Text Size

Shanti Parva

શ્રીકૃષ્ણનું ભીષ્મને વરદાન

શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરાદિ પાંડવો, કૃપાચાર્ય તથા સાત્યકિ સાથે ઓઘવતી નદીના વિશાળ તટ પર વિસ્તરેલા કુરુક્ષેત્રના પુણ્યપ્રદેશમાં જઇ પહોંચ્યા.

પોતપોતાના રમણીય રથમાંથી નીચે ઉતરીને પગપાળા ચાલીને, એ સઘળા શરશય્યા પર શયન કરી રહેલા ભીષ્મ પિતામહની પાસે પહોંચી ગયા.

શ્રીકૃષ્ણે એમને કુશળ સમાચાર પૂછ્યા તથા એમની સાથે જ્ઞાનયુક્ત વિવિધ વાર્તાલાપ કર્યો.

એમણે એમને ઉપસંહારમાં જણાવ્યું  કે તમારા વર્તમાન જીવનના ત્રીસ દિવસો હવે શેષ રહ્યા છે. તે ત્રીસ દિવસોમાં સો દિવસો દરમિયાન કરી શકાય તેટલું સત્કર્મ કરીને, તમારા પાર્થિવ શરીરને છોડીને તમે દિવ્યલોકમાં પ્રયાણ કરશો. તમારા દિવ્યલોકના પ્રયાણ પછી જગતનાં વિજ્ઞાનોનો સર્વ પ્રકારે નાશ થશે. એ હકીકતને સમજી લઇને આ સઘળા તમારી પાસેથી ધર્માધર્મનું ગૂઢ વિવેચન સાંભળવા અહીં એકઠા થયા છે. માટે સ્વજનોના સ્વર્ગવાસથી શોકિત યુધિષ્ઠિરને ધર્મ અને અર્થવિષયક સર્વોત્તમ શાસ્ત્રસંમત સ્વાનુભવસંપન્ન સદુપદેશ આપીને સંપૂર્ણપણે શોકમુક્ત કરો.

શ્રીકૃષ્ણના શબ્દો સાંભળીને ભીષ્મ પિતામહ હર્ષમાં મગ્ન બનીને બોલ્યા કે હું તમારી ઉપસ્થિતિમાં શું અને કેવી રીતે બોલી શકું ?

બાણોના પ્રહારને લીધે મારું મન વ્યથિત થઇ ગયું છે, શરીરના સર્વ અવયવોમાં ભારે વેદના થાય છે, અને મારી બુદ્ધિ પ્રસન્નતારહિત થઇ ગઇ છે. વિષ તથા અગ્નિ સમાન દાહ કરનારાં આ બાણોના પ્રહારને લીધે મને એટલી બધી પીડા થાય છે કે કોઇ જાતનું સંભાષણ કરવા માટે મારી પ્રતિભા કામ જ કરી શકતી નથી. મારામાં કોઇ જાતની સ્ફુર્તિ જ નથી.

મારું બળ મને જાણે છોડી જતું હોય તેમ લાગે છે. મારા પ્રાણો ઉતાવળ કરી રહ્યા છે. મારા મર્મભાગોમાં બળતરા થઇ રહી છે, અને મારું ચિત્ત ભ્રમિત થઇ ગયું છે. હું એટલો બધો શક્તિહીન થઇ ગયો છું કે અવિચ્છિન્ન રીતે બોલી શકતો નથી. માટે કૃપા કરી મને ક્ષમા કરો. તમારી સમક્ષ બોલતાં બૃહસ્પતિને પણ ભય ઉત્પન્ન થાય તો પછી મારી શી વિસાત ? મને દિશાઓનું, આકાશનું, પૃથ્વીનું પણ ભાન નથી. હું તો કેવળ તમારા વીર્યપ્રભાવથી આ સ્થિતિમાં પણ જીવી રહ્યો છું. માટે તમે જ ધર્મરાજાને જે કાંઇ હિતોપદેશ આપવો હોય તે આપો. તમે શાસ્ત્રોના પણ શાસ્ત્ર છો.

શ્રીકૃષ્ણે કહ્યું કે તમે જે કહ્યું તે યોગ્ય જ છે. હું તમને પ્રસન્નતાપૂર્વક વરદાન આપું છું. મારા પ્રસાદથી તમને ગ્લાનિ, મૂર્છા, દાહ, વ્યથા, ક્ષુધા કે તૃષા કોઇ જાતની અસર કરી શકશે નહીં. વળી હે નિર્દોષ ભીષ્મ ! તમારા અંતઃકરણમાં સર્વ પ્રકારનાં જ્ઞાન સ્ફુરશે અને તમારી બુદ્ધિ કોઇ વિષયમાં પણ સ્ખલન નહીં પામે. તમારું મન નિત્ય સત્વગુણમાં સ્થિર રહેશે, અને મેઘમંડળથી મુક્ત થયેલા ચંદ્રની જેમ રજોગુણ તથા તમોગુણથી મુક્ત રહીને નિર્મળ થશે. તમે જે કાંઇ ધર્મવિષયક અથવા અર્થવિષયક ચિંતન કરશો તેમાં તમારી બુદ્ધિ સર્વોત્તમ રીતે આગળ વધશે. નિર્મળ જળમાં માછલી જેમ સર્વ પદાર્થોને જાઇ શકે છે - તમે જન્મમરણ પામતી પ્રજાઓને જ્ઞાનદૃષ્ટિ દ્વારા યથાર્થ રીતે જોઇ શકશો.

તે પછી વ્યાસાદિ મહર્ષિઓએ ઋગવેદ, યજુર્વેદ અને સામવેદનાં મંત્રવચનોથી શ્રીકૃષ્ણની સ્તુતિ કરી.

શ્રીકૃષ્ણ તથા પાંડવો ભીષ્મ પિતામહની આજ્ઞા લઇને તેમની પ્રદક્ષિણા કરીને પોતપોતાના સુંદર રથો પર બેઠા, અને હસ્તિનાપુરમાં પ્રવેશ કરીને રાજપ્રાસાદમાં વિશ્રામ કરવા લાગ્યા.

મહાભારતનો એ પ્રસંગ શ્રીકૃષ્ણની લોકોત્તર શક્તિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. એ અસામાન્ય અલૌકિક શક્તિને લીધે જ એ ભીષ્મ પિતામહને ક્લેશમુક્ત કરી શક્યા. શ્રીકૃષ્ણના વ્યક્તિત્વને સંપૂર્ણપણે સમજવા માટે એ પ્રસંગનું પરિશીલન ઉપયોગી થઇ પડે તેવું છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok