Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वेदाहमेतं पुरुषं महान्त-मादित्यवर्णं तमसः परस्तात् ।
तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥८॥

vedahametam purusam mahanta-
madityavarnam tamasah parastat ।
tameva viditvatimrtyumeti
nanyah pantha vidyate'yanaya ॥ 8॥

અજ્ઞાનરૂપી અંધકારથી અતીત એ પરમાત્માને,
જાણું છું હું, સૂર્યસમો છે પ્રકાશ જેનો તે પ્રભુને;
તેને જાણે તે જ માનવી મૃત્યુથકી પર થાયે છે,
અમૃતપદનો અન્ય માર્ગ ના, માર્ગ એક આ સાચે છે. ॥૮॥

અર્થઃ

તમસઃ પરસ્તાત્ - અવિદ્યારૂપી અંધકારથી અતીત
આદિત્યવર્ણમ્ - સૂર્યની પેઠે પરમ પ્રકાશવાળા
એતમ્ - આ
મહાન્તમ્ પુરુષમ્ - મહાન પરમપુરુષ પરમાત્માને
અહમ્ - હું
વેદ - જાણું છે.
તમ્ - એમને
વિદિત્વા - જાણીને
એવ - જ
મૃત્યુમ્ - મૃત્યુને
અત્યેતિ - (અતિ+એતિ) ઓળંગી જાય છે.
અયનાય - પરમપદની પ્રાપ્તિને માટે
અન્યઃ - બીજો
પન્થાઃ - માર્ગ
વિદ્યતે ન - છે નહીં.

ભાવાર્થઃ

પરમાત્માની પ્રાપ્તિ કરીને જીવનને કૃતાર્થ કરી ચુકેલા મહાપુરુષોએ એમના અનુભવની અક્ષરદેહમાં અભિવ્યક્તિ ના કરી હોત તો સંસાર એ વિશે એકદમ અજ્ઞાત રહી જાત. આજે આપણી પાસે પરંપરાગત રીતે જે થોડુંક અગત્યનું અક્ષર આધ્યાત્મિક અનુભવધન આવ્યું છે તે પણ આવ્યું ના હોત. કોઇપણ પ્રકારની અહંતા અથવા લૌકિક સ્વાર્થની લાલસા વિના એમણે એમના અનુભવોની અભિવ્યક્તિ સર્વથા સહજ રીતે કરી છે. એથી સાધકોનું અને ઇતર જનોનું શ્રેય સધાયું છે. એમને પ્રેરણા મળી છે ને લાભ પહોંચ્યો છે. આ શ્લોક એવા જ એક આધ્યાત્મિક અનુભવપ્રાપ્ત, આપ્તકામ મહાપુરુષના અનુભવનો દસ્તાવેજી પુરાવા જેવો છે. એમાં એ મહાપુરુષ જણાવે છે કે મેં પરમપુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એ પરમાત્મા સૌથી મહાન, સૂર્યસદૃશ પ્રકાશવાળા અને અવિદ્યારૂપી અંધકારથી અતીત છે. એમને એ અંધકાર કદી સ્પર્શ્યો નથી અને સ્પર્શવાનો પણ નથી. પરમપદની પ્રાપ્તિ એમને ઓળખ્યા વિના નથી થઇ શકતી. એમને જાણ્યા વિના મૃત્યુંજય નથી થઇ શકાતું. ઋષિ અનુભવના આધાર પર દૃઢતાપૂર્વક કહે છે કે બીજો કોઇ જ માર્ગ નથી.

આ શ્લોક ઉપનિષદના સનાતન સારગર્ભિત સાહિત્યભંડારનો અમર, સરસ, સુંદર શ્લોક છે. અવારનવાર યાદ કરવા જેવો છે.