વિપત્તિનાં વાદળ વેરાય છે ને પાછાં પેદા થાય છે. અશાંતિનાં આવરણ આવે છે ને પાછાં જાય છે. ધરતી ને ગગનમાં ગેબી ગગડાટ થતા જાય છે ને શાંત થાય છે. એવા વિરોધાભાસી વાતાવરણથી પીડાઈ રહી છે આ પૃથ્વી. અંગારામાંથી ક્યારે અનલ, અનલમાંથી ભડકો થશે તેની ખબર નથી. માનવજાતિ એક મોટા મંથનમાંથી, સંક્રમણકાળમાંથી, પસાર થઈ રહી છે.
ઘર્ષણ થાય, લડાઈ થાય, જાનમાલની મોટી હાનિ થાય; ઘડી બે ઘડી માટે અન્યાય, અત્યાચાર, અનર્થ, અશાંતિ ફાવી જાય; ન્યાય, નીતિ, સત્યનું શોષણ થાય; તો પણ મને શ્રદ્ધા છે, ને હું જોઈ શકું છું, કે અંતિમ વિજય અસત્યનો નહિ પણ સત્યનો, કુસંપનો નહિ પણ સંપનો ને આસુરી નહિ પણ દૈવી સંપત્તિનો જ થશે. સંસારમાં શાંતિ થશે, સુખાકારી થશે, સંસ્કૃત માનવને છાજે એ રીતે સૌ શ્વાસ લેશે. સંસારની આજની કૂચ એ તરફ જ છે.
એ કૂચમાં શકવર્તી કામ કરવું હશે, સંસારમાં શાંતિ, સુખાકારી અથવા આધ્યાત્મિકતાનો યુગ ફરી સ્થાપિત કરવો હશે, તો શક્તિ વિના નહિ ચાલે, મારા પ્રભુ ! તમારા જેવી કે જેટલી શક્તિ વિના નહિ ચાલે. એ માટે જ મારી માગણી છે - મહીમંડળના મંગલને માટે.
તો હવે ગગનમાં ચંદ્રનો ઉદય ને ઘરમાં દીપકની જ્યોતિ થાય છે, તેમ મારી જ્યોતિને જગાવી દો, મારા તન, મન, અંતરને તમારા પરમ પ્રકાશે સજાવી દો !
(૫-૬-૧૯૬૦, રવિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

