Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પર્વત પર બેઠેલા પ્રવાસી દૂરનો દેખાવ જોવામાં મશગૂલ હતા. કોઈ દૂર ખીણમાં દેખાતી વનરાજિનાં વખાણ કરતા, કોઈ મેદાનમાં વિસ્તરેલી કે વહી જતી નદીનું વર્ણન કરતાં ના થાકતા. કેટલાંય ગામ ને શહેર એ પર્વત પરથી દેખાતાં. તેમની સુંદરતાથી સૌ મુગ્ધ થતા.

કોઈ શિખર પર છવાયેલા ધુમ્મસને જોતા, કોઈ સૂર્યાસ્તનો લહાવો લેતા આનંદ પામતા.

કોઈ ઉમંગે ઊભરાઈને ગીત ગાતા, કોઈ નર્તન કરતા ‘કેટલું બધું સુંદર, કેટલું આકર્ષક, કેટલું આહ્લાદક’ એમ બોલી ઊઠતા.

એમની જ બાજુમાં એક બાળક બેઠો હતો. એની આંખ જરા ભીની હતી. મેં એને એનું કારણ પૂછ્યું તો એણે કહેવા માંડ્યું :

‘દૂરથી એ સૃષ્ટિ એટલી બધી આકર્ષક, આહ્લાદક દેખાય છે પણ એની અંદર જે અશાંતિ, અનીતિ, ભેદભાવ, ઘર્ષણ, શોષણ છે એનો વિચાર કરવાથી મારો ઉત્સાહ ઓસરી જાય છે. બહારથી જેટલું આકર્ષક, આહ્ લાદક દેખાય છે એટલું જ આ બધું અંદરથી પણ થઈ જાય તો કેટલું સારું !’

બાળકની બુદ્ધિ માટે મને ખરેખર માન ઉત્પન્ન થયું.

(૨૮-૬-૧૯૬૦, મંગળવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)