Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अङ्गुष्ठमात्रो रवितुल्यरूपः सङ्कल्पाहङ्कारसमन्वितो यः ।
बुद्धेर्गुणेनात्मगुणेन चैव आराग्रमात्रोऽप्यपरोऽपि दृष्टः ॥८॥

angusthamatro ravitulyarupah
sankalpahankarasamanvito yah ।
buddhergunenatmagunena chaiva
aragramatro'pyaparo'pi drstah ॥ 8॥

જીવ અંગુઠા જેટલો વળી સૂર્યસમો છે તેજ સ્વરૂપ,
અહંકાર-સંકલ્પ ભરેલો, બુદ્ધિતણા ગુણથી ભરપૂર,
તેમ અહંતા મમતા જેવા પોતાના ગુણથી ચકચૂર,
બદ્ધ તે સદા, પ્રભુથી જૂદો, જ્ઞાનીએ દેખ્યો છે સુક્ષ્મ. ॥૮॥

અર્થઃ

યઃ - જે
અંગુષ્ઠમાત્રઃ - અંગુષ્ઠમાત્ર માપવાળો
રવિતુલ્યરૂપ - સૂર્યસમાન પ્રકાશ સ્વરૂપ
સંકલ્પાહંકારસમન્વિતઃ - સંકલ્પ અને અહંકારથી સંપન્ન છે.
બુદ્ધઃ - બુદ્ધિના
ગુણેન - ગુણને લીધે
ચ - અને
આત્મગુણેન - પોતાના ગુણને લીધે
એવ - જ
આરાગ્રમાત્રઃ - આરાના અગ્રભાગ જેવો સૂક્ષ્મ છે.
અપરઃ - એવો બીજો એટલે પરમાત્માથી જુદો જીવાત્મા
અપિ - પણ
હિ - અવશ્ય
દૃષ્ટઃ - જ્ઞાનીજનોએ જોયેલો છે.

ભાવાર્થઃ

જે સંસારચક્રમાં કર્મફળોનો ઉપભોગ કરતાં ફરે છે તે જીવાત્મા પરમાત્મા કરતાં જુદો છે. એ હૃદયપ્રદેશમાં રહે છે, અને હૃદય અંગૂઠાના માપનું હોવાથી એ પણ અંગૂઠાનો માપનો છે. એ અવિદ્યારૂપી અંધકારથી મુક્ત તથા સૂર્યસમાન પ્રકાશસ્વરૂપ છે. એ સંકલ્પવિકલ્પ જેવા બુદ્ધિના ગુણથી અને અહંતા, મમતા, આસક્તિ જેવા પોતાના ગુણોથી સંપન્ન, સૂક્ષ્માતિસૂક્ષ્મ આકારવાળો અને પરમાત્માથી પૃથક્ છે. સ્વાનુભવસંપન્ન જ્ઞાની પુરુષોએ એના સ્વરૂપને એવું જ કહ્યું છે. ખરી રીતે તો એનું કોઇ માપ કે પરિમાણ નથી. એ અતિશય સૂક્ષ્મ હોવાથી કોઇપણ સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થ સાથે એની સરખામણી ના થઇ શકે તેવી. તોપણ એને અંગુષ્ઠમાત્ર કહ્યો છે એ એની સૂક્ષ્મતાનો ખ્યાલ આપવા માટે જ છે.