોટી, સાધારણ દેખાતી કે અસામાન્ય લાગતી પ્રત્યેક ક્રિયા ભજન છે. આ ભૂમિમાં વસવું, વિચરવું ને શાંત થવું એ પણ ભજન છે. મને તો એ બધું ભજન જ લાગે છે.

*

રામકલીનું વ્યક્તિત્વ વિશદ, સરળ તથા દંભરહિત હતું. એણે સ્કૂલ કે કોલેજની કેળવણી નહોતી મેળવી તો પણ એની સદબુદ્ધિ, સમજ અને નિષ્ઠા ખૂબ જ પ્રસંશનીય હતી. એ કોઈ આશ્રમની અધિશ્વરી, મઠપતિ કે મહંત ન હતી. એની ખ્યાતિ પણ ક્યાંય નહોતી પ્રસરી. તો પણ એ એક નિષ્ઠાવાળી સાત્વિક સાધ્વી હતી એમાં સંદેહ નહોતો. એના સમાગમથી અને એની સાથેના સંભાષણથી અમને આનંદ થયો.

સવારે પોતાના નાનાસરખા નિવાસસ્થાનના પ્રાંગણમાં એ પારેવાંને દાણા નાખતી. એ પછી પૂજા માટે પુષ્પો તોડતી. નિત્ય કર્મમાંથી નિવૃત થઈને ભોજન બનાવતી. એ સઘળા સમય દરમ્યાન શાંતિથી ભાવમગ્ન બનીને ભજનો ગાતી કે ધૂન બોલતી. એનો કંઠ ખૂબ જ મધુર હતો. એ કહેતી કે વાણી છે જ ભગવાનના ગુણાનુવાદ માટે. એના ભક્તિમય સરળ જીવનને જોઈને વૃંદાવનમાં વરસો પહેલાં વસનારી પરમ પ્રેમમયી મીરાંની સ્મૃતિ થઈ આવતી. મીરાંની એ નાનીસરખી આવૃતિ હોય એવું લાગ્યા કરતું. વિશુદ્ધ ને વિશાળ વ્રજમંડળમાં એવી નાનીમોટી કેટલી મીરાંઓ રહેતી હશે તે કોણ કહી શકે ?

*

એક દિવસ એક કાષાયવસ્ત્રધારી સાધુએ અમારી પાસે આવીને કામળાની માગણી કરી. રામકલીએ એને કહ્યું કે કાલે તો એક કપડું અપાવ્યું છે ને સાધુ થઈને સંતોષ રાખવાને બદલે ફરી માગે છે ? સાધુ એ સાંભળીને થોડોક ખિસિયાણો પડી ગયો. એ યમુનાતટ પર વૃક્ષ નીચે પડી રહેતો. રામકલીએ એને માગવાનું મૂકી દઈને ભગવાનમાં વિશ્વાસ રાખીને ભજન કરવાની સલાહ આપી. એ વખતનું એનું સ્વરૂપ જોવા જેવું હતું. સાધુએ એની સલાહ સાંભળીને અસંતોષની અભિવ્યક્તિ કરતાં ચાલવા માંડ્યું.

રામકલીનો સમાગમ સાચેસાચ સુખદ થઈ પડ્યો. એ સમાગમ ચિરસ્મરણીય બનવા સારુ સર્જાયેલો. આજે પણ એ એવો જ તાજો છે. એ એક સાચી સાધ્વી હતી એમાં સંશય નથી. વ્રજમંડળના વિશાળ ઉપવનની એક અનોખી કળાત્મક કમનીય કળી.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.