લોકો તને મોટો કહે છે ને માન આપે છે. પણ જ્યાં સુધી તેં તારી જાતને જાણી નથી, અથવા તો આત્માને નથી ઓળખ્યો, ત્યાં સુધી તું નાનામાં નાનો છે; તેની ખબર છે ?
લોકો તને પંડિત, પ્રતિષ્ઠિત, નેતા માને છે, તારી આજુબાજુ એકઠા થાય છે. પણ જે કામ કરવા તું આવ્યો છે તે કામ તેં નથી કર્યું. તું આડવાતમાં ઊતરી ગયો છે, મૂળ માર્ગ ભૂલ્યો છે; તેની તને ખબર છે ?
શ્રી ને સંપત્તિની છોળો તારી આસપાસ ઊડતી હોય, તને કોઈ પ્રકારની લૌકિક તકલીફ ના હોય, તો પણ શું ? સમસ્ત સંસાર તને મોટો માને છે; પણ તેં જીવન ને જગતના રહસ્યને નથી જાણ્યું, પ્રિયતમના મેળાપ દ્વારા મળતું મુક્તિનું મહાસુખ નથી માણ્યું, ત્યાં સુધી તું નાનામાં નાનો છે, તેની તને ખબર છે ?
(૬-૬-૧૯૬૦, સોમવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

