गुणान्वयो यः फलकर्मकर्ता कृतस्य तस्यैव स चोपभोक्ता ।
स विश्वरूपस्त्रिगुणस्त्रिवर्त्मा प्राणाधिपः सञ्चरति स्वकर्मभिः ॥७॥
gunanvayo yah phalakarmakarta
krtasya tasyaiva sa chopabhokta ।
sa visvarupastrigunastrivartma
pranadhipah sancharati svakarmabhih ॥ 7॥
જીવાત્માનું સ્વરૂપ ને જન્મમરણનું કારણ
ગુણથી બંધાયેલ જીવ તે જન્મમરણમાં ભટકે છે,
પોતાનાં કર્મોના ફલને ભોગવવાને જનમે છે;
ત્રણ ગુણથી તે બદ્ધ રહે છે, ગતિ પણ તેની ત્રણ થાયે,
મુક્ત બને ના જીવ ત્યાં લગી જન્મમરણ તેનાં ચાલે. ॥૭॥
અર્થઃ
યઃ - જે
ગુણાન્વયઃ - ગુણોથી બંધાયેલો છે.
સઃ - તે
ફલકર્મકર્તા - ફળને માટે કર્મ કરનારો જીવાત્મા
એવ - જ
તસ્ય - તે
કૃતસ્ય - કરાયેલાં કર્મનાં ફળોને
ઉપભોક્તાન- ભોગવનારો
વિશ્વરૂપઃ - વિવિધરૂપે પ્રકટનારો
ત્રિગુણઃ - ત્રણ ગુણોવાળો
ચ - અને
ત્રિવર્ત્મા - કર્મસંસ્કારોને અનુસરીને ત્રણ માર્ગે જનારો છે.
સઃ - તે
પ્રાણાધિપઃ - પ્રાણનો સ્વામી
સ્વકર્મભિઃ - પોતાનાં કર્મોથી પ્રેરાઇને
સંચરતિ - વિવિધ યોનિમાં વિચરે છે.
ભાવાર્થઃ
જીવાત્મા પ્રકૃતિમાં અથવા પ્રકૃતિના ગુણોમાં આસક્ત બનીને બંધાય છે, ફળની ઇચ્છાથી પ્રેરાઇને જુદાં જુદાં કર્મો કરે છે, અને એ સંસ્કારોને પરિણામે જુદીજુદી યોનિમાં જન્મીને કર્મનાં ફળોને ભોગવે છે. એ પ્રકૃતિના સત્વ, રજ તથા તમ; ત્રણે ગુણોની અસર નીચે આવે છે. એની ત્રણ પ્રકારની મરણોત્તર ગતિ થાય છે અથવા મરણ પછી એ ત્રણ પ્રકારના પંથે પ્રયાણ કરે છે. એક પંથ દેવયાન માર્ગનો છે. એ માર્ગે આગળ વધનારો જીવાત્મા બ્રહ્મલોક સુધી જઇને ત્યાંથી પાછો ફરતો નથી અને બ્રહ્માની સાથે મુક્ત થાય છે. બીજો માર્ગ પિતૃયાન માર્ગનો છે. એ માર્ગ પ્રયાણ કરનારો જીવાત્મા સ્વર્ગલોકમાં જઇને પુણ્યકર્મોના પરિણામે પ્રાપ્ત થયેલા દિવ્ય ભોગોને ભોગવીને એ ભોગોપભોગની અવધિ પૂરી થતાં ફરી પાછો મૃત્યુલોકમાં પ્રવેશે છે. ત્રીજો પંથ મૃત્યુલોકની બીજી સામાન્ય યોનિઓનો છે. એ પંથે પ્રયાણ કરનારો જીવાત્મા સ્વરૂપના સાક્ષાત્કારથી મુક્ત થતો નથી ત્યાં સુધી સંસૃતિચક્રમાં ફર્યા કરે છે.

