भावग्राह्यमनीडाख्यं भावाभावकरं शिवम् ।
कलासर्गकरं देवं ये विदुस्ते जहुस्तनुम् ॥१४॥
bhavagrahyamanidakhyam bhavabhavakaram sivam ।
kalasargakaram devam ye viduste jahustanum ॥ 14॥
જગના કર્તાહર્તા છે, વિના આધાર જે રહ્યા,
મળે જે ભાવથી, જેણે રચી સોળેય છે કલા;
કલ્યાણરૂપ તેને જે જાણી લે પરમાત્મને,
દેહથી તે છૂટી જાયે, બંધથી મુક્ત થાય છે. ॥૧૪॥
અર્થઃ
ભાવગ્રાહ્યમ્ - ભાવ અથવા પ્રેમપૂર્વકની શ્રદ્ધભક્તિથી પામવાયોગ્ય
અનીડાખ્યમ્ - આશ્રયરહિત કહેવાતા અથવા અસીમ
ભાવાભાવકરમ્ - સંસારનું પ્રાકટ્ય અને વિલીનીકરણ કરનારા
શિવમ્ - કલ્યાણ સ્વરૂપ
કલાસર્ગકરમ્ - સોળ કળાઓની રચના કરવાવાળા
દેવમ્ - પરમાત્માને
યે - જે
વિદુઃ - જાણે છે
તે - તે
તનુમ્ - શરીરને
જહુઃ - (સદાને માટે) છોડી દે છે, અથવા મુક્ત થાય છે.
ભાવાર્થઃ
ઉપરના શ્લોકના અનુસંધાનમાં લખાયેલા આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પરમાત્માનો સાક્ષાત્કાર ભાવપૂર્ણ હૃદયથી, પરમાત્માની અખૂટ શ્રદ્ધાભક્તિથી થઇ શકે છે. એ પરમાત્મા સૌના એકમાત્ર આશ્રય હોવાં છતાં એમનો આશ્રય અથવા આધાર નથી. એમની શક્તિથી પ્રાદુર્ભાવ પામનારો સંસાર છેવટે એમની અંદર વિલીન થાય છે. એ પરમ મંગલ છે. સોળ કળાઓના સ્વામી ને દેવોના પણ દેવ છે. એમનો સાક્ષાત્કાર કરનાર સત્પુરુષ દેહભાવથી ઉપર ઉઠીને દેહનો ત્યાગ કરી સદાને માટે મુક્તવસ્થાનો અનુભવ કરે છે.

