આ અવનીને અમૃતમય કરવાનો અમુલખ અવસર આવ્યો છે એનો ઉપયોગ કરીને અવનીને અમૃત ધરીશ, એના અમૃતનું આકંઠ પાન કરીશ. આ અવનીમાં અમૃત ભરીશ.
નેહથી નીતરતા નેને નિહાળીશ – તારા નેહથી નીતરતા રૂપને નિરંતર નિહાળીશ; વાણીની વીણા પરથી છૂટેલા તારા સ્નેહસ્વરથી આકાશપાતાળને પરિપ્લાવિત ને પાવન કરીશ. શ્રવણથી તારી સુધાનો સાધારણ કે અસાધારણ પ્રત્યેક સ્વરમાં સ્વાદ લઈશ; જે મળશે તેમને તારો જ સંદેશ દઈશ.
સંકલ્પ ને વિકલ્પને તારૂં વાહન કરીને તારી જ પૂજા કરીશ.
એ રીતે મારા સમસ્ત જીવનને અમીમય કરીને અવનીનું પણ અમી થઈશ. મારી સમસ્ત શ્રી ને સંપત્તિ સાથે તારી સુંદર સરસ સૃષ્ટિની સેવા કરીશ ને શોભા બનીશ. ઓ મારા સુંદરતમ, સંસારની શોભા થઈશ.
અવનીને અમૃતમય કરવાનો અમુલખ અવસર આવ્યો છે એનો ઉપયોગ કરીને અવનીને અમૃત ધરીશ, એના અમૃતનું આકંઠ પાન કરીશ. અવનીમાં અમૃત ભરીશ.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)