અંધારા આકાશમાં તાલબદ્ધ રીતે ટમકતા તારા કોણ છે, ક્યાંથી આવે છે, તમે જાણો છો ?
કહે છે કે સંસારને સુખમય જોવાની ઈચ્છાવાળા મહાપુરૂષો જ્યારે શરીર છોડીને વિદાય થાય છે ત્યારે, સંસાર પ્રત્યેના અસીમ સ્નેહથી ખેંચાઈને, એ અવકાશમાં આસીન થાય છે. ત્યાં રહ્યે રહ્યે પોતાની પૃથ્વીની પરિસ્થિતિનું દર્શન કરે છે. કોઈવાર એમનામાંનો એકાદ ખરી પડે છે, આ દુનિયામાં દેહ પણ ધારણ કરે છે.
અંધારા આકાશમાં તાલબદ્ધ રીતે ટમકતા તારા કોણ છે, ક્યાંથી આવે છે, તમે જાણો છો ?
કહે છે કે ઈશ્વરની એ અનંત આંખ છે. પોતાની આંખે એ અવનીનું અવલોકન કરે છે, અવનીને આહ્લાદ, આભા, અમીરસનો અભિષેક ધરે છે.
કોઈ કહે છે કે સૂરજના વિરહથી વ્યગ્ર કે વ્યાકુળ થયેલો દિવસ પોતે જ રાત બને છે, અને અનંત આંસુ સારે છે.
કોઈ કહે છે એ શાસ્ત્રોનું સંગ્રહસ્થાન, પ્રેરણાનું પ્રભવમંદિર છે. કવિઓની કવિતા એને જ આધારે મોટી થાય છે; અનેકને માટે આશીર્વાદરૂપ થાય છે. સ્વર્ગની સુંદર અપ્સરા રોજ રાતે પોતાના ઉપવનનાં ચૂંટેલાં ફૂલોને લાવીને ત્યાં વેરે છે. એ જ ફૂલના દીવા થાય છે.
અંધારા આકાશમાં તાલબદ્ધ રીતે ટમકતા તારા કોણ છે, ક્યાંથી આવે છે, તમે જાણો છો ?
(૧૮-૪-૧૯૬૦, સોમવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

