अग्निर्यत्राभिमथ्यते वायुर्यत्राधिरुध्यते ।
सोमो यत्रातिरिच्यते तत्र सञ्जायते मनः ॥६॥
agnir yatrabhimathyate vayur yatradhirudhyate ।
somo yatratirichyate tatra sanjayate manah ॥ 6॥
શરીર સ્થિર રાખીને થાયે ૐકારતણો જપ ને ધ્યાન,
પ્રાણવાયુનો નિરોધ થાયે, ત્યારે પ્રકટે છે રસ ગાઢ;
એ જ સોમરસ આનંદ મહા, તેનું કરી કરીને પાન,
મન સંપૂર્ણ વિશુદ્ધ બને છે, બની જાય છે નવલ સમાન. ॥૬॥
અર્થઃ
યત્ર - જે દશામાં
અગ્નિઃ - પરમાત્મારૂપી પરમ અગ્નિને (મેળવવા માટે)
અભિમધ્યતે - ઓમકારના જપ તથા ધ્યાનથી મંથન કરવામાં આવે છે.
યત્ર - જ્યાં
વાયુઃ અધિરુધ્યતે - પ્રાણવાયુનો સમ્યક નિરોધ થાય છે.
યત્ર - જ્યાં
સોમઃ - આનંદરૂપ સોમરસ
અતિરિચ્યતે - અધિક પ્રમાણમાં પ્રકટે છે.
તત્ર - તે દશામાં
મનઃ - મન
સંજાયતે - સંપૂર્ણ શુદ્ધ થઇ જાય છે.
ભાવાર્થઃ
ધ્યાનના અનોખા અભ્યાસનો આધાર લઇને આગળ વધવાથી જે અલૌકિક અતીન્દ્રિય અવસ્થાની અનુભૂતિ થાય છે એનો સામાન્ય ખ્યાલ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે, એ અતીન્દ્રિય અવસ્થાની અનુભૂતિ થવાથી મનનો રહ્યોસહ્યો મેલ પણ દૂર થાય છે, વિષયવતી વૃતિ અથવા વિષયોની રહીસહી રસવૃતિ મટી જાય છે, ને મન સંપૂર્ણ શુદ્ધ થાય છે એટલે આત્મદર્શન સહજ બને છે. ઓમકારના જપનો ધ્યાનમાં આધાર લઇને સાધક પરમાત્માના સાક્ષાત્કારની શુભેચ્છાથી આગળ વધે છે ત્યારે મન એકાગ્ર થવા માંડતાં પ્રાણવાયુની પ્રક્રિયા શાંત થાય છે. પ્રાણવાયુનો નિરોધ થાય છે. એ વખતે એની અંદરથી આનંદનો અખંડ અનંત ઓઘ પ્રકટે છે. એ અલૌકિક આનંદામૃતના આસ્વાદથી જીવન ધન્ય બને છે.

