Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બીજા અનેક કવિઓની સાથે તમારા રાજદરબારમાં એક તરફ મારુંયે આસન છે. તમે મને તમારો રાજકવિ કર્યો છે.

બીજા કવિ દરબારની ભભક ને દરબારના ઐશ્વર્યથી અંજાઈ ગયા છે; ભાતભાતની કવિતા કરવાની હરિફાઈમાં ઊતરી પડ્યા છે. કવિતામાં તમારા દરબારની શ્રી, સુંદરતા, સમૃદ્ધિ અને સરસતાના પડઘા પાડ્યા કરે છે. ચારેકોર ચકિત થઈને ચંચળની જેમ જુએ છે. તમારા ભવ્ય ભંડારની છેક સાધારણ જેવી વસ્તુઓને એમણે એમના આલાપનું ઉગમસ્થાન કરી દીધું છે.

હું તો તમારા તરફ જ તાકી રહ્યો છું. તમારા રાજદરબારના ઐશ્વર્ય અને રંગમાં પણ તમારી જ ઝાંખી કરું છું. કવિતા પણ તમારી જ કરું છું. તમને જ મારા મનની મનહર માળા અર્પણ કરું છું.

મારામાં અને એમનામાં એટલો જ તફાવત છે.

(૧૯-૫-૧૯૬૦, ગુરૂવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)