મને થયું કે એક તમારું મંદિર ભવ્ય બનાવું.
સંગેમરમરના મંગલ એ મંદિરમહીં તમારી
મૂર્તિ મનહર સ્થાપું અદકું આકર્ષણ પ્રકટાવું
ધૂપદીપનૈવેદ્ય આરતિ પુષ્પમાળથી પૂજન
કરું કરાવું, વીણાવાદન સિતારનું સ્વરગુંજન
પ્રશસ્તિસ્તોત્રસ્વરોને સુખમય સદા સપ્રેમ સુણાવું;
સ્વર્ણશિખરથી મહિમા એનો ચારે તરફ પ્રસારું.
મને થયું કે એક તમારું મંદિર ભવ્ય બનાવું.
માનવમહેરામણ ત્યાં ઉમટે કરે પ્રશસ્તિ ભારી;
યાવચ્ચંદ્રદિવાકરૌ રહે ઉજ્જવળ કીર્તિ જેની,
એવા મંદિરની રચના ના દીસે અશક્ય જેવી.
મને થયું કે એક તમારું મંદિર રમ્ય રચાવું
એના કરતાં જીવનમંદિર મારું દિવ્ય બનાવું.
- શ્રી યોગેશ્વરજી

