ऋचो अक्षरे परमे व्योमन् यस्मिन्देवा अधि विश्वे निषेदुः ।
यस्तं न वेद किमृचा करिष्यति य इत्तद्विदुस्त इमे समासते ॥८॥
rucho aksare parame vyoman
yasmindeva adhi visve niseduh ।
yastam na veda kimrcha karisyati
ya ittadvidusta ime samasate ॥ 8॥
દેવ બધા જેનાથી ટકતા, વેદ પણ રહે છે જેમાં,
અવિનાશી તે આકાશસમા વ્યાપક પ્રભુને ના પેખ્યા,
વેદમંત્રનું ફલ તો વધુ શું ? વેદથકી પ્રભુને લભવા,
જાણી લે જે પ્રભુને તે તો સર્વપણે પ્રભુમાં વસતા. ॥૮॥
અર્થઃ
યસ્મિન્ - જેમાં
વિશ્વે - સઘળા
દેવાઃ - દેવો
અધિ - સારી રીતે
નિષેદુઃ - સ્થિત છે
(તસ્મિન્ - તે)
અક્ષરે - અવિનાશી
પરમે વ્યોમન્ - પરમ વ્યોમ કે પરમધામમાં
ઋચઃ - સર્વે વેદો રહેલા છે.
યઃ - જે માનવ
તમ્ - એમને
ન વેદ - નથી જાણતો
(સઃ - તે)
ઋચા - વેદો દ્વારા
કિમ્ - શું
કરિષ્યતિ - કરશે
ઇત્ - પરંતુ
યે - જે
તત્ - એમને
વિદુઃ - જાણે છે
તે - તે તો
ઇમે - તે
સમાસતે - એમની અંદર સુચારુરૂપે સ્થિત છે.
ભાવાર્થઃ
પરબ્રહ્મ પરમાત્મા એક અથવા અનન્ય હોવા છતાં સમસ્ત સૃષ્ટિના સ્વામી, અખિલ અવનીના આશ્રયદાતા છે. એમની પરમ દિવ્ય ચેતનામાં દેવો રહેલા છે. એમના દિવ્ય પરમધામમાં વેદોનો વાસ છે, એટલે એ અલૌકિક અક્ષર જ્ઞાનસ્વરૂપ છે. વેદોનો વિચાર અથવા અભ્યાસ એમને ઓળખવા માટે જ છે. એ જ જાણવા યોગ્ય હોવાથી વેદની મદદથી જરૂરી યોગ્યતાની પ્રાપ્તિ કરીને જે એમને નથી જાણતા અથવા જાણવાનો પ્રામાણિક પ્રયત્ન પણ નથી કરતા કે વેદના મહિમાથી વંચિત રહે છે. જે એમને જાણી લે છે તે એમની સાથે અભિન્ન અંતરંગ એકતાને અનુભવે છે અથવા એકરૂપ બને છે. એમના દિવ્ય પરમધામમાં ઇચ્છાનુસાર સ્થિતિ કરે છે. માનવજીવનનો મુખ્ય ઉપયોગ પરમાત્માની પ્રાપ્તિ માટે જ છે. એનો ઉપયોગ એને માટે થાય એમાં જ એની સફળતા અને સાર્થકતા છે.

