તમે ચાલ્યાં ગયાં એ વાત આવે માનવામાં ના.
હજી તો એમ લાગે કે ગયાં યાત્રામહીં મોટી
થયાં કોઇક કારણથી પથમહીં ક્યાંક પણ ખોટી;
તમારો પત્ર તાર કશુંક પણ મળશે, ટપાલીને
નિહાળીને કદી તો એમ લાગે આજકાલ હવે.
તમે પાછાં નહીં આવો ગયાં શાશ્વત સમય માટે
તમે ચાલ્યાં ગયાં અત્યુક્તિ જેવી વાત એ લાગે.
નયન સામે સ્મશાનચિતા સળગતી, ભસ્મ કાય થઇ
અમે ઉભા રહેલા ત્યાં સુધી, સ્મૃતિ વ્યથાપૂર્ણ થતી;
લઇને અસ્થિ ઘેર ફર્યા વિસર્જન અસ્થિનું કરવા
પ્રવાસ પછી અને યોજ્યો ભરીને અશ્રુને ઉરમાં.
છતાં ચાલ્યાં ગયાં છોડી બધાંને એમ લાગે ના,
શ્રવણમંગલ પહેલાં જેમ સુંદર બીન વાગે ના,
સમીપે રહીને જોઇ રહ્યાં એવાં પ્રશાંત બની
જલી કાયા છતાંયે તમારો આવેલ અંત નહીં.
તમે ચાલ્યાં ગયાં એ વાત માનવામાં આવે ના,
સતત સંનિધિ તમારી દિવ્ય દ્રષ્ટિ વાણ મધઝરતી
અમર છે રહેશે સંવેદનતણી સ્નેહની ધારા,
નથી સ્વપ્નેય ભંગાતા વણસતા મમતના માળા.
- શ્રી યોગેશ્વરજી