अणोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः ।
तमक्रतुः पश्यति वीतशोको धातुः प्रसादान्महिमानमीशम् ॥२०॥
anoraniyan mahato mahiya-
natma guhayam nihito'sya jantoh ।
tamakratuh pasyati vitasoko
dhatuh prasadanmahimanamisam ॥ 20॥
સુક્ષ્મથકી તે સુક્ષ્મ છે વળી, મહાનથી પણ ખૂબ મહાન,
તે પરમાત્મા જીવતણી છે હૃદયગુફામાં ગુપ્ત સદાય;
સંકલ્પ નથી જેને એવા તે પ્રભુને જે જાણી લે,
તેના મહિમાને જાણી લે દુઃખબંધન તે કાપી લે. ॥૨૦॥
અર્થઃ
અણોઃ અણીયાન્ - (એ) સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ
મહતઃ - મહીયાન્ - મોટાથી પણ મોટા
આત્મા - પરમાત્મા
અસ્ય જંતોઃ - આ જીવની
ગુહાયામ્ - હૃદયરૂપી ગુફામાં
નિહિતઃ - છૂપાયેલા છે.
ધાતુઃ - સૌનું સર્જન કરનાર પરમાત્માની
પ્રસાદાત્ - કૃપાથી
તમ્ - એ
અંક્રતુમ્ - સંકલ્પરહિત
ઇશમ્ - પરમાત્માને
મહિમાનમ્ - એમના મહિમાને
પશ્યતિ - જે જુએ અથવા અનુભવે છે. (તે)
વીતશોકઃ - શોક, મોહ, તથા દુઃખથી મુક્તિ મેળવે છે.
ભાવાર્થઃ
સંસારમાં મોટેભાગે સર્વત્ર શોક, મોહ, બંધન, દુઃખ, અશાંતિ દેખાય છે. મોટાભાગના માનવો એમાં ડૂબેલા અથવા એનાથી ઘેરાયેલા છે. એમાંથી કાયમી મુક્તિ કેવી રીતે મળે ? સનાતન સુખશાંતિને કેવી રીતે પામી શકે ? ઇશ્વરના મહિમાને અને ઇશ્વરને જાણવાથી અથવા ઓળખવાથી જ. એના સિવાય બીજો કોઇ જ અમોઘ અકસીર ઉપાય નથી. એ પરમાત્માને ઓળખવા માટે ક્યાંય દૂર જવું પડે એમ નથી. એ હૃદયરૂપી ગુફામાં વિરાજેલા છે. એમનું દર્શન ત્યાં કરવું જોઇએ. એ પરમાત્મા સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાની સાથે મોટામાં મોટા છે, સૌને સર્જનારા અને સંકલ્પરહિત છે. એમને એમના અસાધારણ અનુગ્રહથી જ જોઇ, ઓળખી અથવા અનુભવી શકાય છે. સાધકે એમના અનુગ્રહને માટે નમ્રાતિનમ્ર બનીને, શરણાગતિપૂર્વક સરળભાવે પ્રાર્થવું જોઇએ. ભક્તિભાવસહિત પ્રાર્થના ને પુરુષાર્થ કરવાથી એમની કૃપાનો લાભ મળે છે.