महान् प्रभुर्वै पुरुषः सत्वस्यैष प्रवर्तकः ।
सुनिर्मलामिमां प्राप्तिमीशानो ज्योतिरव्ययः ॥१२॥
mahan prabhurvai purusah satvasyaisa pravartakah ।
sunirmalamimam praptimisano jyotiravyayah ॥ 12॥
સૌના સ્વામી, સમર્થ, પ્રભુ આ અવિનાશી ને જ્યોતિસ્વરૂપ,
પોતાની પ્રાપ્તિને માટે સૌનાં ઉર ખેંચે છે ખૂબ.
આકર્ષણ તે કરે છતાંયે જીવ ન તેને પ્રાપ્ત કરે,
પ્રાપ્તિકાજ ચેષ્ટાય કરે ના, તેથી તેને સુખ ન મળે. ॥૧૨॥
અર્થઃ
વૈ - સાચેસાચ
એષઃ - આ
મહાન્ - મહાન
પ્રભુઃ - સમર્થ
ઇશાનઃ - સૌના શાસક
અવ્યયઃ - અવિનાશી
જ્યોતિઃ - પ્રકાશસ્વરૂપ
પુરુષઃ - પરમપુરુષ પરમાત્મા
ઇમામ્ સુનિર્મલામ્ પ્રાપ્તિમ્ (પ્રતિ) - પોતાની પ્રાપ્તિરૂપી આ અત્યંત પવિત્ર લાભ તરફ
સત્વસ્ય પ્રવર્તકઃ - અંતઃકરણને પ્રેરનારા છે.
ભાવાર્થઃ
પરમાત્મા સૌથી મહાન છે, સર્વોત્તમ છે, સર્વસમર્થ છે. સમસ્ત સંસાર પર શાસન કરે છે. અવિનાશી છે, પ્રકાશ સ્વરૂપ છે. એ પરમપુરુષ પરિપૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પ્રત્યેક આત્માને એમના તરફ આકર્ષે છે, એક અથવા બીજી રીતે પોતાની પાસે પહોંચવાની પ્રેરણા પૂરી પાડે છે. જીવન એ પ્રેરણાને ઝીલીને પરમાત્માની પાસે પહોંચવા માટે જ છે. જે જીવો એ પ્રેરણાને ઝીલીને એને અનુસરીને નથી ચાલતા એ અંધકારમાં અટવાઇને દુઃખી થાય છે. જે બડભાગી જીવો એને અનુસરે છે એ સર્વપ્રકારે સુખી અને શાંત બને છે.