એ બધા કહે છે કે સંસારમાં સઘળે તું જ છે; વિવિધ વેશ ધારણ કરીને ત્રિભુવનમાં જુદી જુદી જાતના અભિનય પણ તું જ કરી રહ્યો છે. જ્યાં જઈએ, રહીએ, શ્વાસ લઈએ, ત્યાં તારું જ સનાતન સંગીત સંભળાયા કરે છે. આકાશ ને પાતાળ, તારા ને ચંદ્ર, સાગર ને સરિતા, પંખી ને પુષ્પ તથા વલ્લરી ને વૃક્ષ, સૌની અંદર તારા સનાતન સંગીતના પ્રતિધ્વનિ પડ્યા કરે છે.
તોપણ જન્મને એ બધી બદીનું મૂળ માને છે, મરણથી ડરે છે.
મારી આંખ તો તારા દર્શનથી દૈવી થઈ છે. એટલે મને હવે ફરી જન્મવાનો મોહ નથી ને ભયે નથી. જીવનની પળેપળ મારે માટે ઉત્સવરૂપ બની છે, બને છે, ને કાયમ માટે બન્યા કરશે. તારા વિરાટ વિશ્વનાટકમાં કામ લાગવા, એક અભિનેતા તરીકે, જન્મ માટેનું જેટલી વાર આમંત્રણ આપ્યું છે, એટલી વાર મેં વધાવ્યું છે. હજીયે, લેશ પણ ચિંતા કે ફફડાટ વિના વધાવીશ. ફક્ત એટલા માટે કે જ્યાં હું હોઈશ ત્યાં તું પણ હોઈશ - મને ખાતરી છે કે તું મારી સાથે જ હોઈશ.
(૧૩-૫-૧૯૬૦, શુક્રવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

