अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीः प्रजाः सृजमानां सरूपाः ।
अजो ह्येको जुषमाणोऽनुशेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः ॥५॥
ajamekam lohitasuklakrishnam
bahvih prajah srjamanam sarupah ।
ajo hyeko jusamano'nusete
jahatyenam bhuktabhogamajo'nyah ॥ 5॥
સત્વ, રજ અને તમ ગુણવાળી અપરા પ્રકૃતિ છે પ્હેલી,
તેમાંથી સૌ પદાર્થ બનતા, ત્રણરંગી પણ તે જ કહી;
બીજી પ્રકૃતિ પરા કહી છે, જીવથકી તે બનેલ છે,
જીવ ભોગવે અપરા સાથે મળી કર્મનાં ફલ સર્વે.
પરંતુ જે છે જ્ઞાનીજન તે પ્રકૃતિને વશ થાયે ના,
સાર લઈ તેને છોડી દે, બંધનમાં બંધાયે ના. ॥૫॥
અર્થઃ
સરૂપાઃ - પોતાના જેવી અથવા ત્રિગુણાત્મિકા
બહ્યીઃ - પુષ્કળ
પ્રજાઃ - ભૂતસમુદાયોને
સૃજમાનામ્ - રચનારી
લોહિતશુકલકૃષ્ણામ્ - લાલ, સફેદ, કાળા રંગની અથવા ત્રિગુણમયી
એકામ્ - એક
અજામ્ - અજા, અજન્મા, અનાદિ પ્રકૃતિને
હિ - ખરેખર
એકઃ - એક
અજઃ - અજ (અજ્ઞાની જીવ)
જુષમાણઃ - આસક્ત બનેલો
અનુશેતે - ભોગવે છે. (અને)
અન્યઃ - અન્ય
અજઃ - અજ (અજ્ઞાની મહાપુરુષ)
એનામ્ - એ
ભુક્તભોગામ્ - ભોગવેલી પ્રકૃતિને
જહાતિ - ત્યાગે છે.
ભાવાર્થઃ
આ શ્લોકની પહેલાંના શ્લોકમાં પરમાત્માને પ્રકૃતિના અધીશ્વર કહ્યા છે. એ પ્રકૃતિ ગીતામાં વર્ણવ્યા પ્રમાણે અપરા અને પરા - બે પ્રકારની છે. અપરા પ્રકૃતિ આઠ પ્રકારની ને પરા પ્રકૃતિ એક હોવાથી પ્રકૃતિને નવધા કહેવામાં આવે છે. સત્વ, રજ, તમ - ત્રિવિધ ગુણવાળી હોવાને લીધે એને ત્રિગુણાત્મિકા પણ કહે છે. સત્વગુણ શુદ્ધિનો સૂચક હોવાથી સફેદ મનાય છે. રજોગુણ રાગાત્મક હોવાથી લાલ કહ્યો છે, અને તમોગુણ પ્રમાદ, મોહ અથવા અજ્ઞાનરૂપ હોવાથી કૃષ્ણવર્ણનો ગણાય છે. એ ગુણોને લીધે જ પ્રકૃતિને શ્વેત, લાલ અને કૃષ્ણ વર્ણની વર્ણવેલી છે. પરા પ્રકૃતિમાં જીવનો સમાવેશ કરવામાં આવે છે. એના પણ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એક પ્રકાર તો એવા પ્રાકૃત જીવોનો છે જે પ્રકૃતિના ગુણધર્મોમાં કે રૂપ રંગોમાં આસક્ત થઇને એના ભોગોને ભોગવે છે ને સુખદુઃખને અનુભવે છે. બીજા પ્રકાર જ્ઞાની મહાપુરુષોનો છે જેમણે પ્રકૃતિના ભોગોને ભોગવીને, એમને અસાર સમજીને આખરે તેમનો ત્યાગ કર્યો છે. એ બંને પ્રકારના પ્રાકૃત અને અપ્રાકૃત જીવો અજન્મા અને અનાદિ છે. એટલા માટે પરા પ્રકૃતિને અજ કહેવામાં આવે છે.