Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અંધારા ઓરડામાં દીપકનો પ્રકાશ થયો ને મારું હૈયું હાલી ઊઠ્યું. મને કૈંનું કૈં થઈ ગયું. મારી સમીપના નાનાશા સદનમાં દીપકનો પ્રકાશ થયો.

કેટકેટલા દિવસથી ત્યાં અંધારું હતું ! ધોળે દિવસે પણ તેમાં તો રાતની રાણીએ જ રાજ કર્યું હતું. આજે એના અધિકારીનું આગમન થયું અને ઓરડો આખોયે ઓપી ઊઠ્યો. નાનાશા અંધકારના આવાસસમા ઓરડામાં દીપકનો પ્રકાશ થયો.

મારા દિલનો દીપક પણ તમારી પ્રામાણિક પ્રતીક્ષા કરે છે પ્યારા પ્રભુ ! એને તમારો દૈવી દૃષ્ટિપાત ધરો, તમારા પરમ પાવન પ્રકાશે ભરો. આજુબાજુના અનંત આવરણને એ અજવાળે, નવજીવન દે. એ વિના મારા નાનાશા દીપકનો ને જીવનનો બીજો શો સાર છે મારા પ્રભુ !

મારાથી ગાયા વિના ના રહેવાયું.

અંધારા ઓરડામાં દીપકનો પ્રકાશ થયો ને મારું હૈયું હાલી ઊઠ્યું. મારાથી ગાયા વિના ના રહેવાયું.

- શ્રી યોગેશ્વરજી