Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પરિમલથી પ્રાણવાન બનેલું પ્રત્યેક પુષ્પ પોકારી પોકારીને કહે છે કોમળતા જ કુદરતનો ક્રમ છે, નહિ કે ક્રૂરતા : સેવા જીવનનો સ્વભાવ છે, નહિ કે સ્વાર્થપરતા. પરિમલવાળું પ્રત્યેક પુષ્પ એ કથા કહી બતાવે છે.

સાગરમાં સમાવા સારુ સ્નેહની સામગ્રી સાથે સરી જનારી પ્રત્યેક સરિતા કહે છે કે શાંતિ, સરળતા, સંવાદ જ કુદરતનો ક્રમ છે, નહિ કે વિસંવાદ, વિરોધ, વિધ્વંસ : ધ્યેયપરતા જ જીવનનો સ્વભાવ છે.

પર્વતની પંક્તિ પાસેના પ્રદેશ પરથી પસાર થતાં ઝરણ જીવનના સનાતન સંગીત ને શાંતિનો એજ સંદેશ કહી બતાવે છે.

પ્રત્યેક પંખી ને પવનની લહરી પણ પોતાનું સનાતન સંગીત સંભળાવતા કહી બતાવે છે કે સ્વતંત્રતા જ કુદરતનો ક્રમ છે, જીવનનો સ્વભાવ છે, નહિ કે પરતંત્રતા.

સ્નેહ ને સૌન્દર્યના સમુચ્ચયસમું શિશુ ને તેની માવજત કરનારી માધુર્યના મધપૂડા જેવી માતા પણ એજ ગીત ગાઈ સંભળાવે છે કે સ્નેહ ને સમર્પણ જ સંસારનો સાર છે, નહિ કે સ્વાર્થ ને વેર. પર્વતીય પ્રદેશની પ્રત્યેક પગદંડી ને તેના પરથી પસાર થતો પ્રત્યેક પ્રવાસી એ કથાને કહી બતાવે છે.

અંધકારના અનંત આવરણમાંથી આનંદી તથા ટમકી ઊઠતું તારામંડળ, ને પ્રેરણા, પ્રકાશ, પ્રસન્નતાથી પુલકિત થયેલું પ્રત્યેક પ્રભાત, પોતાના પ્રેમાળ છતાં અખંડ અભંગમાં પોકારી પોકારીને કહી બતાવે છે કે પ્રકાશ જ જીવનનો સ્વાભાવિક ક્રમ છે, નહિ કે અંધાર; જીવન જ સ્વાભાવિક છે, નહિ કે મૃત્યુ.

- શ્રી યોગેશ્વરજી