Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી હાજરીમાં મારી દશા કેવી થાય છે, અથવા કહો કે તમારી હાજરીનું મારા પર કેવું કામણ થાય છે, તે જાણવું હોય તો આવો આ સરોવર પાસે ને જુઓ આ કમળને.

પર્વતમાળાની પાછળથી પ્રકટ થતા સૂરજનાં સોનેરી કિરણોના સ્પર્શે એની પાંખડી ખીલે છે – કોઈક નવજાત શિશુની આંખ ખુલતી હોય એમ.

ને જુઓ આ ઉમંગને ઉરમાં ભરીભરીને ઉછાળા મારતો સ્નેહના સદન સરખો સાગર. ચંદ્રના ઉદયથી એનો ઉલ્લાસ માતો નથી. ઠીક એવી જ છે ને થઈ જાય છે મારી દશા, તમારી મધુર, મંગળ, હેતાળ હાજરીમાં.

(૯-૪-૧૯૬૦, શનિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)