Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જ્યાં જોઈએ ત્યાં અંધારું. આજુબાજુ બધે જ અંધારું. એવી અંધારભરેલી રાતે, નદીના તટ પરના પર્વત પાછળથી, એકાએક ચંદ્રનો ઉદય થયો, ને ઉપવન આખુંયે અંજાઈ ઊઠ્યું.

નદી નેહમાં નહાવા માંડી. પવને પ્રસન્નતા ધારણ કરી. ભૂલેલા, મૂંઝવણમાં મૂકાયેલા, મુસાફરને માર્ગ મળ્યો.

આવી જ રીતે પ્રકાશનું પાવન દાન દઈને સંસારને નૂતન સંદેશ ધરી શકું, જગતને નવજીવન દઈ શકું, બધે નવી ચેતના ભરી શકું, એ મારી અભિલાષા છે. એ માટે જ છે મારું જીવનધારણ, મારી સાધના. એની સિદ્ધિને હવે વહેલામાં વહેલી તકે નિહાળી શકું – હે પ્રભુ, નિહાળી શકું !

દૂર કોઈ ગાતું હતું; મારાથી એ જોઈને ગાયા વિના ના રહેવાયું.

(૧૧-૪-૧૯૬૦, સોમવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)