सर्वतः पाणिपादं तत् सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥१६॥
sarvatah panipadam tat sarvato'ksisiromukham ।
sarvatah srutimalloke sarvamavrtya tisthati ॥ 16॥
બધે હાથ ને પગ છે તેના, બધે આંખ, શિર ને મુખ છે,
બધે કાન છે તેના, જગમાં સર્વમહીં તે વ્યાપક છે. ॥૧૬॥
અર્થઃ
તત્ - તે પરમાત્મા
સર્વતઃ પાણિપાદમ્ - સર્વત્ર હાથપગવાળા
સર્વતોઙક્ષિશિરોમુખમ્ - સર્વત્ર આંખ, મસ્તક તથા મુખવાળા
સર્વતઃ શ્રુતિમત્ - સર્વત્ર કાનવાળા (અને)
લોકે - બ્રહ્માંડમાં
સર્વમ્ - સૌને
આવૃત્ય - બધી બાજુથી ઘેરીને
તિષ્ઠતિ - રહેલા છે.
ભાવાર્થઃ
પરમાત્મા વિશેનો આ શ્ર્લોક ગીતાના તેરમા અધ્યામાં અક્ષરશઃ જોવા મળે છે. એનો ભાવાર્થ એવો છે કે પરમાત્મા સર્વદેશીય, સર્વવ્યાપક કે સર્વગત છે. એ સર્વત્ર હાથપગવાળા હોવાથી એક હોવા છતાં અનેકની રક્ષા કરે છે. અને અનેકની ભોગસામગ્રીને સ્વીકારે છે. સર્વત્ર કાનવાળા હોવાથી સૌની વાતોને સાંભળે છે. એમનાથી કશું પણ છૂપું નથી રાખી શકાતું. એ સર્વત્ર, સૌને વ્યાપીને વિરાજેલા છે. એમનો એવો અસાધારણ મહિમા જાણીને સમજુ માનવે જીવનના શ્રેય માટે એમનું શરણ લેવું જોઇએ. એમને જ ભજવું જોઇએ.