छन्दांसि यज्ञाः क्रतवो व्रतानि भूतं भव्यं यच्च वेदा वदन्ति ।
अस्मान् मायी सृजते विश्वमेतत्तस्मिंश्चान्यो मायया सन्निरुद्धः ॥९॥
chhandamsi yajnah kratavo vratani
bhutam bhavyam yaccha veda vadanti ।
asman mayi srjate visvameta-
ttasmimschanyo mayaya sanniruddhah ॥ 9॥
વેદમંત્રના છંદ, યજ્ઞ ને વ્રત તેમજ તેના નિયમો,
ભૂત, ભાવિ ને વર્તમાનની વસ્તુ વર્ણવે જે વેદો,
તે સૌને પ્રભુ પ્રકૃતિસ્વામી રચે તત્વની મદદથકી,
તેમાં સ્વરૂપને ભૂલેલા બંધાયે છે જીવ અહીં. ॥૯॥
અર્થઃ
છંદાંસિ - છંદ
યજ્ઞાઃ - યજ્ઞ
ક્રતવઃ - ક્રતુ અથવા યજ્ઞ
વ્રતાનિ - જુદાં જુદાં વ્રત
ચ - અને
યત્ - બીજું જે કાંઇ
ભૂતમ્ - ભૂત
ભવ્યમ્ - ભવિષ્ય અને વર્તમાનરૂપે
વેદાઃ - વેદ
વદન્તિ - વર્ણન કરે છે.
એતત્ વિશ્વમ્ - આ વિશ્વને
માયી - પ્રકૃતિના અધીશ્વર પરમાત્મા
અસ્માત્ - આ પ્રથમ દર્શાવેલા મહાભૂતાદિ તત્વોના સમુદાયથી
સૃજતે - સરજે છે.
ચ - અને
અન્યઃ - અન્ય જીવાત્મા
તસ્મિન્ - એની અંદર
માયયા - માયા દ્વારા
સંનિરુદ્ધઃ - સારી પેઠે બંધાયેલો છે.
ભાવાર્થઃ
આ શ્લોકમાં પરમાત્મા તથા જીવાત્મા પર વધારે પ્રકાશ પાડવામાં આવ્યો છે. પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે. સંપૂર્ણ સૃષ્ટિને રચે છે. વેદના વિવિધ મંત્રો, યજ્ઞો, જ્યોતિષ્ટોમ જેવા વિશેષ યજ્ઞો, વ્રતો, નિયમો અને વેદમાં વર્ણવાયેલું ને બીજુ ભૂત, વર્તમાન, ભવિષ્યકાળનું જગત - સર્વકાંઇ એ પરમાત્માના આશ્રયે રહે છે ને પરમાત્મામાંથી જ પ્રકટે છે. પરમાત્મા જ એમના નિયંતા છે. સર્વનું સર્જન કરવા છતાં અને સૌના સૂત્રધાર હોવા છતાં એ સૌથી અલિપ્ત છે, કશામાં બંધાતા નથી. પરંતુ જીવાત્માના સંબંધમાં એવું નથી સમજવાનું. જીવાત્મા માયાથી બંધાયેલો હોઇને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. એને લીધે શોક-મોહ, ભય-બંધન, અવિદ્યા અને અશાંતિનો અનુભવ કરે છે.

