Text Size

Shanti Parva

ભીષ્મ પિતામહ પાસે

મહાભારતના શાંતિપર્વની અંતર્ગત આવેલા રાજધર્માનુશાસન પર્વના પ3માં અધ્યાયના આરંભમાં કરાયેલું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણની દિનચર્યા સાથે આંશિક સંબંધ ધરાવતું હોવાથી સવિશેષ મહત્વ ધરાવે છે. એ દૃષ્ટિએ એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરીએ તો એ અસ્થાને નહિ લેખાય.

એ વર્ણન પ્રમાણે મધુસૂદન શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમાં પ્રવેશીને રાતે શયનમંદિરમાં નિદ્રાધીન થયા અને અર્ધપ્રહર જેટલી રાત શેષ રહી ત્યારે જાગ્રત થયા.

એમણે સઘળી જ્ઞાનેન્દ્રિયોને તથા બુદ્ધિને સ્થિર કરીને ધ્યાનમાં પ્રવેશીને પરબ્રહ્મ પરમાત્માની અંદર પોતાના મનને મુક્ત કર્યું.

તે ધ્યાનાદિક ક્રિયા થઇ રહી એટલે સ્તુતિની પદ્ધતિને તથા પુરાણને જાણનારા, સારી પેઠે કેળવાયેલા, પ્રાભાતિક મંગલપાઠકો જગતના સ્ત્રષ્ટા પ્રજાના પતિ શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા.

મૃદંગ વગાડનારા ગવૈયાઓ મંગલપાઠો ભણવા લાગ્યા, પ્રભાતિયાં ગાવા લાગ્યા, અને બીજા હજારો વાદક પુરુષો શંખ, મૃદંગ જેવાં વાદ્યો વગાડવા લાગ્યા.

વીણા, પણવ, વાંસળી જેવા વાજિંત્રોનો અતિ મનોહર સ્વર જાણે શ્રીકૃષ્ણના રાજમહેલનો વિસ્તીર્ણ હાસ્યધ્વનિ હોય તેમ, સર્વ તરફ સંભળાવા લાગ્યો.

શ્રીકૃષ્ણે સ્નાન કર્યું. ગુપ્તમંત્રનો જપ કર્યો. અને અગ્ન્યાધાન કરીને નિત્યકર્મના અંગભૂત હોમ કર્યો. એ પછી એમણે ચારે વેદોને જાણનારા એક હજાર બ્રાહ્મણોને એકેક હજાર ગાયોનું દાન આપ્યું, અને બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિવચન કરાવ્યું.

એ પછી એમની સૂચના પ્રમાણે યુધિષ્ઠિરે અર્જુન સાથે ભીષ્મ પિતામહ પાસે પહોંચવા માટે પ્રયાણ કર્યું.

સારથિ દારુકે બલાહક, મેઘપુષ્પ, શૈબ્ય અને સુગ્રીવ નામના શ્રીકૃષ્ણના ઘોડાઓને હંકાર્યા એટલે તે મહાબળવાન ઘોડાઓ આકાશને ગળી જતા હોય તેમ અતિશય વેગથી પૃથ્વીને ખરીઓથી ખોદી નાખતા આગળ વધવા લાગ્યા.

જોતજોતામાં તો મહાસમર્થ ભીષ્મ બાણશય્યામાં પોઢયા હતા ત્યાં કુરુક્ષેત્રમાં તે મહાપુરુષો આવી પહોંચ્યા.

ભીષ્મ પિતામહના દર્શન થતાંની સાથે જ શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર, ભીમસેન, નકુલ, સહદેવ તથા સાત્યકિ પોતપોતના રથોમાંથી ઊતરી પડયા.

ભીષ્મ પિતામહ વીરશય્યામાં સૂતા હતા ત્યારે નારદજી જેવા કેટલાયે ઋષિઓ કુરુક્ષેત્રમાં આવ્યા હતા.

દિવ્ય જ્ઞાનસંપન્ન દેવર્ષિ નારદે પાંડવોને તથા યુદ્ધના અંતે બચી ગયેલા રાજાઓને જણાવ્યું કે ભીષ્મને તમારે જે વિષયના પ્રશ્નો પૂછવા હોય તે પૂછી લો કારણ કે તેઓ સૂર્યની પેઠે અસ્ત પામવાની તૈયારી પર છે. તેઓ પ્રાણત્યાગ કરવા ઇચ્છે છે.

દેવર્ષિ નારદે એ પ્રમાણે કહ્યું ત્યારે સર્વ રાજાઓ પોતપોતાના પ્રશ્નો પૂછવા માટે ભીષ્મ સમીપે ગયા.

યુધિષ્ઠિરની વિનતિને માન આપીને શ્રીકૃષ્ણે ભીષ્મ પિતામહની પાસે પહોંચીને તેમના કુશળ સમાચાર પૂછ્યા તો ભીષ્મે જણાવ્યું કે મારા શરીરમાં દાહ, મોહ, શ્રમ, દુઃખ, ગ્લાનિ અને વ્યથા થતાં હતાં તે તમારી કૃપાથી નાશ પામ્યાં છે. હે પરમ તેજસ્વી પ્રભુ ! ભૂતકાળના, ભવિષ્યના તથા વર્તમાનકાળના સર્વ વિષયોને હું હાથમાં રહેલા ફળની પેઠે પ્રત્યક્ષ જોઇ શકું છું. હે અચ્યુત ! તમારા વરપ્રદાનના પ્રભાવથી વેદ અને વેદાંતમાં કહેલા ધર્મોનુ જ્ઞાન હું સારી પેઠે જાણી શક્યો છું. હે જનાર્દન ! શિષ્ટપુરુષોએ જે ધર્મનું પ્રવચન કર્યું છે તે મારા હૃદયમાં જ છે; અને દેશ તથા જાતિ તથા કુળના ધર્મોનું પણ મને જ્ઞાન થઇ ગયું છે. ચારે આશ્રમોના ધર્મોમાં જે અર્થ રહ્યો છે, તે તથા રાજાઓના સમગ્ર ધર્મોને પણ હું જાણી શક્યો છું. માટે હે જનાર્દન ! હવે જે વિષયના સંબંધમાં જે કાંઇ કહેવું હશે તે બધું હું કહી શકીશ. કારણ કે તમારા અનુગ્રહથી મારા અંતઃકરણમાં શુભ બુદ્ધિએ નિવાસ કર્યો છે. તમારા ધ્યાનના બળથી હું એક તરુણ મનુષ્યના જેવો બળવાન બની ગયો છું. તમારી કૃપાથી સર્વ વિષયોનો શ્રેયસ્કર ઉપદેશ આપવા સમર્થ છું. પરંતુ તમે પોતે જ યુધિષ્ઠિરને કલ્યાણમાર્ગનો ઉપદેશ કેમ નથી આપતા ?

શ્રીકૃષ્ણે જણાવ્યું કે હું જ યશનું તથા શ્રેયનું મૂળ છું. સર્વ સત્-અસત્ પદાર્થોની મારામાંથી જ ઉત્પત્તિ થઇ છે. ચંદ્રના કિરણો શીતળ હોય છે એમ કહેવાથી કોને વિસ્મય થાય ? મારા યશની પરિપૂર્ણતાના સંબંધમાં કોને આશ્ચર્ય થાય છે ? પરંતુ મારે તમારા યશને વિશ્વમાં વિસ્તારવો છે. માટે જ મેં તમને વિશાળ બુદ્ધિ અર્પણ કરી છે. જ્યાં સુધી પૃથ્વી અચળ રહેશે ત્યાં સુધી તમારી કિર્તી પણ અક્ષય કહીને સર્વલોકમાં સંચાર કરશે. યુધિષ્ઠિરને તમે જે હિતોપદેશ આપશો તે વેદવચનની પેઠે સર્વસામાન્ય થઇને પૃથ્વી પર સ્થિર રહેશે. તમારા તે હિતોપદેશને પ્રમાણ માનીને જે મનુષ્ય પોતાના અંતઃકરણને પરમાત્માની સાથે જોડી દે તે મનુષ્ય પોતાના મરણ પછી સર્વ પ્રકારનાં પુણ્યફળોનો અનુભવ કરશે. તમારી કિર્તી જગતમાં વિસ્તારને પામે. એવો વિચાર કરીને મેં તમારામાં દિવ્યબુદ્ધિને સ્થાપિત કરી છે; યુદ્ધમાંથી ઊગરેલા રાજાઓ પોતાના ધાર્મિક સંશયો સાથે તમારી આસપાસ બેસી ગયા છે; માટે તેમને ધર્મોપદેશ આપો, તમે વયોવૃદ્ધ છો. શાસ્ત્રોક્ત આચાર અને જ્ઞાનથી સંપન્ન છો, તથા વર્ણાશ્રમના ધર્મોમાં તથા રાજાઓના ધર્મોમાં કુશળ છો. જન્મથી આરંભીને આજ દિન પર્યંત તમારામાં કોઇ પણ જાતનું પાપ કોઇ પણ વ્યક્તિના જોવામાં આવ્યું નથી. તેમ જ સર્વ રાજાઓ પણ તમને સર્વ ધર્મોના જ્ઞાતા જાણે છે. માટે તે રાજાઓને પિતા જેમ પુત્રને નીતિનું શિક્ષણ આપે તેમ તમે ધર્મનું શિક્ષણ આપો.

શ્રીકૃષ્ણના આદેશને અનુસરીને ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરના જિજ્ઞાસામૂલક ધર્મવિષયક પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા તૈયાર થયા.

શ્રીકૃષ્ણે પોતે સઘળા પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તરો પ્રદાન કરી શકે તેમ હોવા છતાં ભીષ્મ પિતામહના યશને વિસ્તારવા માગતા હતા. એની સ્પષ્ટતા એમણે પોતે જ કરી. એ વસ્તુ કેટલી બધી રોચક તથા પ્રેરક છે. મહાપુરુષો અન્યના ગુણદર્શનથી પ્રસન્નતા પામે છે, પોતાના યશને બદલે અન્યના યશને વધારવાની ઇચ્છા રાખે છે, ને પ્રવૃત્તિ કરે છે. શ્રીકૃષ્ણના ઉદગારો પરથી અને એ ઉદગારો પછીની પવિત્ર પ્રવૃત્તિ પછી એ સ્પષ્ટ થાય છે.

શ્રીકૃષ્ણની અલૌકિક શક્તિને લીધે ભીષ્મ પિતામહને સંજીવન સાંપડ્યું. એની પ્રતીતિ ભીષ્મના પોતાના શબ્દો પરથી થઇ રહે છે.

શ્રીકૃષ્ણે વર્ણવેલી ભીષ્મ પિતામહના વ્યક્તિત્વની વિશદતા અને દેવર્ષિ નારદે એમના સંબંધમાં ભાખેલી ભવિષ્યવાણી ખાસ નોંધપાત્ર છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok