ॐ सहनाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु । मा विद्विषावहै ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
om sahanavavatu ।
saha nau bhunaktu ।
saha viryam karavavahai ।
tejasvi navadhitamastu ।
ma vidvisavahai ॥
om santih santih santih ॥
રક્ષા કરે તે પ્રભુજી અમારી,
કરો વળી પાવન તે અમારૂં;
સાથે મળી શક્તિ અમે લભીએ,
ના દ્વેષ કો’દીય અમે કરીએ.
અભ્યાસ હો તેજભર્યો અમારો !
ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥
અર્થઃ
ૐ - પરબ્રહ્મ પરમાત્મા
(તમે) નૌ - અમારા બંનેની
સહ - સાથે સાથે
અવતુ - રક્ષા કરો.
નૌ - અમારા બંનેનું
સહ - સાથે સાથે
ભુનક્તુ - પાલન કરો.
સહ - અમે બંને (સાથે સાથે)
વીર્યમ્ - શક્તિને
કરવાવહૈ - પ્રાપ્ત કરીએ.
નૌ - અમારા બંનેની
અધીતમ્ - અધ્યયન કરેલી વિદ્યા
તેજસ્વિ - તેજસ્વિની
અસ્તુ - બનો
મા વિદ્વિષાવહૈ - અમે બંને એકમેકનો દ્વેષ કરીએ નહીં.
ભાવાર્થઃ
આ શાંતિપાઠ કઠ ઉપનિષદના આરંભમાં પણ આપવામાં આવ્યો છે. એને સદભાવનાનો શાંતિપાઠ કહી શકાય. જ્ઞાનપ્રાપ્તિની પવિત્ર પ્રક્રિયા દરમ્યાન જ્ઞાનને આપનાર અને લેનાર બંનેમાં પારસ્પરિક પ્રેમ અને સદભાવ હોય એ આવશ્યક છે. એવા પ્રેમ અને સદભાવનો આ શાંતિપાઠમાં સમાવેશ થાય છે. એ દ્વારા અધ્યયનના આરંભ વખતે પરમાત્માને પ્રાર્થવામાં આવે છે. એ પ્રાર્થનામાં સંસારની કોઇ ક્ષુલ્લક વસ્તુની કામના કરવામાં નથી આવી. એમાં અપેક્ષા રાખવામાં આવી છે કે પરમાત્મા અમારા બંનેની રક્ષા કરે. શેમાંથી રક્ષા ? દુર્વિચાર, દુર્ભાવ, દુષ્કર્મમાંથી. અહંકાર, આસક્તિ, ઇર્ષામાંથી. સ્વાર્થ તથા સંકુચિતતામાંથી. માયાના મોહક પ્રબળ પ્રવાહથી તથા પ્રભાવથી. ભાતભાતના ભયસ્થાનો અને પાર વિનાના પ્રલોભનોથી. અવિદ્યા અને આસુરી વૃતિ તેમજ અશાંતિમાંથી. વેદના, વિષમતા, વિઘ્ન, વિસંવાદ, વિપત્તિથી. જીવનના મૂળભૂત ધ્યેયના અને પરમાત્માના વિસ્મરણથી.
એમાં પરમકૃપાળુ પરમાત્મા અમારું પાલન કરો એવી પ્રાર્થના કરવામાં આવી છે. પાલન શારીરિક, માનસિક, આત્મિક અને વ્યવહારિક સર્વ પ્રકારનું છે. પરમાત્મા પોતાની સવિશેષ કૃપાથી અમારા શરીરને સ્વસ્થ અને શક્તિશાળી રાખે, મનને ઉત્તમ સંકલ્પ-વિકલ્પોથી સમૃદ્ધ તથા સુદ્રઢ બનાવે, આત્માને અવિદ્યાની નાનીમોટી બધી જ ગ્રંથિમાંથી મુક્તિ આપે, અને વ્યવહારિક જીવનને પણ વિશુદ્ધ બનાવવાની ને રાખવાની પ્રેરણા અને ક્ષમતા પૂરી પાડે એવી ગર્ભિત ભાવનાનું એમાં દર્શન થાય છે.
અશક્તિ, નિર્બળતા અથવા નિષ્ક્રિયતા તો કોઇપણ સંજોગોમાં, કોઇયે કારણે, ઇષ્ટ અથવા અભિનંદનીય નથી. એટલા માટે આ શાંતિપાઠમાં પ્રાર્થના કરવામાં આવી છે કે અમે પ્રગતિના પથ પર આગળ વધતાં નિરંતર સાથે મળીને પુરુષાર્થ કરીએ. અમારી પ્રબળ પુરુષાર્થવૃતિનો કદાપિ દુરુપયોગ ના થાય. એ અમને પૂર્ણતાના પાવન પથ પર પ્રયાણ કરવાનું પરિબળ પૂરું પાડે. આગળ ને આગળ વધારતી જાય, અમારા વિચારો, ભાવો, સંકલ્પો અને અમારુ અધ્યયન તેજસ્વી થાય. અમારી જડતા, પરાધીનતા, નપુંસકતાનો નાશ કરે. વિદ્યા વિચારોમાં ને વાણીમાં કેદ ન બને પરંતુ વ્યવહારમાં મૂર્તિમંત બનીને જીવનનું પ્રેરક બળ થાય. અમારા રહ્યાસહ્યા ક્લેબ્યને કાઢી નાખીને અમને તેજસ્વી બનાવે.
અને છેલ્લે દ્વેષરહિત બનવા માટેની શક્તિ પૂરી પાડવાની પ્રાર્થના કરવામાં આવી છે. હે પ્રભુ ! અમે પરસ્પર દ્વેષ કરીએ નહીં, વેર રાખીએ નહીં, પ્રેમભાવને ધારણ કરીએ. વેરભાવ ઉધઇનું કામ કરે છે. અને સેવનારના તનમનનો નાશ કરે છે. પ્રેમ પોષક પદાર્થ બનીને પોષે છે. જે પાછળ છે તે બીજાને આગળ જોઇને જલે તેવી શક્યતા છે. આગળ છે તે પાછળના પ્રયત્ન દ્વારા કોઇ રીતે આગળ વધતા દેખાય તો એમને અટકાવે અથવા એમની પ્રત્યે દ્વેષભાવ રાખે એવો સંભવ છે. એથી ઉગરવા માટેની સદભાવના અહીં સેવાઇ તે બરાબર જ છે. એ ભાવના ગુરુ-શિષ્ય બંનેની જીવન પ્રત્યેની જાગૃતિની નિશાની છે. અતિશય આવકારદાયક અને અનુકરણીય છે. જીવનને જો વેરભાવનો લૂણો લાગી જાય તો જીવન બરબાદ બને છે. વેર વિષ છે અને પ્રેમ પિયૂષ. સાધકે અને પ્રત્યેક માનવે વિષનું નહીં પરંતુ પિયૂષનું જ સેવન કરવું જોઇએ.