Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કથા અંતે તમે અનુભવની કથીઃ
જગતમાં કોઈય કોઈનું નથી,
એક ઈશ્વરના વિના.
પામતા સુખશાંતિ સંતૃપ્તિ નકી
બનાવે છે તેમને જે સારથિ.

કથા અંતે સ્વાનુભવ કેરી કહીઃ
શરણ ઇશ્વરનું જ સાર્થક્ત્તા ધરે
વાસનાથી મુક્ત્ત માનવને કરે,
શ્રેય સાધે સફળ બનતાં જિંદગી
જે કરે રસલ્હાણ પ્રભુની પ્રીતની.

એકલો આવે જગતમાં જીવ આ
કિન્તુ વિસ્મરતાં વિમુક્ત્ત સ્વરૂપને
મમત્વ કરે રાગદ્રેષ કષાયથી
બધ્ધ બનતાં વિપદમાં જાયે પડી.

સ્વરૂપે સ્થિત થાય શ્રેયસ્કર સદા
પ્રાપ્ત થાય અવર્ણનીય ખરે પ્રભા;
વાત એ કલ્યાણની ના ભૂલવી,
અંતકાળે કથા અનુભવની કથી.

 - શ્રી યોગેશ્વરજી