Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હું તારી પ્રતિમા પાસે રાતદિન બેસી રહેતો, ને તારી આગળ મારા ઉમળકાભરેલા અનુરાગી અંતરને ઠાલવતો. મને થતું કે હું જ તારી પાછળ મુગ્ધ થઈને એમ શ્વાસ લેતો.

પરંતુ એક દિવસ, સાગરના પેલા વિશાળ તટ પર, શરદની સમીરલહરીની વચ્ચે, મને તારો મેળાપ થઈ ગયો.

મેં શું જોયું? તારા અંતરમાં આંખને એકાગ્ર કરીને તું મારી મૂર્તિનું, મારી મનહર સ્નેહમયી છબીનું ગાન, ધ્યાન, પાન કરતો હતો !

હું તો રાખતો જ હતો પણ તુંયે મારી છબી તારી આંખ આગળ, તારા હૃદયમાં રાખતો હતો !

મારા મનમાં એમ હતું કે હું જ તને ચાહતો, ભજતો, તારી કામના કરતો હતો. પણ તે દિવસે તારો રહસ્યપડદો તૂટી ગયો. મારી ભ્રમણાનો પરપોટો ફૂટી ગયો.

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)