વિશ્વે ચતુર્દિશ ચિતા પ્રજળી રહેલી
વિદ્વેષની વિષમતા વિપરીતતાની
વાર્ધક્ય-વ્યાધિ-વિષ-મૃત્યુ-અશાંતિ કેરી,
તેમાં તમે અમૃતસિંચનકાજ આવ્યાં
જીવ્યાં તમિસ્ત્રથરમાં નવતેજ લાવ્યાં;
દાઝ્યાં નહીં, અવરને નવ દાઝવાયે
દીધાં; ચિતા હૃદયની શમવી બધીયે
અંતે થયા પરમશાંતિ થકી વિદાય.
રાખી ભલે તન ચિતા પર ત્યાં તમારું
જ્વાળા કરી પ્રગટ તીવ્રપણે સ્મશાને,
કેમે શકો નવ જલી કદિયે તમે તો,
જ્વાળા શકી નવ જરી તમને જલાવી.
ડૂબી ગયાં પરમજ્યોતિમહીં પ્રસન્ના
અંતે બન્યાં અમર મંગલ મૃત્યુ મારી.
- શ્રી યોગેશ્વરજી