अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये सन्निविष्टः ।
हृदा मनीषा मनसाभिक्लृप्तो य एतद् विदुरमृतास्ते भवन्ति ॥१३॥
angusthamatrah puruso'ntaratma
sada jananam hrdaye sannivistah ।
hrda manisa manasabhiklrpto
ya etad viduramrtaste bhavanti ॥ 13॥
મનુષ્યના હૃદયે તે રે’છે અંગુઠાસમું માપ લઈ,
અંતર્યામી પરમાત્મા તે છે સૌના મનના સ્વામી;
નિર્મલ મન ને અંતરથી તે ધ્યાન કર્યે પ્રત્યક્ષ બને,
જે તેને જાણી લે છે તે બંધમુક્ત ને અમર બને. ॥૧૩॥
અર્થઃ
અંગુષ્ટમાત્રઃ - અંગુષ્ટ બરાબર માપવાળા
અન્તરાત્મા - અંતર્યામી
પુરુષઃ - પરમ પુરુષ પરમાત્મા
સદા - સદા
જનાનામ્ - માનવોના
હૃદયે - હૃદયમાં
સંનિવિષ્ટઃ - સારી રીતે રહેલા છે.
હૃદા - નિર્મળ હૃદય (અને)
મનસા - પવિત્ર સ્થિર મનથી
અભિક્લુપ્તઃ - ધ્યાનમાં લાવવાથી (પ્રત્યક્ષ થાય છે)
યે - જે
અમૃતાઃ - અમર
ભવન્તિ - થાય છે.
ભાવાર્થઃ
માનવનું હૃદય અંગૂઠાના માપનું છે અને એમાં પરમપુરુષ પરમાત્માનો વાસ હોવાથી પરમાત્માને અંગૂઠાના માપના કહેવામાં આવે છે. એ માનવના હૃદયમાં સુચારુરૂપે રહેલા હોવાથી, એમના દર્શન માટે અંતર્મુખ થવું આવશ્યક છે. એ અંદર હોવાથી એમના અવલોકનનો પ્રયાસ પણ અંદર જ કરાવો જોઇએ. એવા સાધનાત્મક પ્રયાસની સુખદ સફળતા માટે હૃદયને નિર્મળ તથા મનને સાત્વિક, સદગુણી, સદવિચારસંપન્ન તથા સ્થિર કરતાં ધ્યાનના અભ્યાસમાં આગળ વધવું જોઇએ. એવા અંતરંગ અભ્યાસના પરિપાકરૂપે પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બને છે ત્યારે સાધક અમૃતમય થઇને જીવનનો ઉત્સવ કરે છે.