તમારા રક્તકણમાં છળકપટનો લેશપણ ન હતો,
હતો વિશ્વાસઘાત નહીં શ્વસનમાં લેશમાત્ર દગો.
અનૃતને અન્યાય કરવાની કરેલી કલ્પનાયે ના,
અનાચારો અનર્થ હતા તમારી પ્રકૃતિમાં કયાં?
પસીનાનું સદા ખાધું રહીને પૂર્ણ પ્રામાણિક,
કુદ્રષ્ટિ તો કરી ના કિન્તુ મતિ બગડી ના કિંચિત.
સરળતા સૌમ્યતા શુચિતા સહજતા સાદગી સ્વાશ્રય
સનાતન સ્નેહનો તમને મળેલો વારસો આશ્રય.
તમારા રક્તકણમાં સ્વાર્થનો લવલેશ પણ ન હતો,
હતો વિદ્વેષ ના, ના રાગ ભયનો અંશ ક્યાંય કશો.
બગાડ્યું ના તમે કોનું કરી ના કલ્પના એની
સુધાર્યું સર્વનું હેતાળ હૈયાની કરી હેલી.
તમોને પામવા માટે અમોને એટલે ગૌરવ;
તમે સરજ્યું સદાયે સ્વર્ગને રગદોળતાં રૌરવ.
- શ્રી યોગેશ્વરજી

