સંબોધનો કર્યાં કેવાં તમે સ્નેહથકી છલ્યાં
મમત્વથી ભરાઇને મધુથી મધુરાં નવાં,
ડાહ્યલી સુરભિ રાધી સરૂડી ટકુડી વળી
ડાહી લટુકડી સૂતાં પર્યંકે છેવટે તમે
પ્રભાવિત થઇ દૈવી સ્નેહે સર્વેશ્વરીતણાં
સંબોધનો કર્યા એને દ્રવી સેવા નિહાળતાં.
આશ્ચર્ય લાગતું એવાં સુણી શબ્દો અનેકને,
પરંતુ પ્રેમનાં વિશ્વે કશું આશ્ચર્ય હોય ના.
પ્રેમ કશું ન કરે, જીતે મનને અંતરાત્મને,
અશક્ય એહને માટે કોઇયે કાર્ય ના ખરે.
સંબોધનો સુણી એવાં અમને એમ લાગતું
વિશ્વની ચેતના સત્તા જગદંબા મહાન કે
પ્રસન્નતાથકી બોલે બોલાવે એમ પ્રેમથી
આશીર્વાદ ધરે જોઇ સેવા સર્વેશ્વરીતણી.
પડદો જ રહ્યો વચ્ચે થઇ તે દૂર જાય તો
પ્રકાશ પ્રગટે ન્યારો પ્રસરે પરમાત્મનો.
તમારામાં અમે પેખી પરમાત્મતણી પ્રભા
સાંભળી એમની વાણી માણ્યું માધુર્ય સ્પર્શમાં.
- શ્રી યોગેશ્વરજી

